Bihu Dance Space: ભારતીય સંસ્કૃતિનો પ્રભાવ હવે માત્ર પૃથ્વી પૂરતો મર્યાદિત નથી રહ્યો, પરંતુ અંતરિક્ષમાં પણ તેની ઝલક જોવા મળી રહી છે. વિશ્વના સૌથી લોકપ્રિય લોકનૃત્યોમાં સ્થાન પામતા આસામના 'બિહૂ'એ હવે સીમાઓ વટાવીને સીધું અંતરિક્ષમાં સ્થાન મેળવ્યું છે. અમેરિકન એસ્ટ્રોનોટ માઈક ફિંકે (Mike Fincke) એ હાલમાં જ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં શૂન્ય ગુરુત્વાકર્ષણની વચ્ચે બિહૂ નૃત્ય કરીને સૌને આશ્ચર્યચકિત કરી દીધા છે. આસામી નવવર્ષ અને 'રોંગાલી બિહૂ'ના તહેવારના માહોલ વચ્ચે આ વીડિયો વાયરલ થતા ભારતીયોમાં ગૌરવની લાગણી જન્મી છે. ગળામાં આસામનો પરંપરાગત 'ગમોસા' (ગમછો) પહેરીને અને બેકગ્રાઉન્ડમાં વાગતા બિહૂ ગીતો પર માઈક ફિંકે જે રીતે ડાન્સ કર્યો છે, તે ખરેખર અદ્ભૂત છે.
આસામ સાથેનો અતૂટ નાતો
તમને પ્રશ્ન થતો હશે કે એક અમેરિકન એસ્ટ્રોનોટને બિહૂ નૃત્યમાં કેવી રીતે રસ પડ્યો? તેની પાછળનું કારણ તેમનો ભારત સાથેનો અંગત સંબંધ છે. માઈક ફિંકેના લગ્ન આસામી મૂળની મહિલા રેનિતા સૈકિયા (Renita Saikia) સાથે થયા છે. આસામના જમાઈ હોવાને નાતે માઈક ફિંકે ભારતીય પરંપરાઓ અને ખાસ કરીને આસામની સંસ્કૃતિ સાથે ખૂબ જ ઊંડાણપૂર્વક જોડાયેલા છે. આ પહેલા પણ તેમણે પોતાની અંતરિક્ષ ઉડાણ દરમિયાન ભારતીય સંસ્કૃતિ પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે.
આ પણ વાંચો: હોર્મુઝની સુરક્ષા માટે દક્ષિણ કોરિયાએ માંગ્યો ભારતનો સાથ : AI અને ડિફેન્સ ક્ષેત્રે થશે મોટા કરાર
CM હિમંત બિસ્વા સરમાએ વ્યક્ત કર્યો આનંદ
આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર શેર કરતા માઈક ફિંકેના મુક્ત કંઠે વખાણ કર્યા છે. તેમણે આ ઘટનાને 'બિહૂ બિનંદિયા' (Bihu Binandiya) ટેગ સાથે શેર કરી જણાવ્યું કે, આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનમાં બિહૂ નૃત્ય થવું એ આસામની સંસ્કૃતિનું વિશેષ સન્માન છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોથી બિહૂ જે રીતે વૈશ્વિક સ્તરે જાણીતું થયું છે, તે જોઈને આનંદ થાય છે. નોંધનીય છે કે, એપ્રિલ 2023માં ગુવાહાટીમાં 10,000 લોકોએ એકસાથે બિહૂ નૃત્ય કરીને વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો હતો, જે પીએમ મોદીએ નિહાળ્યો હતો.
અંતરિક્ષ યાત્રા અને સિદ્ધિઓ
માઈક ફિંકે અત્યાર સુધીમાં ચાર અલગ-અલગ અંતરિક્ષ ઉડાણોનો હિસ્સો રહી ચૂક્યા છે. તેમણે જાન્યુઆરીના મધ્યમાં જ પોતાની તાજેતરની ઉડાણ પૂર્ણ કરી હતી. જોકે, આ વીડિયો ક્યારે શૂટ કરવામાં આવ્યો તેની ચોક્કસ તારીખ સ્પષ્ટ નથી, પરંતુ બિહૂના તહેવાર ટાણે આ વીડિયોએ સોશિયલ મીડિયા પર ભારે આકર્ષણ જમાવ્યું છે. શૂન્ય ગુરુત્વાકર્ષણમાં ભારતીય સંસ્કૃતિની આ ઝલક જોઈને ફેન્સ કહી રહ્યા છે - "Sky is not the limit for Bihu!"





