TVS મોટર્સે દિલ્લી ખાતે ચાલી રહેલા ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પો (BMGE 2025)માં વિશ્વનું પ્રથમ CNG સ્કૂટર લૉન્ચ કર્યું છે. કંપનીએ આ મોટર શોમાં પોતાના નવા 'Jupiter CNG' સ્કૂટરનું કોન્સેપ્ટ મોડલ મુક્યું છે. આ પહેલું સ્કૂટર છે જે કંપની ફીટેડ CNG કિટ સાથે આવે છે. તો ચાલો જોઈએ કે આ CNG સ્કૂટર કેવું છે અને તમે તેને ક્યારે ચલાવી શકશો.
JUPITER 125 CNG
આ સ્કૂટરનો દેખાવ અને ડિઝાઈન તો જૂની જ છે, પરંતુ તેનું મિકેનિઝમ અને પાવરટ્રેનમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. આ સિવાય સ્કૂટરની પેનલ પર CNG બેજિંગ પણ આપવામાં આવ્યું છે. જોકે આ કોન્સેપ્ટ મોડલ હોવાથી, કંપનીએ તેની બોડી પેનલ પર કોઈ મોટું કામ કર્યું નથી. એન્જિન મિકેનિઝમ વિષયે વાત કરીએ તો, કંપનીએ શોકેસ કોન્સેપ્ટ મોડલમાં 124.8-cc, સિંગલ-સિલિન્ડર, એર-કૂલ્ડ બાય-ફ્યુઅલ એન્જિનનો ઉપયોગ કર્યો છે. આ એન્જિન 7.2 હોર્સપાવર અને 9.4 Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન કન્ટીન્યુઅસલી વેરિયેબલ ટ્રાન્સમિશન (CVT) ઓટોમેટિક ગિયરબોક્સ સાથે જોડાયેલું છે. તેની મહત્તમ સ્પીડ 80.5 કિમી પ્રતિ કલાક છે.
ક્યાં છે CNG સિલિન્ડર?
કંપનીએ સ્કૂટરની સીટ નીચે CNG સિલિન્ડર આપ્યું છે. TVS Jupiter 125 બાય-ફ્યુઅલમાં પેટ્રોલ માટે 2 લીટરની ટાંકી છે અને CNG માટે 1.4 કિલોનું સિલિન્ડર આપ્યું છે.
226 કિમીની રેન્જ...!
CNGની ટેન્ક સીટની નીચે મુકવામાં આવી છે. ફ્યૂઅલ ફિલર કેપ ફ્રન્ટ એપ્રોનમાં છે અને સીટની નીચે CNG નોઝલ આપવામાં આવી છે. CNG અને પેટ્રોલ મોડમાં આ સ્કૂટર 226 કિલોમીટર સુધીની ડ્રાઈવિંગ રેન્જ આપે છે. CNGથી પેટ્રોલ મોડ પર સ્વિચ કરવા માટે, એક બટન આપવામાં આવ્યું છે, તેને દબાવીને તમે ફ્યૂલ મોડ બદલી શકો છો.




















