ડિજિટલ પેમેન્ટની દુનિયામાં બીજો એક મોટો ફેરફાર આવવાનો છે. બિઝનેસ સ્ટાન્ડર્ડના એક રિપોર્ટ મુજબ ભારતની રીઅલ-ટાઇમ પેમેન્ટ સિસ્ટમ UPI (યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ) ને સ્માર્ટ અપગ્રેડ મળી રહ્યું છે, જે હવે સ્માર્ટવોચ, કાર, સ્માર્ટ ટીવી અને અન્ય ડિવાઇસથી સીધા પેમેન્ટ કરવાનું શક્ય બનાવશે. તે પણ એપ ખોલ્યા વિના...
NPCI એક સ્માર્ટ UPI સિસ્ટમ વિકસાવી રહી છે..
બિઝનેસ સ્ટાન્ડર્ડના એક રિપોર્ટ મુજબ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) UPI નું એક વર્ઝન વિકસાવી રહી છે જે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT) પર આધારિત હશે. આનો અર્થ એ છે કે હવે ટીવી, સ્માર્ટવોચ, કનેક્ટેડ કાર વગેરે પોતાની જાતે UPI પેમેન્ટ કરી શકશે.
નવી સિસ્ટમ કેવી રીતે કાર્ય કરશે?
આ નવી ટેકનોલોજીમાં દરેક ડિવાઇસને એક અલગ UPI ID (VPA) આપવામાં આવશે, જે યુઝરના મુખ્ય UPI ID સાથે લિંક થશે. આનાથી ડિવાઇસ મર્યાદિત અને પૂર્વ-મંજૂર મર્યાદામાં આપમેળે પેમેન્ટ કરી શકશે. શરૂઆતમાં ડિવાઇસને લિંક કરવા માટે એક વખતનો OTP જરૂરી હોઈ શકે છે.
UPI ઓટો પે અને સર્કલ સુવિધાને સરળ બનાવશે
અહેવાલ મુજબ, આ નવી સુવિધા UPI ઓટો પે અને UPI સર્કલની સુવિધાઓ પર આધારિત હશે. યૂઝર્સ એક જ વાર સેવા અથવા ઉપકરણને ચુકવણી કરવાની મંજૂરી આપશે, અને પછી દર વખતે પરવાનગી આપવાની જરૂર રહેશે નહીં. આ ખાસ કરીને સબ્સ્ક્રિપ્શન રિન્યુઅલ, પાર્કિંગ, ટિકિટ જેવા કિસ્સાઓમાં ઉપયોગી થશે.
2025 માં લોન્ચ કરવાની તૈયારી
રિપોર્ટ અનુસાર આ સુવિધા NPCI ના વાર્ષિક નવીનતા યોજનાનો એક ભાગ છે અને તેને ગ્લોબલ ફિનટેક ફેસ્ટિવલ (GFF) 2025 માં લોન્ચ કરવામાં આવે તેવી શક્યતા છે. હાલમાં, તે નિયમનકારી મંજૂરીની રાહ જોઈ રહ્યું છે.





















