Home National Up Siddharthnagar Water Tank Reel Accident Air Force Rescue

રીલ બનાવવાનો શોખ પડ્યો ભારે : પાણીની ટાંકી પર ફસાયા 5 બાળકો, 1 નું મોત, 2 નું એરફોર્સએ કર્યું રેસ્ક્યુ

બાળકોનું રેસ્ક્યૂ કરતું હેલિકોપ્ટર
Published by: Chintan Chavda
Last Updated: May 03, 2026, 09:09 AM IST

ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગર જિલ્લામાં સોશિયલ મીડિયા માટે રીલ બનાવવાની ઘેલછા એક ગંભીર દુર્ઘટનામાં ફેરવાઈ ગઈ હતી. કાંશીરામ આવાસ કોલોનીમાં આવેલી ઊંચી પાણીની ટાંકી પર વીડિયો બનાવવા ચઢેલા પાંચ મિત્રો પૈકી ત્રણ બાળકો સીડી તૂટી પડતા નીચે પટકાયા હતા, જ્યારે બે બાળકો ટાંકી પર જ ફસાઈ ગયા હતા. લગભગ 16 કલાક સુધી ટાંકી પર જીવના જોખમે અટવાયેલા બંને બાળકોને અંતે ભારતીય વાયુસેનાએ સાહસિક ઓપરેશન ચલાવી સુરક્ષિત રીતે નીચે ઉતાર્યા હતા.

આ સમગ્ર ઘટના બાદ વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી. ખાસ કરીને એક બાળકના મોત અને જોખમી રીતે સોશિયલ મીડિયા રીલ બનાવવાની વધતી પ્રવૃત્તિએ ફરી સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.

રીલ બનાવતી વખતે તૂટી પડી સીડી

મળતી માહિતી અનુસાર, શનિવારે સાંજે પાંચ મિત્રો પાણીની ટાંકી પર ચડી રીલ બનાવવા ગયા હતા. આ દરમિયાન ટાંકી સુધી જતી લોખંડી સીડી અચાનક તૂટી પડી હતી. સીડી તૂટતાં સિદ્ધાર્થ, શનિ અને ગોલુ નામના ત્રણ બાળકો ઊંચાઈ પરથી નીચે પટકાયા હતા.

આ અકસ્માતમાં સિદ્ધાર્થને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે બાળકોને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ તેમની સ્થિતિ સ્થિર હોવાનું તબીબોએ જણાવ્યું છે.

બીજી તરફ પવન અને કલ્લુ નામના બે બાળકો ટાંકીની ટોચ પર જ ફસાઈ ગયા હતા. સીડી તૂટી જતાં તેઓ નીચે ઉતરી શકતા નહોતા અને આખી રાત ઊંચાઈ પર જ જીવના ભય વચ્ચે રાહ જોવી પડી હતી.

NDRF નિષ્ફળ રહી, વાયુસેનાને બોલાવવી પડી

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર ઘટનાસ્થળે દોડી આવ્યું હતું. ગોરખપુરથી NDRF ની ટીમને પણ બોલાવવામાં આવી હતી, પરંતુ ટાંકી સુધી પહોંચવાનો યોગ્ય રસ્તો ન હોવાના કારણે તેમનું સાધન કાર્યરત થઈ શક્યું નહોતું.

રાત્રિના સમયે રસ્તો બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ વરસાદને કારણે કામગીરીમાં અવરોધ ઊભો થયો હતો. પરિસ્થિતિ વધુ ગંભીર બનતા જિલ્લા વહીવટીતંત્રે રાજ્ય સરકાર પાસે મદદ માગી હતી.

ત્યારબાદ ભારતીય વાયુસેનાનું Mi-17 V5 હેલિકોપ્ટર ગોરખપુરથી ઘટનાસ્થળે મોકલવામાં આવ્યું હતું. રવિવારે વહેલી સવારે હેલિકોપ્ટર સ્થળ પર પહોંચ્યું હતું અને વાયુસેનાના જવાનો દ્વારા અત્યંત જોખમી પરંતુ સફળ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું.

આ પણ વાંચો: કર્ણાટકનાં શ્રીંગેરીમાં 3 વર્ષ પછી રીકાઉન્ટીંગ : ભાજપનો 56 મતનો લીડનો દાવો

માત્ર 15 મિનિટમાં સફળ રેસ્ક્યુ ઓપરેશન

વાયુસેનાના જવાનો દ્વારા હેલિકોપ્ટરની મદદથી બંને બાળકો સુધી પહોંચવામાં આવ્યું હતું. ભારે પવન અને ઊંચાઈ વચ્ચે ચલાવવામાં આવેલા આ ઓપરેશનમાં માત્ર 15 મિનિટમાં બંને બાળકોને સુરક્ષિત રીતે નીચે ઉતારી લેવામાં આવ્યા હતા.

રેસ્ક્યુ બાદ બંને બાળકોને તાત્કાલિક મેડિકલ ચેકઅપ માટે ગોરખપુર ખસેડવામાં આવ્યા હતા. ઘટનાના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકો વાયુસેનાના જવાનોની પ્રશંસા કરી રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now