દેશમાંથી નક્સલવાદને મૂળમાંથી નાશ માટે ચલાવાયેલી ઐતિહાસિક કાર્યવાહી બાદ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે દિલ્હી સ્થિત એઇમ્સ ટ્રોમા સેન્ટર પર પહોંચ્યા હતા. અહીં તેઓએ કરેગુટ્ટા હિલ્સ (ચત્તીસગઢ–તેલંગાણા સરહદ) વિસ્તારમાં 31 નક્સલવાદીઓને ઠાર કરતાં ઓપરેશનમાં ઘાયલ થયેલા સુરક્ષા દળના જવાનોની મુલાકાત લીધી.
અમિત શાહે દરેક ઘાયલ જવાનની તબિયત અંગે જાણકારી મેળવી અને તેમનાં પરિવારોને આશ્વાસન આપ્યું કે સરકાર અને સમગ્ર દેશ તેમના સાહસ અને બલિદાન માટે આભારી છે. તેમણે કહ્યું, “આ જવાનોના શૌર્યથી આજે નક્સલવાદના અંતનો નવો અધ્યાય લખાઈ રહ્યો છે. દેશ તેમની હિંમત, સમર્પણ અને બહાદૂરીથી ગર્વ અનુભવે છે.”
કરેગુટ્ટા ઓપરેશન ભારતીય સુરક્ષા દળોના ઈતિહાસમાં એક મહત્વપૂર્ણ સફળતા સાબિત થયું છે. અત્યાર સુધીના સૌથી મોટા નક્સલ વિરોધી ઓપરેશનોમાંના એક આ ઓપરેશનમાં મોટી સંખ્યામાં નક્સલીઓના મનસુબા નિષ્ફળ બનાવવામાં આવ્યા હતા. જે દેશના આંતરિક સુરક્ષા માટે ખૂબ જ મહત્વપૂર્ણ મક્કમ પગલું છે. ગૃહ મંત્રીની આ મુલાકાત માત્ર ઔપચારિકતાની વાત નહીં, પણ એ સંદેશ છે કે દેશમાં લડી રહેલા દરેક જવાન પાછળ આખું ભારત એકજુટ થઇને ઊભું છે.






