ગુજરાતને રોકાણ, વિકાસ અને રોજગાર ક્ષેત્રે વધુ વિશ્વસનીય બનાવવા 8 નવી GIDCની જાહેરાત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
ગુજરાતમાં ઉદ્યોગો માટે આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ખેડા, અમદાવાદ, પંચમહાલ, છોટાઉદેપુર અને ભાવનગર જિલ્લામાં ૩,૬૧૧ એકર વિસ્તારમાં સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ્સ કાર્યરત થશે
ખેડાના મહિજ, સરખેજ, અંઘાડી અને મહિસા, અમદાવાદના માંડલ, પંચમહાલના નદીસર, છોટાઉદેપુરના ઊંડવા તથા ભાવનગરના મોણપુર ખાતે નવી જીઆઈડીસી બનશે.
ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસને વધુ ગતિ આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં આઠ નવી સ્માર્ટ GIDC (ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન) એસ્ટેટ્સની જાહેરાત કરી છે. વડોદરામાં યોજાયેલી વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ દરમિયાન કરાયેલી આ જાહેરાત માત્ર નવા ઔદ્યોગિક વિસ્તારોના વિકાસ પૂરતી મર્યાદિત નથી, પરંતુ રાજ્યના આગામી ઔદ્યોગિક નકશાને વધુ વ્યાપક અને સંતુલિત બનાવવાનો પ્રયાસ પણ છે. ખેડા, અમદાવાદ, પંચમહાલ, છોટાઉદેપુર અને ભાવનગર જિલ્લામાં કુલ 3,611 એકર વિસ્તારમાં આ સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ્સ વિકસાવવામાં આવશે.
ગુજરાત છેલ્લા બે દાયકાથી દેશના સૌથી વધુ ઔદ્યોગિક રોકાણ આકર્ષતા રાજ્યોમાં સ્થાન ધરાવે છે. મોટા ઉદ્યોગો ઉપરાંત નાના અને મધ્યમ ઉદ્યોગો માટે પણ રાજ્યમાં મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ છે. હવે નવી GIDCની જાહેરાત એ સંકેત આપે છે કે રાજ્ય સરકાર પરંપરાગત ઔદ્યોગિક પટ્ટા ઉપરાંત નવા વિસ્તારોમાં પણ વિકાસનું સંતુલન સ્થાપિત કરવા માંગે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રોકાણ, વિકાસ અને રોજગાર ક્ષેત્રે ગુજરાતને વધુ વિશ્વસનીય બનાવવાના હેતુસર વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની વડોદરામાં યોજાયેલી ચોથી કડીમાં વિવિધ જિલ્લાઓમાં 8 નવી GIDCની સ્થાપનાની જાહેરાત કરી હતી.
સ્માર્ટ GIDC એટલે માત્ર જમીન નહીં, પરંતુ સંપૂર્ણ ઔદ્યોગિક ઇકોસિસ્ટમ
રાજ્યના સર્વાંગી ઔદ્યોગિક વિકાસને વધુ ગતિ આપવા આ સ્માર્ટ એસ્ટેટ્સ દ્વારા આધુનિક સુવિધાઓ, સક્ષમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણ માટે અનુકૂળ વાતાવરણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ખેડા, અમદાવાદ, પંચમહાલ, છોટાઉદેપુર અને ભાવનગર જિલ્લામાં ૩,૬૧૧ એકર વિસ્તારમાં સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ્સ કાર્યરત થશે. તદઅનુસાર, ખેડા જિલ્લાના મહિજ જીઆઇડીસીને ૧૩૦.૩ એકર વિસ્તારમાં, કઠલાલ તાલુકાના સરખેજ જીઆઇડીસીને ૩૩૨.૭ એકર વિસ્તાર, મહુધા તાલુકાના મહિસા જીઆઇડીસીને ૧૮.૫ એકર, ગળતેશ્વર તાલુકાના અંઘાડી જીઆઇડીસીને ૩૧૦.૯ એકર વિસ્તારમાં વિકસાવવામાં આવશે.
આ ઉપરાંત અમદાવાદ જિલ્લાના માંડલ જીઆઇડીસીને ૫૧૫.૨ એકર વિસ્તારમાં, પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના નદીસર જીઆઇડીસીને ૧૦૫.૫ એકર વિસ્તારમાં, છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના ઉંડવા જીઆઇડીસીને ૨૪૭.૧ એકર વિસ્તારમાં અને ભાવનગર જિલ્લાના વલ્ભીપુર તાલુકાના મોણપુર જીઆઇડીસીને ૧૯૫૦.૭ એકર વિસ્તારમાં નવા સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ્સ તરીકે વિકસાવવાની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત અંતર્ગત ગુજરાતના વિવિધ જિલ્લાઓ મળી કુલ ૩૬૧૧ એકર વિસ્તારમાં નવા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ્સ વિકસાવવામાં આવશે. આ આયોજનથી મધ્ય ગુજરાતમાં ઔદ્યોગિક રોકાણને વેગ મળશે, રોજગારીની નવી તકો ઊભી થશે તેમજ સ્થાનિક વિકાસને પ્રોત્સાહન મળશે.
પ્રાદેશિક વિકાસનું સંતુલન સ્થાપિત કરવાનો પ્રયાસ
રાજ્ય સરકારની આ પહેલનો મુખ્ય ઉદ્દેશ ઉદ્યોગો માટે પ્લગ-એન્ડ-પ્લે સુવિધાઓ સાથે સુવ્યવસ્થિત ઔદ્યોગિક વિસ્તારોનું નિર્માણ, રોકાણકારોને સરળતા અને સ્થાનિક યુવાનો માટે રોજગારીની નવી તકો ઊભી કરવાનો છે. રાજ્યમાં વિકસાવવામાં આવનારા આ સ્માર્ટ એસ્ટેટ્સ ઉદ્યોગ, ટેકનોલોજી અને રોજગારના નવા કેન્દ્રો તરીકે ઉભરી આવશે. આ પ્રકલ્પો દ્વારા નાના, મધ્યમ અને મોટા ઉદ્યોગોને એક મજબૂત ઔદ્યોગિક ઈકોસિસ્ટમ મળશે અને તેમજ સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે અને રોજગારીની નવી તકોનું સર્જન થશે.
રોજગાર સર્જનની કેટલી સંભાવના?
સરકારે હજી દરેક GIDCમાં કેટલા ઉદ્યોગો આવશે અથવા કેટલા રોજગાર સર્જાશે તેનો સત્તાવાર અંદાજ જાહેર કર્યો નથી. તેમ છતાં અગાઉ વિકસાવવામાં આવેલી GIDCના અનુભવને આધારે કહી શકાય કે આવા ઔદ્યોગિક વિસ્તારોમાં નાના, મધ્યમ અને મોટા ઉદ્યોગો સ્થાપિત થતાં હજારો પ્રત્યક્ષ અને લાખો પરોક્ષ રોજગારીની તકો ઊભી થાય છે. મેન્યુફેક્ચરિંગ ઉપરાંત પરિવહન, વેરહાઉસિંગ, જાળવણી, હોટેલ, ખાણીપીણી, સુરક્ષા, કન્સ્ટ્રક્શન અને વિવિધ સેવા ક્ષેત્રોને પણ તેનો લાભ મળે છે. આથી એક GIDCનો વિકાસ સમગ્ર સ્થાનિક અર્થતંત્રને ગતિ આપી શકે છે.






