દાવાદમાં ફરીવાર એક બ્રિજ દુર્ઘટના સર્જાઈ છે. 23 માર્ચ એટલે કે ગઈકાલે રાતે અમદાવાદના વટવા હાથીજણ વિસ્તારમાં રોપડા બ્રિજ નજીક બુલેટ ટ્રેનની કામગીરી વખતે ક્રેન ધસી પડી હતી. આ ઘટનામાં બે લોકોને ઈજા પહોંચી છે. બુલેટ ટ્રેનના પિલ્લર પર મૂકવામાં આવેલી ક્રેન અચાનક જ અગમ્ય કારણોસર ધરાશાયી થતાં દુર્ઘટના સર્જાઈ. આ મામલે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી અને નેશનલ હાઇસ્પીડ રેલવે ઓથોરિટીના અધિકારીઓને પણ આ મામલે જાણ કરવામાં આવતા તેઓ પણ સ્થળે પહોંચ્યા હતા.
ક્રેન પડતાં બેને ઈજા
અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનની કામગીરી વખતે રોકડા રેલવે ઓવરબ્રિજ પાસે બુલેટ ટ્રેનના પિલ્લર ઊભા કરવામાં આવી રહ્યા છે જેના પર બ્રિજ તૈયાર કરવા માટે ક્રેન લગાવવામાં આવી છે. જે ક્રેન અચાનક જ રવિવારની રાત્રીએ પિલ્લરના વચ્ચેના ભાગ ઉપર ધરાશાયી થઈ ગઈ હતી. ક્રેન પડવાનો જોરદાર અવાજ આવવાની સાથે જ આસપાસના રહીશો દોડી આવ્યા હતા. અને બહાર આવીને જોયું ત્યારે ક્રેન પડેલી જોવા મળી. આ ઘટનામાં બે લોકોને સામાન્ય ઈજા થતા 108 મારફતે સારવાર માટે લઈ જવામાં આવ્યા. બીજી તરફ રેલવેની હાઈ ટેન્શન લાઈનને પણ અસર થઈ છે. સમગ્ર દુર્ઘટનામાં ટ્રેનનો ઓવરહેડ વાયર તૂટી ગયો હતો, જેના કારણે મુંબઈ-અમદાવાદ વચ્ચેનો રેલવે વ્યવહાર ખોરવાયો છે. હાલમાં નેશનલ હાઈ સ્પીડ કોર્પોરેશન લિમિટેડે ત્રણ જેટલી અન્ય ક્રેનોને મોકલીને રિસ્ટોરેશનની કામગીરી શરૂ કરી છે. આપને જણાવી દઈએ કે આ ક્રેન પડવાના કારણે રેલવે ટ્રાફિકને પણ માઠી અસર પહોંચી છે. મોડી રાત્રે મુંબઈ-અમદાવાદ વચ્ચેનો રેલવે વ્યવહાર ખોરવાયો હતો. વડોદરાથી અમદાવાદ તરફ જતી સયાજીનગરી, એકતાનગર- અમદાવાદ સહિતની 10 ટ્રેનોને રાત્રે જ અલગ અલગ સ્ટેશનો પર અટકાવી દેવાઈ હતી. હાલ અપલાઈન ચાલુ રાખવામાં આવી છે અને ડાઉન લાઇન બંધ રખાઈ છે, જેથી મુંબઈ તરફ અવરજવર કરતી ટ્રેનોને રદ કરવી પડી છે. આપને જણાવી દઈએ કે અમદાવાદ-વડોદરા-મુંબઈ વચ્ચે દોડતી 33 ટ્રેનોને રદ કરવામાં આવી છે. તો 5 ટ્રેનોના સમય બદલાયો છે, જ્યારે 6 ટ્રેનોને અન્ય રૂટથી દોડાવવામાં આવી રહી છે.





