પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં મંત્રીમંડળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં 6 મુખ્ય નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેમાં રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમને મજબૂત બનાવવા, પ્રધાનમંત્રી કૃષિ સંપદા યોજનાને મજબૂત બનાવવી અને રેલ્વે સંબંધિત ઘણા પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.
કેન્દ્રીય મંત્રીમંડળમાં લેવાયેલા નિર્ણયો

NCDCને સશક્ત બનાવવાનો કાર્યક્રમ
છેલ્લા 5 વર્ષમાં, NCDCનું વિતરણ લગભગ 4 ગણું વધીને 2024-25 માં ₹95,000 કરોડ સુધી પહોંચ્યું છે. લોન વસૂલાત દર 99.8% છે. ચોખ્ખો NPA લગભગ શૂન્ય છે. મંત્રીમંડળે મંજૂરી આપી છે કે NCDCને ₹2,000 કરોડની નાણાકીય સહાય આપવામાં આવશે. આ સહાય 4 વર્ષ માટે ગ્રાન્ટ તરીકે આપવામાં આવશે.
પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજના માટે 6520 કરોડ રૂપિયા
કેબિનેટે 15મા નાણા પંચ ચક્ર (2021-22 થી 2025-26) દરમિયાન ચાલુ કેન્દ્રીય ક્ષેત્ર યોજના "પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજના" (PMKSY) માટે 1920 કરોડ રૂપિયાના વધારાના ખર્ચ સહિત 6520 કરોડ રૂપિયાના ખર્ચને મંજૂરી આપી.
ચાર રેલ્વે પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ રેલ્વે મંત્રાલયના 4 (ચાર) પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે, જેનો કુલ ખર્ચ લગભગ 11,169 કરોડ રૂપિયા છે. તેમાં ઇટારસી-નાગપુર ચોથી લાઇન, ઔરંગાબાદ (છત્રપતિ સંભાજીનગર)-પરભણી ડબલિંગ, અલુઆબારી રોડ-ન્યૂ જલપાઇગુડી ત્રીજી અને ચોથી લાઇન, ડાંગોઆપોસી-જરોલી ત્રીજી અને ચોથી લાઇનનો સમાવેશ થાય છે.






