Pakistan Crime News: પાકિસ્તાનના લાહોરમાં ૨ વિદેશી મહિલાઓનું અપહરણ કરી અત્યાચારનો મામલો સામે આવ્યો છે. આ અંગે પોલીસે વિદેશ મંત્રી અને નાયબ મુખ્યમંત્રી (ડેપ્યુટી પીએમ) ઈશાક ડારના એક સંબંધી સહિત ૪ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ આ મામલે તપાસમાં જૂટી છે. મીડિયા અહેવાલો અનુસાર, ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ મુહમ્મદ રઝા ડાર, સિકંદર ખાન, હસન રઝા અને સાજિદ અલી તરીકે થઈ છે. આ મામલાને લઈને લાહોરની એક કોર્ટે શુક્રવારે (૩ જુલાઈ ૨૦gate૨૬) ચારેય આરોપીઓને 5 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી દીધા છે. ઘટનાનો મુખ્ય આરોપી મુહમ્મદ રઝા ડાર હોવાનું કહેવાય છે. અહેવાલો મુજબ, આ આરોપી વિદેશ મંત્રી ઈશાક ડારના પરિવાર સાથે સંબંધ ધરાવે છે.
મહિલાઓ સાથે સામૂહિક દુષ્કર્મ
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ મામલામાં નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રીના નજીકના સંબંધીનું નામ સામે આવ્યું હોવાથી આ તપાસ વધુ સાવચેતીપૂર્વક કરવામાં આવી રહી છે. તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, પીડિત મહિલાઓમાંથી એક વેનેઝુએલાની અને બીજી નેધરલેન્ડની નાગરિક હોવાનું કહેવાય છે. વિતેલી ૨૯ જૂન ૨૦૨૬ના રોજ બંનેનું અપહરણ કરીને તેમની સાથે સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ મામલાનો ખુલાસો ત્યારે થયો જ્યારે પીડિત મહિલાઓમાંથી એકના પિતાએ સ્પેનથી પોલીસને ફોન કરીને તેમની પુત્રી ગંભીર જોખમમાં હોવાની માહિતી આપી.
આરોપીઓ સામે ગુનો દાખલ
પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને બંને મહિલાઓને સુરક્ષિત રીતે બચાવી લીધી હતી. આ મામલે લાહોર પોલીસે ૫ આરોપીઓ વિરુદ્ધ અપહરણ અને ગેંગરેપનો ગુનો નોંધ્યો છે. ૫માંથી ૪ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે એક હજુ પણ ફરાર છે. આરોપીની ધરપકડ કરવા માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ઓક્ટોબર વર્ષ ૨૦૨૫માં બંને વિદેશી મહિલાઓ સિંગાપોરમાં મુહમ્મદ રઝા ડારને મળી હતી. તેણે બંનેને પાકિસ્તાન આવવાનું આમંત્રણ આપ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર રઝા ડાર અને બંને મહિલાઓ ક્રિપ્ટોકરન્સીના બિઝનેસ સાથે જોડાયેલા હતા.
તપાસમાં જોડાઈ પોલીસ
રઝા ડારે જ બંને મહિલાઓને પાકિસ્તાનમાં પ્રવેશવા માટે બિઝનેસ વિઝાની વ્યવસ્થા કરી આપી હતી. મહિલાઓના જણાવ્યા અનુસાર, ૨૯ જૂન ૨૦૨૬ના રોજ બંને લાહોર પહોંચી હતી, જ્યાં એરપોર્ટ પર જ તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું અને એક મકાનમાં લઈ જઈને તેમની સાથે સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. એટલું જ નહીં, પીડિતાઓનો એવો પણ આરોપ છે કે આરોપીઓએ તેમની મુક્તિના બદલામાં ખંડણીની પણ માંગણી કરી હતી. બંને મહિલાઓએ કોર્ટમાં હાજરી દરમિયાન રઝા ડારને મુખ્ય આરોપી તરીકે ઓળખી કાઢ્યો હતો. પોલીસ હવે આ મામલે આરોપીઓની પૂછપરછ કરી રહી છે અને ઘટનામાં ફરાર આરોપીની ભૂમિકાની પણ તપાસ કરી રહી છે.





