Russia Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે પાંચમા વર્ષમાં પ્રવેશી ચૂક્યું છે અને બંને દેશો એકબીજાના વ્યૂહાત્મક સ્થળોને નિશાન બનાવી રહ્યા છે. તાજેતરમાં યુક્રેને રશિયાના દક્ષિણી બંદર તુઆપ્સે (Tuapse) પર મોટો ડ્રોન હુમલો કરીને રશિયાની ઉર્જા સપ્લાય ચેઈનને મોટો ફટકો માર્યો છે. રશિયાના દક્ષિણી ક્રાસ્નોદર ક્ષેત્રના ગવર્નર વેન્યામિન કોન્દ્રાતિયેવના જણાવ્યા અનુસાર, 20 એપ્રિલની વહેલી સવારે યુક્રેન દ્વારા તુઆપ્સે ઓઈલ પોર્ટ પર પ્રચંડ ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાને કારણે રશિયાની સરકારી ઓઈલ કંપની 'રોઝનેફ્ટ' (Rosneft) દ્વારા સંચાલિત રિફાઈનરીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા એક વ્યક્તિના મોતની પુષ્ટિ થઈ છે. નોંધનીય છે કે આ અઠવાડિયામાં રશિયાના મુખ્ય બંદરો પર આ બીજો મોટો હુમલો છે, જે રશિયાની સુરક્ષા વ્યવસ્થા સામે મોટા પ્રશ્નાર્થ ચિહ્નો ઉભા કરે છે.
વ્યૂહાત્મક રીતે મહત્વની રિફાઈનરી નિશાન પર
યુક્રેનના ડ્રોન ફોર્સના કમાન્ડર રોબર્ટ બ્રોવદીએ પુષ્ટિ કરી છે કે યુક્રેનિયન સૈન્યએ જાણીજોઈને રોઝનેફ્ટ ઓઈલ રિફાઈનરીને નિશાન બનાવી છે. આ રિફાઈનરી દરરોજ આશરે 240,000 બેરલ ક્રૂડ ઓઈલની પ્રક્રિયા કરવાની ક્ષમતા ધરાવે છે અને રશિયા માટે ડિઝલ તથા ફ્યુઅલ ઓઈલની નિકાસનું મુખ્ય કેન્દ્ર છે. યુક્રેન સતત રશિયાની આર્થિક કરોડરજ્જુ ગણાતા તેલ ઉદ્યોગ પર પ્રહારો કરી રહ્યું છે જેથી રશિયાની યુદ્ધ લડવાની આર્થિક ક્ષમતાને નબળી પાડી શકાય. રશિયાના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે તેમણે રાતોરાત 112 યુક્રેનિયન ડ્રોન તોડી પાડ્યા છે, પરંતુ તેમ છતાં કેટલાક ડ્રોન લક્ષ્ય સુધી પહોંચવામાં સફળ રહ્યા હતા.
ગ્લોબલ એનર્જી માર્કેટ પર અસર અને ઈરાન જંગનું જોડાણ
યુક્રેને રશિયાના તેલ સ્થાપત્યો પરના હુમલા તેજ કર્યા છે, જેની સીધી અસર રશિયાના તેલ નિકાસ પર પડી રહી છે. બીજી તરફ, ઈરાન યુદ્ધ અને તેહરાન દ્વારા 'હોર્મુઝની સામુદ્રધુની' (Strait of Hormuz) ને અસરકારક રીતે બંધ કરવાને કારણે વૈશ્વિક બજારમાં તેલના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. રશિયા આ મોંઘા તેલનો લાભ લઈને પોતાની તિજોરી ભરવા માંગતું હતું, પરંતુ યુક્રેનના ડ્રોન હુમલાઓએ મોસ્કોના આ પ્લાન પર પાણી ફેરવી દીધું છે. અગાઉ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ 'એનર્જી સીઝફાયર' (ઉર્જા ક્ષેત્રે યુદ્ધવિરામ) નો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ રશિયાની જિદને કારણે તે સફળ થયો નથી.
નેવી અને રડાર સિસ્ટમ પર પણ હુમલા
રશિયા હસ્તકના ક્રિમીયાના સેવાસ્તોપોલ બે (Sevastopol Bay) માં પણ યુક્રેનિયન સ્પેશિયલ ફોર્સે ઓપરેશન હાથ ધર્યું હતું. યુક્રેનિયન ઇન્ટેલિજન્સ (HUR) ના જણાવ્યા મુજબ, હુમલામાં રશિયાના બે મોટા લેન્ડિંગ જહાજોને નિષ્ક્રિય કરી દેવામાં આવ્યા છે. આ ઓપરેશન દરમિયાન રશિયાની અત્યંત આધુનિક રડાર સિસ્ટમ પણ નાશ પામી હોવાના અહેવાલ છે. રશિયાએ પણ વળતા પ્રહારમાં સુમી અને ડિનિપ્રોપેટ્રોવસ્ક ક્ષેત્રમાં ડ્રોન મારો ચલાવ્યો હતો, જેમાં અનેક નાગરિકો ઘાયલ થયા છે.
શાંતિ વાટાઘાટો સ્થગિત
રશિયા-યુક્રેન યુદ્ધ હવે લાંબુ ખેંચાઈ રહ્યું છે. અમેરિકા અને પશ્ચિમી દેશોનું ધ્યાન હવે યુક્રેનથી હટીને ઈરાન-ઈઝરાયેલ જંગ તરફ શિફ્ટ થઈ રહ્યું છે, જેના કારણે યુક્રેન માટે શાંતિ વાટાઘાટો હાલ અટકી ગઈ હોય તેવું લાગે છે. રશિયા હજુ પણ સુરક્ષા ગેરંટી અને પ્રદેશોના કબ્જા મુદ્દે મક્કમ છે, જે યુક્રેન માટે અસ્વીકાર્ય છે.





