Home International Us Imposes 25 Percent Tariff On Brazil After Trump Row Gujarati

ટ્રમ્પને 'ડાકૂ' કહેવું પડ્યું ભારે? : અમેરિકાએ બ્રાઝિલ પર ફટકાર્યો 25% ટેરિફ, વૈશ્વિક ટ્રેડ વોરનો ખતરો વધ્યો

Brazil Trade War
Published by: Suman Dabhi
Last Updated: Jul 16, 2026, 08:37 AM IST

Brazil Trade War: અમેરિકા અને બ્રાઝિલ વચ્ચે વેપાર અને રાજદ્વારી સંબંધોમાં ફરી એકવાર તણાવ વધ્યો છે. અમેરિકાએ બ્રાઝિલથી આયાત થતા અનેક ઉત્પાદનો પર 25 ટકા આયાત શુલ્ક (ટેરિફ) લાદવાની સત્તાવાર જાહેરાત કરી છે. આ નિર્ણય 22 જુલાઈ 2026થી અમલમાં આવશે. અમેરિકાનું કહેવું છે કે બ્રાઝિલની કેટલીક વેપાર નીતિઓ અમેરિકન કંપનીઓ માટે નુકસાનકારક બની રહી હતી. બીજી તરફ બ્રાઝિલે આ નિર્ણયને એકતરફી ગણાવી કડક વિરોધ નોંધાવ્યો છે.

અમેરિકાએ શા માટે લગાવ્યો 25% ટેરિફ?

અમેરિકાના વેપાર પ્રતિનિધિ (USTR)ના જણાવ્યા મુજબ, છેલ્લા એક વર્ષથી બ્રાઝિલની વેપાર નીતિઓની તપાસ ચાલી રહી હતી. તપાસમાં જાણવા મળ્યું કે કેટલીક નીતિઓ અમેરિકન ઉત્પાદકો અને નિકાસકારોને સમાન તક આપતી નથી.

અમેરિકાનો આરોપ છે કે બ્રાઝિલની કેટલીક ડિજિટલ ટ્રેડ નીતિઓ અને સરકારી ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ PIXના કારણે અમેરિકન કંપનીઓને સ્પર્ધામાં મુશ્કેલી પડી રહી છે. આ ઉપરાંત કેટલાક ક્ષેત્રોમાં બ્રાઝિલની નીતિઓને પણ અમેરિકાએ વાંધાજનક ગણાવી છે.

કયા ઉત્પાદનોને મળશે રાહત?

જોકે અમેરિકાએ તમામ બ્રાઝિલિયન ઉત્પાદનો પર ટેરિફ લાગુ કર્યો નથી. કેટલાક મહત્વપૂર્ણ ઉત્પાદનોને આ નવા ટેરિફમાંથી મુક્તિ આપવામાં આવી છે.

ટેરિફમાંથી મુક્ત રાખવામાં આવેલા ઉત્પાદનોમાં સામેલ છે:

  • બીફ

  • કોફી

  • વિમાનોના કેટલાક સ્પેર પાર્ટ્સ

  • એવા ઉત્પાદનો જેનું ઉત્પાદન અમેરિકા પોતે કરતું નથી

આ પગલાનો હેતુ અમેરિકાના સ્થાનિક બજારમાં જરૂરી પુરવઠો જાળવી રાખવાનો હોવાનું જણાવાયું છે.

ટ્રમ્પ સરકારની નવી વેપાર નીતિ

આ નિર્ણય અમેરિકાના ટ્રેડ એક્ટની કલમ 301 હેઠળ લેવામાં આવ્યો છે. આ જ જોગવાઈ હેઠળ અમેરિકા અગાઉ પણ અનેક દેશો સામે વેપારી કાર્યવાહી કરી ચૂક્યું છે.

ટ્રમ્પ પ્રશાસન છેલ્લા કેટલાક સમયથી સ્થાનિક ઉદ્યોગોને મજબૂત બનાવવા અને અમેરિકન ઉત્પાદકોના હિતોને સુરક્ષિત રાખવા માટે આયાત શુલ્કનો વધુ ઉપયોગ કરી રહ્યું છે. મજબૂરીથી મજૂરી કરાવી બનાવવામાં આવતા ઉત્પાદનો સામે પણ અમેરિકા કડક વલણ અપનાવી રહ્યું છે.

બ્રાઝિલના રાષ્ટ્રપતિના નિવેદનથી વધ્યો વિવાદ

તાજેતરમાં બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ અમેરિકાની કેટલીક નીતિઓની ટીકા કરતાં કહ્યું હતું કે કોઈપણ દેશને આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગો પર "સમુદ્રી ડાકૂ" જેવી ભૂમિકા ભજવવાનો અધિકાર નથી. તેમના આ નિવેદન બાદ બંને દેશો વચ્ચે રાજદ્વારી તણાવ વધુ વધ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે અમેરિકાએ ટેરિફનો નિર્ણય વેપાર તપાસના આધારે લેવામાં આવ્યો હોવાનું જણાવ્યું છે, તેમ છતાં આ સમગ્ર ઘટનાક્રમને રાજકીય નિવેદનો સાથે પણ જોડીને જોવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો: અમેરિકા-ઈરાન વચ્ચે વધુ ભડક્યો તણાવ! : અમેરિકી એરસ્ટ્રાઈક બાદ ઈરાને બહેરિન અને કુવૈત તરફ છોડ્યા મિસાઇલ-ડ્રોન

બ્રાઝિલે આપ્યો કડક જવાબ

અમેરિકાના નિર્ણય બાદ બ્રાઝિલ સરકારે તેની કડક નિંદા કરી છે. બ્રાઝિલનું કહેવું છે કે છેલ્લા 15 વર્ષમાં અમેરિકા બ્રાઝિલ સાથેના વેપારમાં 424.5 અબજ ડોલરથી વધુનો વેપારી લાભ મેળવી ચૂક્યું છે. તેથી 25 ટકા ટેરિફ લગાવવાનો નિર્ણય અયોગ્ય અને એકતરફી છે. બ્રાઝિલ સરકારે સ્પષ્ટ કર્યું છે કે તે પોતાના રાષ્ટ્રીય હિતો, રોજગાર અને અર્થતંત્રની સુરક્ષા માટે જરૂરી તમામ પગલાં લેશે. સાથે જ નવા વેપારી ભાગીદારો શોધવા અને વિશ્વ વેપાર સંગઠન (WTO)માં પણ કાનૂની કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવી છે.

આ પણ વાંચો: હવે સ્ટ્રેટ ઓફ હોર્મુઝની જરૂર જ નહીં પડે? : ખાડી દેશોએ તૈયાર કર્યો ઓઇલ સપ્લાયનો નવો રસ્તો

વૈશ્વિક વેપાર પર શું પડશે અસર?

વેપાર નિષ્ણાતોનું માનવું છે કે અમેરિકા અને બ્રાઝિલ વચ્ચે વધતો વેપારી વિવાદ વૈશ્વિક સપ્લાય ચેઇન પર અસર કરી શકે છે. બ્રાઝિલ કૃષિ ઉત્પાદનો, ખનિજ અને અન્ય અનેક કાચા માલનો મોટો નિકાસકાર છે. જો બંને દેશો વચ્ચેનો વિવાદ વધુ ઊંડો બનશે તો આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવમાં અસ્થિરતા જોવા મળી શકે છે. વિશેષ કરીને કૃષિ, ખાદ્યપદાર્થો, ઉત્પાદન ઉદ્યોગ અને વૈશ્વિક વેપાર સાથે જોડાયેલા ક્ષેત્રો પર તેની સીધી અસર થઈ શકે છે. જો બંને દેશો વચ્ચે વહેલી તકે સમાધાન નહીં થાય તો ટ્રેડ વોર વધુ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે, જેના પરિણામે વિશ્વ અર્થતંત્ર પર પણ અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now