Home International Turkey Middle School Firing 13 Year Old Student Shoot 9 Students Teacher

તુર્કીયેમાં 13 વર્ષના વિદ્યાર્થીએ શાળામાં કર્યું અંધાધૂંધ ફાયરિંગ : શિક્ષક સહિત 9 લોકોના મોત; હુમલાખોરે પોતાને પણ ગોળી મારી

Turkey School Shooting
Published by: Nirali Gohil
Last Updated: Apr 16, 2026, 04:53 AM IST

Turkey School Shooting: તુર્કીયે (Turkey) માં સતત બીજા દિવસે શાળામાં થયેલા ગોળીબારની ઘટનાએ સમગ્ર વિશ્વને હચમચાવી દીધું છે. બુધવારે એક મિડલ સ્કૂલમાં માત્ર 13 વર્ષના વિદ્યાર્થીએ મોતનું નગ્ન નૃત્ય ખેલ્યું હતું. હાથમાં આધુનિક હથિયારો લઈને શાળાએ પહોંચેલા આ સગીર વિદ્યાર્થીએ વર્ગખંડમાં ઘૂસીને અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ આત્મઘાતી હુમલામાં એક શિક્ષક અને 9 માસૂમ વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યા છે, જ્યારે અનેક લોકો લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સૌથી આઘાતજનક વાત એ છે કે, આટલી નાની ઉંમરનો વિદ્યાર્થી પાંચ હથિયારો સાથે શાળામાં કેવી રીતે પ્રવેશ્યો તે હવે સુરક્ષા એજન્સીઓ માટે મોટો પ્રશ્ન બની ગયો છે.

ઘટનાની વિગતો આપતા ગવર્નર મુકેર્રમ ઉનલુએરે જણાવ્યું કે, હુમલાખોર વિદ્યાર્થી આઠમા ધોરણમાં અભ્યાસ કરતો હતો. તે જે સમયે શાળાએ પહોંચ્યો ત્યારે તેની બેગમાં પુસ્તકોને બદલે પાંચ હથિયારો અને સાત મેગેઝીન છુપાવેલા હતા. હુમલાખોરે શાળાના બે અલગ-અલગ વર્ગખંડોમાં ઘૂસીને પાંચમા ધોરણના નાના બાળકો પર ગોળીબાર કર્યો હતો. આ ભયાનક કૃત્યને અંજામ આપ્યા બાદ, હુમલાખોરે પોતે પણ ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. હાલમાં ઘાયલો પૈકી 6 બાળકોની હાલત અત્યંત ગંભીર હોવાનું જણાવાયું છે.

જીવ બચાવવા બીજા માળેથી કૂદ્યા માસૂમો: હૃદયદ્રાવક દ્રશ્યો

શાળામાં જ્યારે ગોળીબારનો અવાજ ગુંજ્યો ત્યારે ચારેબાજુ ચીસાચીસ મચી ગઈ હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા કેટલાક વીડિયોમાં જોવા મળ્યું છે કે, પોતાનો જીવ બચાવવા માટે ગભરાયેલા નાના બાળકો શાળાના બીજા માળની બારીઓ અને ગેલેરીમાંથી નીચે કૂદી રહ્યા હતા. સીસીટીવી ફૂટેજમાં હુમલાખોર કોઈ પણ ડર વગર કોરિડોરમાં હથિયાર સાથે ફરતો અને સામે આવતા વિદ્યાર્થીઓ પર ગોળીઓ વરસાવતો નજરે પડ્યો હતો. આ ઘટના બાદ તુર્કીયેના ન્યાય મંત્રી અકીન ગુરલેકે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે.

પિતાના હથિયારોનો કર્યો ઉપયોગ?

પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર, હુમલાખોર બાળકના પિતા ભૂતપૂર્વ પોલીસ અધિકારી હોવાનું જાણવા મળ્યું છે. આશંકા છે કે બાળકે ઘરેથી જ તેના પિતાના સર્વિસ હથિયારો ચોરી કર્યા હતા અને તેની મદદથી આ હત્યાકાંડને અંજામ આપ્યો હતો. ગવર્નરે જણાવ્યું કે, તપાસનો વિષય એ છે કે, આટલી મોટી માત્રામાં દારૂગોળો અને હથિયારો એક સગીર બાળકના હાથમાં કેવી રીતે આવ્યા.

આ પણ વાંચો: જિનપિંગની એક ‘ઝપ્પી’ માટે ડોનાલ્ડ ટ્રમ્પે ખોલ્યું હોર્મુઝ! : શું ચીન ઈરાનને એકલું છોડી દેશે?

તુર્કીયેમાં સતત બીજો દિવસ લોહીલુહાણ: ગઈકાલે પણ થયો હતો હુમલો

નોંધનીય છે કે, તુર્કીયેમાં શાળામાં ગોળીબારની આ સતત બીજી ઘટના છે. બુધવારની ઘટનાના બરાબર એક દિવસ પહેલા, મંગળવારે સનલિયુર્ફા પ્રાંતની એક વોકેશનલ હાઈસ્કૂલમાં 18 વર્ષના પૂર્વ વિદ્યાર્થીએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. તે હુમલામાં 10 વિદ્યાર્થીઓ અને 4 શિક્ષકો સહિત કુલ 16 લોકો ઘાયલ થયા હતા. મંગળવારના હુમલાખોરે પણ પોલીસથી ઘેરાઈ ગયા બાદ પોતાની જાતને ગોળી મારી દીધી હતી.

સુરક્ષા વ્યવસ્થા પર ઉઠ્યા સવાલો

સામાન્ય રીતે તુર્કીયેમાં અમેરિકાની જેમ 'સ્કૂલ શૂટિંગ'ની ઘટનાઓ ખૂબ જ દુર્લભ માનવામાં આવે છે. પરંતુ 24 કલાકમાં બનેલી બે મોટી ઘટનાઓએ શિક્ષણ સંસ્થાઓની સુરક્ષા અને બાળકોમાં વધી રહેલી હિંસક વૃત્તિ સામે લાલબત્તી ધરી છે. સરકાર હવે દેશભરની શાળાઓમાં મેટલ ડિટેક્ટર અને કડક સુરક્ષા તપાસ શરૂ કરવા પર વિચાર કરી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now