Home International Us Fda Admits Covid Vaccine Caused Child Deaths Heart Inflammation Policy Change

અમેરિકામાં કોવિડ વેક્સીને લીધો 10 બાળકોનો જીવ : FDAના ચીફ મેડિકલ ઓફિસરનો મોટો ખુલાસો

અમેરિકામાં કોવિડ વેક્સીને લીધો 10 બાળકોનો જીવ
Published by: OBS Bureau
Last Updated: Nov 30, 2025, 05:30 PM IST

કોરોના મહામારી દરમિયાન લાખો લોકોનો જીવ બચાવનાર વેક્સિનને લઈને એક ચોંકાવનારા સમાચાર અમેરિકાથી આવ્યા છે. અત્યાર સુધી વેક્સિનની આડઅસરો વિશે અનેક ચર્ચાઓ થતી હતી પરંતુ હવે અમેરિકાની ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન એટલે કે એફડીએ સંસ્થાએ પ્રથમ વખત સત્તાવાર રીતે સ્વીકાર્યું છે કે કોવિડ રસીકરણને કારણે બાળકોના મોત થયા છે. આ ખુલાસાએ વિશ્વભરના તબીબી જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. એફડીએ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે રસી લીધા બાદ હૃદય સંબંધિત સમસ્યાઓને કારણે આ બાળકોએ જીવ ગુમાવ્યા છે.

96 કેસના અભ્યાસ બાદ સત્ય બહાર આવ્યું એફડીએના ચીફ મેડિકલ ઓફિસર વિનય પ્રસાદે આ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે એક મેમોમાં જણાવ્યું છે કે એજન્સી દ્વારા વર્ષ 2021 થી 2024 વચ્ચે થયેલા શંકાસ્પદ મૃત્યુના 96 કેસોની તપાસ કરવામાં આવી હતી. આ તપાસના અંતે એવું તારણ નીકળ્યું છે કે તેમાંથી ઓછામાં ઓછા 10 બાળકોના મૃત્યુ સીધા કોવિડ વેક્સિન લેવાને કારણે થયા છે. મૃત્યુ પામનાર બાળકોની ઉંમર 7 થી 17 વર્ષની વચ્ચે હતી. વિનય પ્રસાદે જણાવ્યું કે વેક્સિનને કારણે નિર્દોષ બાળકોના મોત થવા એ ખૂબ જ દુખદ અને ગંભીર બાબત છે.

માયોકાર્ડિટિસ બન્યું મૃત્યુનું કારણ રિપોર્ટમાં જણાવ્યા અનુસાર વેક્સિન લીધા બાદ આ બાળકોમાં માયોકાર્ડિટિસ નામની સમસ્યા જોવા મળી હતી. સરળ ભાષામાં કહીએ તો આ સ્થિતિમાં હૃદયના સ્નાયુઓમાં સોજો આવી જાય છે. વેક્સિનની આડઅસરને કારણે હૃદય પર અસર થઈ અને તેના પરિણામે બાળકોના મોત થયા હતા. આ ઘટના બાદ એફડીએ દ્વારા વેક્સિનની સુરક્ષા તપાસ અને મોનિટરિંગ સિસ્ટમને વધુ કડક બનાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ રિપોર્ટ હજુ સુધી કોઈ મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયો નથી પરંતુ સરકારી સ્તરે તેનો સ્વીકાર કરી લેવામાં આવ્યો છે.

અમેરિકાએ વેક્સિન પોલિસીમાં કર્યો મોટો ફેરફાર આ ઘટસ્ફોટ બાદ અમેરિકાના સ્વાસ્થ્ય મંત્રી રોબર્ટ એફ કેનેડી જૂનિયરે તાત્કાલિક અસરથી દેશની રસીકરણ નીતિમાં મોટા ફેરફારો કર્યા છે. નવી ગાઈડલાઈન મુજબ હવે કોવિડ વેક્સિન દરેક માટે નથી. હવેથી માત્ર 65 વર્ષથી વધુ ઉંમરના નાગરિકો અને જે લોકો ગંભીર બીમારીઓથી પીડાઈ રહ્યા છે તેમને જ આ રસી આપવામાં આવશે. કેનેડી અગાઉથી જ વેક્સિનની આડઅસરો વિશે અવાજ ઉઠાવતા આવ્યા છે અને હવે ટ્રમ્પ સરકારમાં આવ્યા બાદ તેમણે આ કડક નિર્ણય લીધો છે.

યુવાનોને દર વર્ષે રસી આપવી વૈજ્ઞાનિક નથી એફડીએ કમિશનર માર્ટી મકારીએ પણ એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં આ 10 બાળકોના મૃત્યુના સમાચારને સમર્થન આપ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે વર્ષ 2020માં જ્યારે કોરોના પીક પર હતો ત્યારે વૃદ્ધો અને જોખમ ધરાવતા લોકો માટે વેક્સિન આશીર્વાદ સમાન હતી. પરંતુ વર્તમાન સમયમાં તંદુરસ્ત યુવાનો અને બાળકોને દર વર્ષે કોવિડના બૂસ્ટર ડોઝ આપવા એ વિજ્ઞાનના નિયમો મુજબ યોગ્ય નથી. હવે વિજ્ઞાનના આધારે જ આગળના નિર્ણયો લેવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now