America Iran War: મધ્ય પૂર્વમાં અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ વધુ એક વખત વધી ગયો છે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM)એ રવિવારે (સ્થાનિક સમય મુજબ) ઈરાન પર નવા હવાઈ હુમલાની પુષ્ટિ કરી છે. અમેરિકા મુજબ આ કાર્યવાહીનો હેતુ હોર્મુઝ જળમાર્ગમાંથી પસાર થતા વેપારી જહાજો પર હુમલો કરવાની ઈરાનની ક્ષમતાને નબળી પાડવાનો હતો. આ કાર્યવાહી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્દેશ પર કરવામાં આવી હોવાનું CENTCOMએ જણાવ્યું છે.
અમેરિકાએ શું કહ્યું?
CENTCOMના જણાવ્યા અનુસાર, ઈરાન પર કરવામાં આવેલા હુમલાનો હેતુ આંતરરાષ્ટ્રીય વેપારી જહાજો અને નાગરિક નાવિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો હતો. અમેરિકી દાવા મુજબ ઈરાન દ્વારા હોર્મુઝ જળમાર્ગમાં વેપારી જહાજોને નિશાન બનાવવાના પ્રયાસોને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી કરવામાં આવી છે.
ઈરાનની કડક પ્રતિક્રિયા
ઈરાનના વિદેશ મંત્રાલયે અમેરિકી હુમલાની તીવ્ર નિંદા કરી છે. તેહરાને આ કાર્યવાહી સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટરનું ઉલ્લંઘન ગણાવીને કહ્યું છે કે આ હુમલાઓએ પશ્ચિમ એશિયામાં તણાવ ઘટાડવાના પ્રયાસોને નુકસાન પહોંચાડ્યું છે.
ઈરાને ચેતવણી આપી છે કે જો કોઈ દેશ પોતાની જમીન અથવા સૈન્ય સુવિધાઓનો ઉપયોગ ઈરાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી માટે કરવાની મંજૂરી આપશે તો આવા હુમલાના સ્ત્રોતોને ઈરાનની સશસ્ત્ર દળો આત્મરક્ષાના હક હેઠળ 'કાયદેસર સૈન્ય લક્ષ્ય' ગણાવી શકે છે.
દક્ષિણ ઈરાનમાં સંભળાયા વિસ્ફોટ
ઈરાનના સરકારી મીડિયા અનુસાર, હુમલા બાદ દક્ષિણ ઈરાનના જાસ્ક, બંદર અબ્બાસ અને સીરિક વિસ્તારોમાં અનેક વિસ્ફોટોના અવાજ સંભળાયા હતા. આ વિસ્તારો હોર્મુઝ જળમાર્ગની નજીક આવેલા હોવાથી સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વધુ કડક બનાવવામાં આવી છે.
સંયુક્ત રાષ્ટ્રે વ્યક્ત કરી ચિંતા
સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા સૈન્ય તણાવ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે બંને દેશોને તાત્કાલિક સંવાદ શરૂ કરીને તમામ વિવાદોનો કૂટનીતિક રીતે ઉકેલ લાવવાની અપીલ કરી છે. ગુટેરેસે ચેતવણી આપી છે કે જો સ્થિતિ સંપૂર્ણ યુદ્ધમાં ફેરવાશે તો તેની અસર સમગ્ર પ્રદેશ, વૈશ્વિક શાંતિ અને વિશ્વ અર્થવ્યવસ્થા પર ગંભીર થઈ શકે છે.
આ પણ વાંચો: બેંકોકના પબમાં ભડકી ભીષણ આગ! : 27 લોકોના મોત, હૃદય કંપાવી દેતા વીડિયો આવ્યા સામે
હોર્મુઝ જળમાર્ગ કેમ મહત્વનો છે?
હોર્મુઝ જળમાર્ગ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ સમુદ્રી વેપાર માર્ગોમાંનો એક છે. વિશ્વના મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઈલ અને એલએનજીનું પરિવહન આ માર્ગેથી થાય છે. અહીં તણાવ વધતા વૈશ્વિક તેલ બજાર, શિપિંગ અને ઊર્જા પુરવઠા પર સીધી અસર પડી શકે છે. છેલ્લા કેટલાક દિવસોથી આ જળમાર્ગને લઈને અમેરિકા અને ઈરાન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે.





