કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચાનો જવાબ આપતા કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે કોંગ્રેસે પીઓકે ગુમાવ્યું પણ ભાજપ તેને પાછું લઈ લેશે. તેમણે કહ્યું કે આ દેશમાં આતંકવાદ ફેલાવાનું કારણ કોંગ્રેસની તુષ્ટિકરણ અને વોટ બેંકની રાજનીતિ છે.
ઓપરેશન મહાદેવનો ઉલ્લેખ
અમિત શાહે પોતાના સંબોધનમાં કહ્યું કે ઓપરેશન મહાદેવમાં સુરક્ષા દળોએ દ્વારા પહેલગામના આતંકવાદીઓને મારી નાખવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે જેમ આતંકવાદીઓએ નિર્દોષ લોકોના માથામાં ગોળી મારી હતી, તેવી જ રીતે એન્કાઉન્ટર દરમિયાન સુરક્ષા દળોની કાર્યવાહીમાં તેમની ખોપરી પણ ઉડી ગઈ હતી. જ્યારે ઓપરેશન મહાદેવ નામ પર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા ત્યારે અમિત શાહે કહ્યું કે હર-હર મહાદેવ ફક્ત ધર્મનો નારો નથી. આ આપણા સુરક્ષા દળોનો ઉદઘોષ છે.
કાશ્મીરને આતંકવાદથી મુક્ત કરવાનો પીએમ મોદીનો સંકલ્પ
જ્યારે ઓપરેશન મહાદેવના સમય અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા ત્યારે તેમણે કહ્યું કે આવા પ્રશ્નો ઉઠાવવા યોગ્ય નથી. આપણા સુરક્ષા દળોએ દૂરના વિસ્તારમાં આવી મુશ્કેલ પરિસ્થિતિઓમાં આ ઓપરેશન હાથ ધર્યું છે, ત્યારે તેમની હિંમત અને બહાદુરીને સલામ કરવી જોઈએ. અમિત શાહે કહ્યું કે સરકાર કાશ્મીરને આતંકવાદથી મુક્ત કરવા માટે કટિબદ્ધ છે. આ પીએમ નરેન્દ્ર મોદીનો સંકલ્પ છે.
આતંકવાદીઓનો ખાત્મો કરવાનો સમય આવી ગયો છે.
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આતંકવાદીઓનો ખાત્મો કરવાનો સમય આવી ગયો છે. ઓપરેશન સિંદૂરમાં અમે આતંકવાદીઓના આકાઓનો નાશ કર્યો અને ઓપરેશન મહાદેવમાં તે આતંકવાદીઓને ખતમ કરવામાં આવ્યા હતા જેમણે પહેલગામમાં નિર્દોષ લોકોની હત્યા કરી હતી.
સેનાનાં શોર્યને સલામ
અમિત શાહે ગૃહમાં ચર્ચામાં કહ્યું કે હું ત્રણેય સેનાઓને ખૂબ આદર સાથે સલામ કરું છું. સીસીએસ બેઠકમાં, સેનાને કાર્યવાહી કરવાની છૂટ આપવામાં આવી હતી. 7 મેના રોજ, પાકિસ્તાનના 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો હતો. લશ્કર, હિઝબુલ મુજાહિદ્દીન જેવા આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો. પાક કબજા હેઠળનું કાશ્મીર ( પીઓકે ) તમે આપ્યું પણ ભાજપ સરકાર પીઓકે પાછું લઈ લેશે.
8 મેના રોજ, પાકિસ્તાને ભારતના રહેણાંક વિસ્તારો પર ગોળીબાર કર્યો. મિસાઇલો અને ડ્રોનથી આપણા લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કરવાનું શરૂ કર્યું. 9 મેના રોજ, ભારતીય સેનાએ પાકિસ્તાનના 8 એરબેઝ અને એયર ડિફેન્સ સિસ્ટમનો નાશ કર્યો.
ભારતના હુમલાને કારણે પાકિસ્તાન ઘૂંટણિયે પડી ગયું.
જ્યારે ભારતે પાકિસ્તાન પર જોરદાર હુમલો કર્યો, ત્યારે તે ઘૂંટણિયે આવ્યું. પાકિસ્તાનના ડીજીએમઓએ અમારા ડીજીએમઓને ફોન કરીને હુમલો રોકવા કહ્યું. ત્યારે જ યુદ્ધ બંધ થયું. આ યુદ્ધ કોઈ બીજાના કહેવાથી બંધ થયું નહીં. અમારો ઉદ્દેશ્ય શરૂઆતથી જ યુદ્ધમાં જવાનો નહોતો. અમારો ઉદ્દેશ્ય પાકિસ્તાનના લોકોને નુકસાન પહોંચાડવાનો નહોતો. અમિત શાહે કહ્યું કે ઓપરેશન સિંદૂર દ્વારા અમે પાકિસ્તાનના દિલ પર હુમલો કર્યો.
ચિદમ્બરમ ગૃહમંત્રી હતા ત્યાં સુધી અફઝલને ફાંસી ન આપી
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ પી ચિદમ્બરમના નિવેદન પર અમિત શાહે પ્રતિક્રિયા આપતા કહ્યું કે તેઓ કહી રહ્યા હતા કે આતંકવાદીઓ પાકિસ્તાનથી આવ્યા હોવાનો શું પુરાવો છે. અમિત શાહે કહ્યું કે જ્યાં સુધી પી ચિદમ્બરમ ગૃહમંત્રી હતા ત્યાં સુધી અફઝલ ગુરુને ફાંસી આપવામાં આવી ન હતી. અમિત શાહે રાજ્યસભામાં કહ્યું કે દેશના લોકો કોંગ્રેસ પાર્ટીની માનસિકતા જોઈ રહ્યા છે. તેમની પ્રાથમિકતા દેશની સુરક્ષા નહીં, પણ રાજકારણ છે.






