Home Gujarat Two Fatal Cases In A Single Day At Vadodaras Sayaji Hospital

વડોદરાની સયાજી હોસ્પિટલમાં એક જ દિવસમાં બે જીવલેણ કિસ્સા : પીન અને સિક્કો ગળી જતા બાળકોના જીવ બચાવ્યા

વડોદરાની સયાજી હોસ્પિટલમાં એક જ દિવસમાં બે જીવલેણ કિસ્સા
Play Video
Published by: OBS Bureau
Last Updated: Feb 10, 2026, 11:23 AM IST

SSG Hospital Vadodara ENT Emergency: નાના બાળકોમાં વિદેશી વસ્તુઓ ગળી જવાના કિસ્સા વધુને વધુ જોવા મળી રહ્યા છે, જેમાં વાલીઓ માટે મોટી ચેતવણી છે. વડોદરાની એસ.એસ.જી. (સયાજી) હોસ્પિટલમાં એક જ દિવસમાં બે એવા ગંભીર કિસ્સા સામે આવ્યા હતા, જેમાં એક 11 વર્ષના બાળકે પીન અને પાદરાની 4 વર્ષની બાળકીએ સિક્કો ગળી જતાં શ્વાસનળીમાં અવરોધ આવ્યો હતો. હોસ્પિટલના ઈ.એન.ટી. વિભાગના તજ્જ્ઞ તબીબોએ તાત્કાલિક બ્રોન્કોસ્કોપી કરી બંને બાળકોના જીવ બચાવ્યા છે.

દાહોદના બાળકનો જીવલેણ કિસ્સો

દાહોદ જિલ્લાના ઉસારા ગામના 11 વર્ષના બાળકે 8 ફેબ્રુઆરી 2026ના રોજ બપોરે અંદાજે 1 વાગ્યે પીન ગળી ગયો હતો. તરત જ શ્વાસ લેવામાં તકલીફ શરૂ થતાં તેને ઝાયડસ હોસ્પિટલ, દાહોદ ખસેડવામાં આવ્યો. ત્યાંની તપાસમાં જાણવા મળ્યું કે પીન જમણા મુખ્ય બ્રોન્કસમાં ફસાયેલું છે, જે જીવલેણ સ્થિતિ હતી. ઉચ્ચ જોખમી બ્રોન્કોસ્કોપીની જરૂર હોવાથી બાળકને વડોદરાની સયાજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો. સાંજે ઈ.એન.ટી. વિભાગના તબીબોએ સફળ બ્રોન્કોસ્કોપી કરી પીન કાઢી લીધું. હાલ બાળકની તબિયત સ્થિર છે.

પાદરાની બાળકીની ચિંતાજનક સ્થિતિ

આ કિસ્સાના થોડા કલાકો બાદ જ પાદરાથી 4 વર્ષની બાળકીને સિક્કો ગળી જતાં હોસ્પિટલમાં લાવવામાં આવી. આ કેસ પણ ખૂબ પડકારજનક હતો, કારણ કે નાની ઉંમરે શ્વાસનળીમાં અવરોધ આવવાથી જીવનું જોખમ વધી ગયું હતું. ઈ.એન.ટી. વિભાગના ડૉ. રાહુલ ગુપ્તા (હેડ ઓફ ડિપાર્ટમેન્ટ)ના નેતૃત્વમાં કાળજીપૂર્વક સારવાર કરી સિક્કો કાઢવામાં આવ્યો અને બાળકીને નવું જીવન આપવામાં આવ્યું. વધુમાં ડૉ. રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતું કે, “આવા કિસ્સાઓમાં તાત્કાલિક સારવાર જરૂરી છે. બાળકો રમતા-રમતા અથવા અજાણતાં નાની વસ્તુઓ મોંમાં મૂકી દે છે, જે શ્વાસનળીમાં ફસાઈ જવાથી જીવલેણ બની શકે છે. બંને કેસમાં અમારી ટીમે ત્વરિત કાર્યવાહી કરી બાળકોને બચાવ્યા છે.”

વાલીઓ માટે મહત્વની ચેતવણી

આ બંને કિસ્સા રજા અને વેકેશનના દિવસોમાં વાલીઓ માટે મોટી ચેતવણી છે. નાના બાળકો પાસે પીન, સિક્કા, નાના રમકડાં અથવા અન્ય નાની વસ્તુઓ ન રહે તેનું ધ્યાન રાખવું જરૂરી છે. બાળકોને આવી વસ્તુઓ મોંમાં મૂકવાનું જોખમ સમજાવવું અને તેમના પર નજર રાખવી અત્યંત આવશ્યક છે. આવા અકસ્માતોમાં તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવાથી જીવ બચી શકે છે. સયાજી હોસ્પિટલના આ પ્રયાસો બાળકોના સ્વાસ્થ્ય માટે આશીર્વાદરૂપ સાબિત થયા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
સુરતના 22 વર્ષીય યુવકનું સ્વિમિંગ પૂલમાં મોત
ગુજરાતમાં AI ક્રાંતિને ગતિ
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે માવઠું
વડોદરાના નાગરવાડામાં હાઈવોલ્ટેજ ડ્રામા
SOU પ્રવાસીઓ માટે ખુશખબર