Home Agriculture Urea Import India Farmers Subsidy Kharif Season

ખેડૂતો માટે ગુડ ન્યૂઝ : 25 લાખ ટન યુરિયા આયાતથી ખેડૂતોને સીધી રાહત

Urea Import India, Fertilizer Subsidy
Published by: Vishal Dave
Last Updated: Apr 24, 2026, 05:55 PM IST

વિશ્વભરમાં વધતી મોંઘવારી અને ખાડી વિસ્તારમાં તણાવ વચ્ચે ભારતના ખેડૂતો માટે એક મોટી રાહતની ખબર સામે આવી છે. સરકારએ ખાતરના વધતા ભાવનો ભાર ખેડૂતો પર ન મુકતા, મોટા પાયે યુરિયા આયાત કરવાનો નિર્ણય લીધો છે.

ખેડૂતો માટે મહત્વપૂર્ણ ખબરમાં કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. વૈશ્વિક બજારમાં ખાતરના ભાવમાં તેજી હોવા છતાં દેશમાં ખાતરના ભાવ સ્થિર રાખવા માટે સરકાર 25 લાખ ટન યુરિયા આયાત કરવા જઈ રહી છે. ખાસ વાત એ છે કે આ આયાત ખારીફ સીઝન પહેલાં કરવામાં આવશે જેથી ખેડૂતોને સમયસર અને સસ્તા દરે ખાતર મળી રહે. આ આયાત દેશના કુલ વાર્ષિક યુરિયા આયાતના લગભગ એક ચોથા ભાગ જેટલી છે, જે સરકારની તૈયારી અને કૃષિ ક્ષેત્ર પ્રત્યેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

મોંઘું યુરિયા ખરીદશે સરકાર, પણ ખેડૂતો પર ભાર નહીં

હાલ વૈશ્વિક બજારમાં યુરિયા અને એમોનિયાના ભાવમાં ભારે વધારો થયો છે. ખાડી વિસ્તારમાં તણાવ અને હોર્મુઝ જળમાર્ગમાં અવરોધને કારણે સપ્લાય ચેઇન પર અસર પડી છે. જેના કારણે ખાતરના ભાવોમાં ભારે ચઢાવ-ઉતાર જોવા મળી રહ્યો છે. ભારત આ વખતે યુરિયા લગભગ 935 થી 959 ડોલર પ્રતિ ટનના દરે ખરીદી રહ્યું છે, જે માત્ર બે મહિના પહેલાંના લગભગ 500 ડોલર પ્રતિ ટનના દરથી લગભગ બમણું છે. તેમ છતાં સરકારએ સ્પષ્ટ કર્યું છે કે આ વધારાનો ભાર ખેડૂતો પર મૂકવામાં નહીં આવે. હાલ યુરિયાનો 45 કિલોનો બેગ 266.50 રૂપિયા અને DAP નો 50 કિલોનો બેગ 1350 રૂપિયા જ રહેશે.

વધારાની સબસિડીથી ખેડૂતોને મળશે રાહત

સરકાર આ વધારાના ખર્ચને સબસિડી દ્વારા સંભાળશે. તાજેતરમાં કેન્દ્રિય કેબિનેટે ખારીફ સીઝન માટે 41,533.81 કરોડ રૂપિયાની ખાતર સબસિડીને મંજૂરી આપી છે, જે ગયા વર્ષ કરતા આશરે 4,000 કરોડ રૂપિયા વધુ છે. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ વધે છે અને દેશની અંદર ભાવ સ્થિર રાખવામાં આવે છે, ત્યારે આ તફાવત સરકારને સબસિડી તરીકે ચૂકવવો પડે છે. આ કારણે સરકારના ખજાના પર વધારાનો ભાર પડે છે, પરંતુ ખેડૂતોને સીધી રાહત મળે છે.

આયાત માટે ખાસ વ્યવસ્થા અને વૈશ્વિક અસર

આ આયાતની જવાબદારી ઇન્ડિયન પોટાશ લિમિટેડને સોંપવામાં આવી છે. મોટા પાયે એકસાથે ખરીદી કરવાથી સરકારને સ્પર્ધાત્મક દરે સોદો કરવા મદદ મળી છે. ટેન્ડરમાં જરૂરિયાત કરતા વધુ સપ્લાય ઓફર આવ્યા હતા, જેના કારણે ભાવ નિયંત્રિત રાખવામાં સફળતા મળી. ભારત રશિયા, ઓમાન, મિસ્ત્ર, નાઇજીરિયા, ઇન્ડોનેશિયા અને મલેશિયા જેવા દેશોમાંથી યુરિયા ખરીદશે. પરંપરાગત દરિયાઈ માર્ગોમાં અવરોધને કારણે કેપ ઓફ ગુડ હોપ જેવા વિકલ્પ માર્ગોનો ઉપયોગ પણ થઈ શકે છે. ભારત વિશ્વનો સૌથી મોટો યુરિયા આયાતક દેશ છે. આવી મોટી ખરીદીથી આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ વધુ વધી શકે છે, જેના કારણે અન્ય દેશો માટે ખાતર મેળવવું વધુ મોંઘું બની શકે છે.

દેશમાં હાલ પૂરતો સ્ટોક

હાલ દેશમાં ખાતરનો સ્ટોક મજબૂત સ્થિતિમાં છે. ગયા વર્ષના માર્ચમાં 138.79 લાખ ટનનો સ્ટોક હતો, જ્યારે આ વર્ષે તે વધીને 180.04 લાખ ટન થયો છે, જે લગભગ 29.72 ટકા વધારે છે.

આથી સ્પષ્ટ થાય છે કે સરકાર માત્ર વર્તમાન જરૂરિયાત જ નહીં પરંતુ ભવિષ્યની માંગને પણ ધ્યાનમાં રાખીને તૈયારી કરી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now