કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ 15 ફેબ્રુઆરીથી ગુજરાતના પ્રવાસે આવવાના છે. તેમના પ્રવાસ દરમિયાન તેઓ મહાશિવરાત્રિના પાવન પર્વે વડોદરામાં યોજાનારી ભવ્ય “શિવજી કી સવારી” અને મહાઆરતી કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. ગૃહમંત્રીના આગમનને લઈને વડોદરા શહેરમાં તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક નિયંત્રણ અને કાર્યક્રમની સુચારુ આયોજન માટે વિવિધ વિભાગોને સજ્જ રાખવામાં આવ્યા છે.
વડોદરામાં પૂર જોશમાં તૈયારીઓ
વડોદરા શહેરમાં ધાર્મિક આસ્થા અને ભક્તિભાવથી ઓતપ્રોત “શિવજી કી સવારી”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. શોભાયાત્રા દરમિયાન ધાર્મિક ઝાંખીઓ, ભજન-કીર્તન અને “હર હર મહાદેવ”ના જયઘોષ સાથે સમગ્ર શહેર ભક્તિમય બની જશે. મોટી સંખ્યામાં ભક્તો, સામાજિક આગેવાનો અને શહેરના પ્રતિષ્ઠિત નાગરિકો હાજર રહે તેવી સંભાવના છે. આયોજકો દ્વારા કાર્યક્રમને ભવ્ય અને શિસ્તબદ્ધ બનાવવા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે, જેના કારણે શહેરમાં ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળી રહ્યો છે.
સહકાર મંત્રીઓની બીજી રાષ્ટ્રીય પરિષદમાં પણ ઉપસ્થિત રહેશે
આ ઉપરાંત અમિત શાહ 17 અને 18 ફેબ્રુઆરી, 2026ના રોજ ગાંધીનગરમાં યોજાનારી સહકાર મંત્રીઓની બીજી રાષ્ટ્રીય પરિષદમાં પણ ઉપસ્થિત રહેશે. ભારત સરકારના સહકાર મંત્રાલય દ્વારા મહાત્મા મંદિર ખાતે આયોજિત આ પરિષદમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સહકાર મંત્રીઓ ભાગ લેશે. આ પરિષદમાં સહકારી ક્ષેત્રના વિકાસ અને નીતિ વિષયક મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થવાની સંભાવના છે.






