Home Gujarat Una Dalit Case Veraval Court 5 Accused Convicted

બહુચર્ચિત ઉના દલિત કાંડ કેસમાં મોટો ચુકાદો : વેરાવળ સેશન કોર્ટ દ્વારા 5 આરોપી દોષિત

બહુચર્ચિત ઉના દલિત કાંડ કેસમાં મોટો ચુકાદો
Published by: OBS Bureau
Last Updated: Mar 16, 2026, 01:07 PM IST

ગીર સોમનાથ જિલ્લાના ઐતિહાસિક અને ચકચારી ઉના દલિત કાંડ કેસમાં કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે. લગભગ 10 વર્ષથી ચાલી રહેલા આ કેસમાં વેરાવળ સેશન કોર્ટે પાંચ આરોપીઓને દોષિત જાહેર કર્યા છે.

કોર્ટના ચુકાદા અનુસાર FIR માં નામ ધરાવતા મુખ્ય આરોપીઓ રમેશ જાદવ, રાકેશ જોશી, પ્રમોદ ગૌસ્વામી, નાગજી ડાયા અને બળવંત ગૌસ્વામીને દોષિત ઠરાવવામાં આવ્યા છે. આ કેસમાં કુલ 39 આરોપીઓ સામે કાર્યવાહી ચાલી રહી હતી, જેમાંથી મુખ્ય પાંચ આરોપીઓને દોષિત જાહેર કરવામાં આવ્યા છે.

જ્યારે બાકીના તમામ આરોપીઓને પુરાવાના અભાવે કોર્ટે નિર્દોષ જાહેર કરી છૂટકારો આપ્યો છે. આ ચુકાદા સાથે લાંબા સમયથી ચાલી રહેલા કેસમાં મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે.

હાલમાં કોર્ટ દ્વારા દોષિતોને સજાની અવધિ અંગે અંતિમ નિર્ણય આપવામાં આવ્યો નથી. કોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે 17 માર્ચે વકીલોની દલીલો સાંભળ્યા બાદ સજાની જાહેરાત કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2016માં ઉના ખાતે બનેલો આ બનાવ દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. ઘટનામાં દલિત યુવાનોને જાહેરમાં માર મારવાનો વીડિયો વાયરલ થતાં રાજ્ય અને દેશભરમાં ભારે વિરોધ પ્રદર્શન થયા હતા.

આ કેસ બાદ દલિત સમાજમાં ન્યાય માટે લાંબી લડત ચાલી રહી હતી. હવે 10 વર્ષ બાદ કોર્ટના આ ચુકાદા સાથે કેસમાં મહત્વપૂર્ણ કાનૂની પગલું આગળ વધ્યું છે. હવે સૌની નજર આવતીકાલે કોર્ટ દ્વારા જાહેર થનારી સજાના નિર્ણય પર છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now