Home Tech/Gadgets Uidai New Aadhaar App Maadhaar App Shutdown Mobile Number Update Gujarati News

આધાર કાર્ડ ધારકો માટે મોટા સમાચાર : જૂની mAadhaar એપ થશે બંધ, નવી એપથી ઘરે બેઠા બદલી શકાશે મોબાઈલ નંબર

Aadhaar App, UIDAI Update
Image Credit: AI
Published by: Nirali Gohil
Last Updated: May 26, 2026, 09:30 AM IST

Aadhaar App Update: ભારતમાં આધાર કાર્ડ હવે માત્ર ઓળખપત્ર નથી, પરંતુ બેંકિંગથી લઈને સરકારી યોજનાઓ સુધીનું એક મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયું છે. એવા સમયમાં જો તમે પણ તમારા સ્માર્ટફોનમાં જૂની mAadhaar એપનો ઉપયોગ કરો છો, તો તમારા માટે એક મોટું અપડેટ સામે આવ્યું છે. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) ટૂંક સમયમાં જૂની mAadhaar એપને બંધ કરવાની તૈયારીમાં છે અને તેના સ્થાને નવી અને વધુ સુરક્ષિત ‘New Aadhaar App’ રજૂ કરી છે. નવી એપમાં માત્ર સુરક્ષામાં જ વધારો થયો નથી, પરંતુ ઘણા એવા સ્માર્ટ ફીચર્સ પણ ઉમેરાયા છે, જેનાથી આધાર સંબંધિત અનેક કામ હવે ઘરે બેઠા સરળતાથી થઈ શકશે. ખાસ કરીને આધાર સાથે જોડાયેલ મોબાઈલ નંબર અપડેટ કરવાનું કામ હવે લોકો માટે ઘણી હદ સુધી સરળ બનશે.

નવી Aadhaar App કેમ ખાસ છે?

UIDAI દ્વારા લોન્ચ કરાયેલી નવી એપને વધુ યુઝર-ફ્રેન્ડલી અને સુરક્ષિત બનાવવામાં આવી છે. અત્યાર સુધી આધાર કાર્ડની માહિતી અપડેટ કરવા માટે લોકો લાંબી લાઈન લગાવી આધાર સેન્ટર સુધી પહોંચતા હતા, પરંતુ હવે ઘણા કામ મોબાઈલમાં જ થઈ શકશે. આ નવી એપમાં ડેટા પ્રાઈવસી અને ડિજિટલ સુરક્ષા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. યુઝર્સ હવે પોતાની જરૂરિયાત મુજબ કઈ માહિતી શેર કરવી અને કઈ માહિતી ખાનગી રાખવી તે નક્કી કરી શકશે.

એપ ડાઉનલોડ કરતી વખતે રાખજો ખાસ ધ્યાન

UIDAIએ લોકોને ચેતવણી આપી છે કે નવી આધાર એપ માત્ર ઓફિશિયલ ગૂગલ પ્લે સ્ટોર અથવા એપલ એપ સ્ટોર પરથી જ ડાઉનલોડ કરવી. SMS, WhatsApp અથવા ઈમેઈલ પર આવતી કોઈ અજાણી લિંક પરથી એપ ડાઉનલોડ કરવી જોખમી સાબિત થઈ શકે છે. આવી લિંક્સ દ્વારા સાયબર ફ્રોડ થવાની શક્યતા વધી જાય છે.

હવે આધાર સેન્ટર ગયા વગર મોબાઈલ નંબર અપડેટ થશે

નવી Aadhaar Appનું સૌથી આકર્ષક ફીચર એ છે કે હવે લોકો ઘરે બેઠા જ આધાર સાથે જોડાયેલ મોબાઈલ નંબર અપડેટ કરી શકશે. અત્યાર સુધી આ પ્રક્રિયા માટે આધાર સેવા કેન્દ્રમાં જવું ફરજિયાત હતું, પરંતુ નવી સિસ્ટમથી આ કામ વધુ સરળ બનશે.

કેવી રીતે અપડેટ કરશો મોબાઈલ નંબર?

  • સૌથી પહેલા નવી Aadhaar App ઓપન કરો

  • હોમ સ્ક્રીન પર ‘Update Aadhaar Details’ વિકલ્પ પસંદ કરો

  • મોબાઈલ નંબર અથવા સરનામું અપડેટ કરવાનો વિકલ્પ પસંદ કરો

  • નવી વિગતો દાખલ કરીને વેરિફિકેશન માટે સબમિટ કરો

  • ઓથેન્ટિકેશન પ્રક્રિયા પૂર્ણ કરો

  • નાની ઓનલાઇન ફી ભરો

  • સફળ વેરિફિકેશન બાદ નવી વિગતો આધાર રેકોર્ડમાં અપડેટ થઈ જશે

આ પણ વાંચો: શું મૃત વ્યક્તિના ATM કાર્ડમાંથી પૈસા ઉપાડ્યા તો જેલ થઈ જશે?: જાણો બેંકના મહત્વપૂર્ણ નિયમો

‘તમારો આધાર, તમારી મરજી’ – હવે વિગતો છૂપી રાખી શકશો

નવી એપમાં એક ખાસ પ્રાઈવસી ફીચર પણ આપવામાં આવ્યું છે. અત્યાર સુધી આધાર કાર્ડની ફોટોકોપી આપતા જ વ્યક્તિની ઘણી અંગત માહિતી સામે આવી જતી હતી. પરંતુ હવે યુઝર્સ નક્કી કરી શકશે કે તેઓ પોતાની જન્મતારીખ, ફોટો, મોબાઈલ નંબર, નામ અથવા અન્ય વિગતોમાંથી શું બતાવવું અને શું છુપાવવું ઈચ્છે છે. આ ફીચર ડેટા સુરક્ષા માટે મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.

QR કોડથી સરળ અને સુરક્ષિત વેરિફિકેશન

નવી એપમાં ડિજિટલ QR કોડ આધારિત વેરિફિકેશન સિસ્ટમ આપવામાં આવી છે. જેના દ્વારા કોઈપણ વ્યક્તિ અથવા સંસ્થા સેન્ટ્રલ ડેટાબેઝ સાથે સીધા જોડાયા વગર ઓળખ ચકાસી શકશે. આ ફીચરથી હવે આધાર કાર્ડની ઝેરોક્ષ આપવાની જરૂરિયાત ઘટી શકે છે. ઓફિસ, સિક્યોરિટી ચેક અથવા અન્ય જગ્યાએ માત્ર પસંદગીની માહિતી શેર કરીને ઓળખ સાબિત કરી શકાશે.

એક જ એપમાં પરિવારના 5 સભ્યોની પ્રોફાઈલ

નવી Aadhaar Appની બીજી મોટી ખાસિયત એ છે કે એક જ મોબાઈલમાં પરિવારના પાંચ સભ્યો સુધીની આધાર પ્રોફાઈલ લિંક કરી શકાશે. એટલે આખા પરિવારના આધાર સંબંધિત કામ એક જ એપથી સરળતાથી સંભાળી શકાશે. જૂની mAadhaar એપ બંધ થવાના સમાચાર વચ્ચે UIDAIની આ નવી પહેલ લોકોને વધુ સુરક્ષિત, ઝડપી અને સરળ ડિજિટલ અનુભવ આપશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now