India South Korea Relations: દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી જે મ્યુંગ અત્યારે ભારતના પ્રવાસે આવ્યાં છે. આજે રાષ્ટ્રપતિ ભવનમાં તેમને સ્વાગત કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દક્ષિણ કોરિયાથી આવેલા રાજ્ય મહેમાનોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું છે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે હોર્મુઝ સ્ટ્રેટ નવી દિલ્હી ખાતે આવેલા રાજઘાટે જઈને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. રાષ્ટ્રપતિ લી જે મ્યુંગ સાથે દક્ષિણ કોરિયાની પ્રથમ મહિલા કિમ હી ક્યૂંગ પણ ભારત આવ્યાં છે.
પીએમ મોદી રાષ્ટ્રપતિ લી સાથે દ્વિપક્ષીય બેઠક કરશે
ભારતીય વિદેશ મંત્રાયલ દ્વારા રાષ્ટ્રપતિની આ ભારત યાત્રાને ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવી છે અને વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ ગણાવવામાં આવ્યું છે. આજે પીએમ મોદી રાષ્ટ્રપતિ લી સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરવાના છે. આ બેઠક દરમિયાન જહાજ નિર્માણ, વેપાર, રોકાણ, એઆઈ અને સેમીકંડક્ટર અંગે ખાસ ચર્ચા કરવામાં આવશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ સાથે અન્ય કેટલાક વિષયો પર પણ ચર્ચા થઈ શકે છે.
કોરિયાઈ રાષ્ટ્રપતિ ગઈકાલે રાતે ભારત પહોંચ્યાં હતા. તે દરમિયાન દિલ્હી એરપોર્ટ પર કેન્દ્રીય રાજ્ય પ્રધાન હર્ષ મલ્હોત્રાએ તેમનું સ્વાગત કર્યું હતું. તે પછી વિદેશ પ્રધાન એસ જયશંકર સાથે પણ મુલાકાત થઈ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ભારત અને કોરિયાના સંબંધો વધારે મજબૂત બને તે માટે આ યાત્રાને ખાસ ગણવામાં આવી રહી છે. આજે બપોરે પીએમ મોદી સાથે દક્ષિણ કોરિયાઈ રાષ્ટ્રપતિ ભોજન કરશે. તે પછી કોરિયાઈ રાષ્ટ્રપતિ ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ સાથે વાતચીત કરશે.
આ પણ વાંચો: ઈરાનની સત્તામાં મોટો ફેરફાર : IRGCએ સૈન્ય અને રાજનૈતિક નિયંત્રણ સંભાળ્યું, વિદેશ મંત્રી સાઈડલાઈન
ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો હવે માત્ર આર્થિક લેવડ-દેવડ પૂરતા મર્યાદિત રહ્યા નથી, પરંતુ તે સંરક્ષણ અને સુરક્ષાના ક્ષેત્રમાં પણ મજબૂત બની રહ્યા છે. દક્ષિણ કોરિયાના પ્રમુખ લી જે-મ્યુન્ગે તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, બદલાતી વૈશ્વિક પરિસ્થિતિઓમાં ભારત એક વિશ્વસનીય ભાગીદાર છે. તેમણે હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) જેવા સંવેદનશીલ દરિયાઈ માર્ગોની સુરક્ષા માટે ભારતનો સહયોગ માંગ્યો છે. પ્રમુખ લીના મતે, ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા જાળવવા માટે દક્ષિણ કોરિયા અને ભારતનું એકસાથે આવવું અનિવાર્ય છે.
હોર્મુઝ સ્ટ્રેટની સુરક્ષા શા માટે ચિંતાનો વિષય?
હોર્મુઝ સ્ટ્રેટ એ વિશ્વનો સૌથી વ્યસ્ત અને મહત્ત્વનો દરિયાઈ માર્ગ છે, જ્યાંથી મોટાભાગના ક્રૂડ ઓઈલનો સપ્લાય થાય છે. અમેરિકા અને ઈરાન વચ્ચેના વધતા તણાવને કારણે આ રૂટ પર જોખમ તોળાઈ રહ્યું છે. પ્રમુખ લીએ ચિંતા વ્યક્ત કરી છે કે જો આ માર્ગ બંધ થાય, તો વૈશ્વિક સ્તરે તેલના ભાવમાં તોતિંગ વધારો થઈ શકે છે, જેની સીધી અસર ભારત અને દક્ષિણ કોરિયા બંનેની અર્થવ્યવસ્થા પર પડશે. કારણ કે બંને દેશો પોતાની ઊર્જા જરૂરિયાતો માટે મધ્ય પૂર્વના દેશો પર નિર્ભર છે, તેથી આ રસ્તાને સુરક્ષિત રાખવા દરિયાઈ સુરક્ષામાં સહયોગ વધારવો એ સમયની માંગ છે.
ખનિજ અને ઊર્જા ક્ષેત્રે નવો 'માસ્ટર પ્લાન'
માત્ર સુરક્ષા જ નહીં, પરંતુ ખનિજ સંસાધનો (Critical Minerals) બાબતે પણ બંને દેશો એક નવું મોડેલ તૈયાર કરવા જઈ રહ્યા છે. દક્ષિણ કોરિયા પાસે અત્યાધુનિક સેમિકન્ડક્ટર અને બેટરી ટૅક્નોલૉજી છે, જ્યારે ભારત પાસે ખનિજ અને માનવ સંસાધનનો વિશાળ ભંડાર છે. પ્રમુખ લીએ સૂચવ્યું છે કે દક્ષિણ કોરિયાની ટૅક્નોલૉજી અને ભારતના માઈનિંગ તથા રિફાઈનિંગ ઉદ્યોગના સમન્વયથી એક એવી સપ્લાય ચેઈન ઉભી કરી શકાય છે જે ચીન કે અન્ય કોઈ ત્રીજા દેશ પરની નિર્ભરતા ઘટાડી શકે.
AI અને સંરક્ષણ ક્ષેત્રે ટેકનોલોજીનું આદાન-પ્રદાન
આગામી સમયમાં ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ડિફેન્સ સેક્ટરમાં અનેક મહત્ત્વના કરારો થવાની સંભાવના છે. શિપબિલ્ડિંગ (જહાજ નિર્માણ), ઇલેક્ટ્રોનિક્સ અને ઓટોમોબાઈલ જેવા ક્ષેત્રોમાં કોરિયન કંપનીઓ ભારતમાં તેમનું રોકાણ વધારવા ઉત્સુક છે. સંરક્ષણ ક્ષેત્રે 'મેક ઇન ઇન્ડિયા' અંતર્ગત દક્ષિણ કોરિયાની ટેકનોલોજીના માધ્યમથી અત્યાધુનિક શસ્ત્રોનું ઉત્પાદન કરવાની દિશામાં પણ વાતચીત ચાલી રહી છે, જે બંને દેશોના લશ્કરી સંબંધોને વધુ ગાઢ બનાવશે.





