રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ સરકારમાં મહત્વપૂર્ણ ફેરફાર કરીને ઉર્જા ક્ષેત્રના નિષ્ણાત સેરગી કોરેત્સ્કીને દેશના નવા વડાપ્રધાન તરીકે નિયુક્ત કર્યા છે. યુક્રેનની સંસદે 289 મતોથી તેમની નિમણૂકને મંજૂરી આપી છે. સરકારનું માનવું છે કે યુદ્ધકાળમાં દેશની ઉર્જા અને આર્થિક વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે તેમનો અનુભવ મહત્વની ભૂમિકા ભજવશે.
સુરક્ષા, અર્થતંત્ર અને EU પર રહેશે ફોકસ
નવા વડાપ્રધાન સેરગી કોરેત્સ્કીએ સંસદને સંબોધતા જણાવ્યું હતું કે તેમની સરકારની પ્રથમ પ્રાથમિકતા દેશની સુરક્ષા વધુ મજબૂત બનાવવાની રહેશે. ઉપરાંત યુદ્ધની અસર વચ્ચે અર્થતંત્રને સ્થિર રાખવું અને યુરોપિયન યુનિયન (EU)માં જોડાવાની પ્રક્રિયાને ઝડપી બનાવવી પણ સરકારના મુખ્ય એજન્ડામાં સામેલ રહેશે.
20 વર્ષનો ઉર્જા ક્ષેત્રનો અનુભવ
48 વર્ષીય સેરગી કોરેત્સ્કી વ્યવસાયે એન્જિનિયર અને અર્થશાસ્ત્રી છે. તેઓ કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલા નથી, પરંતુ ઉર્જા ક્ષેત્રમાં બે દાયકાથી વધુનો અનુભવ ધરાવે છે. મે 2025થી તેઓ યુક્રેનની મુખ્ય ગેસ કંપનીના CEO તરીકે કાર્યરત હતા, જ્યારે તે પહેલાં દેશની સૌથી મોટી તેલ ઉત્પાદક કંપનીનું નેતૃત્વ પણ સંભાળી ચૂક્યા છે.
આ પણ વાંચો: ટ્રમ્પ પ્રશાસનનો અમેરિકન વિઝા નિયમોમાં મોટો ફેરફાર : વિદ્યાર્થીઓને પડશે અસર,ચીનના નાગરિકો માટે ખાસ મર્યાદા
શિયાળામાં ઉર્જા પુરવઠો સૌથી મોટો પડકાર
રશિયાના સતત મિસાઈલ અને ડ્રોન હુમલાઓને કારણે યુક્રેનના વીજ ઉત્પાદન કેન્દ્રો અને ગેસ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ભારે નુકસાન પહોંચ્યું છે. આગામી શિયાળામાં નાગરિકોને વીજળી અને ગેસનો પુરવઠો જાળવી રાખવો નવા વડાપ્રધાન માટે સૌથી મોટી કસોટી માનવામાં આવી રહી છે. ઝેલેન્સ્કીએ પણ જણાવ્યું કે ઉર્જા ક્ષેત્રમાં કોરેત્સ્કીનો અનુભવ દેશ માટે આ મુશ્કેલ સમયમાં અત્યંત ઉપયોગી સાબિત થશે.





