તુર્કીની રાજધાની અંકારાથી ઉડાન ભર્યા પછી લિબિયાના આર્મી ચીફ, 4 અધિકારીઓ અને 3 ક્રૂ સભ્યોને લઈ જતું એક પ્રાઇવેટ જેટ ક્રેશ થયું. વિમાનમાં સવાર તમામ લોકોના મોત થયા છે. લિબિયન અધિકારીઓએ જણાવ્યું હતું કે વિમાનમાં ટેકનિકલ ખામીને કારણે આ દુર્ઘટના થઈ હતી. તુર્કીના અધિકારીઓએ જણાવ્યું હતું કે લિબિયન પ્રતિનિધિમંડળ બંને દેશો વચ્ચે મિલીટરીી સહયોગ વધારવાના હેતુથી હાઇ-લેવલ ડિફેન્સ ચર્ચા માટે અંકારામાં હતું.
લિબિયાના વડા પ્રધાને પુષ્ટિ આપી
લિબિયાના વડા પ્રધાન અબ્દુલ-હામિદ દબેબાહે જનરલ મુહમ્મદ અલી અહેમદ અલ-હદ્દાદ અને અન્ય અધિકારીઓના મૃત્યુની પુષ્ટિ કરી છે. એક નિવેદનમાં તેમણે કહ્યું કે પ્રતિનિધિમંડળ ઘરે પરત ફરી રહ્યું હતું ત્યારે આ દુ:ખદ અકસ્માત થયો. વડા પ્રધાને તેને લિબિયા માટે મોટું નુકસાન ગણાવ્યું.
વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા અધિકારીઓની ઓળખ થઈ
અલ-હદ્દાદ પશ્ચિમ લિબિયામાં ટોપ મિલીટરી કમાન્ડર હતા. તેમણે લિબિયન મિલીટરીને એક કરવા માટે યુએન દ્વારા મધ્યસ્થી કરાયેલા ચાલુ પ્રયાસોમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. લિબિયન મિલીટરી લિબિયાની સંસ્થાઓ જેટલું જ વિભાજિત છે. દુર્ઘટનામાં માર્યા ગયેલા અન્ય ચાર અધિકારીઓ હતા: જનરલ અલ-ફિતોરી ઘરાઇબેલ, જેમણે લિબિયન ગ્રાઉન્ડ ફોર્સિસનું નેતૃત્વ કર્યું હતું; બ્રિગેડિયર જનરલ મહમૂદ અલ-કતાવી, જેમણે મિલીટરી મેન્યુફેક્ચરિંગ ઓથોરીટીનું નેતૃત્વ કર્યું હતું; ચીફ ઓફ સ્ટાફના સલાહકાર મોહમ્મદ અલ-અસાવી દિઆબ; અને ચીફ ઓફ સ્ટાફની ઓફિસમાં મિલીટરી ફોટોગ્રાફર મોહમ્મદ ઓમર અહેમદ મહજુબ. દુર્ઘટનામાં માર્યા ગયેલા ક્રૂ સભ્યોની ઓળખ થઈ નથી.
વિમાન સાથેનો સંપર્ક તૂટી ગયો હતો
તુર્કીના અધિકારીઓએ જણાવ્યું હતું કે ફાલ્કન 50 ટાઈપના બિઝનેસ જેટનો કાટમાળ અંકારાના દક્ષિણમાં લગભગ 70 કિલોમીટર (લગભગ 43.5 માઇલ) દૂર હેમાના જિલ્લાના કેસિકાવાક ગામ નજીક મળી આવ્યો હતો. તુર્કીના એર ટ્રાફિક કંટ્રોલર્સે જણાવ્યું હતું કે અંકારાના એસેનબોગા એરપોર્ટથી ઉડાન ભર્યા પછી લિબિયા પરત ફરી રહેલા વિમાન સાથે તેમનો સંપર્ક તૂટી ગયો હતો. તુર્કીના ગૃહમંત્રી અલી યેરલિકાયાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે વિમાન રાત્રે 8:30 વાગ્યે ઉડાન ભરી હતી અને 40 મિનિટ પછી સંપર્ક તૂટી ગયો હતો. યેરલિકાયાએ જણાવ્યું હતું કે તમામ સંપર્ક તૂટી જાય તે પહેલાં વિમાને હેમાના નજીક ઇમરજન્સી લેન્ડિંગનો સિગ્નલ આપ્યો હતો.
તુર્કીના રાષ્ટ્રપતિ કમ્યુનિકેશન ઓફિસે શું કહ્યું?
તુર્કી પ્રેસિડેન્શિયલ કોમ્યુનિકેશન્સ ઓફિસના વડા બુરહાનેટ્ટીન દુરાએ જણાવ્યું હતું કે વિમાને એર ટ્રાફિક કંટ્રોલને ઇલેક્ટ્રિકલ ખામીની જાણ કરી હતી અને ઇમરજન્સી લેન્ડિંગની રિક્વેસ્ટ કરી હતી. વિમાનને એસેનબોગા પાછું વાળવામાં આવ્યું હતું, જ્યાં લેન્ડિંગની તૈયારીઓ શરૂ થઈ હતી. જોકે, ઇમરજન્સી લેન્ડિંગ માટે ઉતરતી વખતે વિમાન રડાર પરથી ગાયબ થઈ ગયું હતું, દુરાને જણાવ્યું હતું. અંકારામાં, અલ-હદ્દાદે તુર્કીના સંરક્ષણ પ્રધાન યાસર ગુલેર અને અન્ય અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી.





















