અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન સાથે એક એવી ગુપ્ત સમજૂતીનો ખુલાસો કર્યો છે, જેણે સમગ્ર વિશ્વની સાથે-સાથે ઈરાનને પણ આશ્ચર્યમાં મૂકી દીધું છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને જાહેરાત કરી છે કે તેમણે ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ એટલે કે હોર્મુઝની ખાડીને હંમેશા માટે ખોલવાનો નિર્ણય કર્યો છે. ટ્રમ્પના આ પગલાને એક મોટા માસ્ટરસ્ટ્રોક તરીકે જોવામાં આવી રહ્યું છે, કારણ કે તેના બદલામાં તેમણે ચીન પાસેથી એક મોટું વચન લીધું છે. ટ્રમ્પને આશા છે કે આ નિર્ણય બાદ જ્યારે તેઓ ચીન જશે, ત્યારે તેમને રાષ્ટ્રપતિ શી જિનપિંગ તરફથી એક ‘મોટી ઝપ્પી’ મળશે અને બંને દેશોના સંબંધોમાં જામેલો બરફ પીગળી જશે.
હોર્મુઝની ખાડી ખોલવાનો મોટો નિર્ણય
ટ્રમ્પે તેમની પોસ્ટમાં સ્પષ્ટપણે કહ્યું છે કે ચીન એ વાતથી અત્યંત ખુશ છે કે હોરમૂઝની ખાડીને હવે કાયમી ધોરણે ખોલી દેવામાં આવી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ આ નિર્ણય માત્ર ચીન માટે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વના હિતમાં લઈ રહ્યા છે, જેથી વૈશ્વિક વેપાર અને તેલની સપ્લાયમાં કોઈ અવરોધ ન આવે. ટ્રમ્પનું માનવું છે કે એવી પરિસ્થિતિ ફરીથી ઊભી ન થવી જોઈએ જ્યાં દુનિયાએ કોઈ વેપારી નાકાબંધીનો સામનો કરવો પડે. આ વ્યૂહાત્મક પગલાથી ચીનને મોટી રાહત મળી છે, કારણ કે તેનો મોટાભાગનો તેલ વેપાર આ દરિયાઈ માર્ગ પર નિર્ભર છે, જેનાથી હવે તણાવ ઘટવાની આશા વધી ગઈ છે.
ઈરાનને હથિયાર ન આપવાનું વચન
ટ્રમ્પના દાવા મુજબ, ચીને હવે ઈરાનને કોઈ પણ પ્રકારના હથિયાર ન મોકલવાનું વચન આપી દીધું છે, જે આ આખી ડીલનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. ટ્રમ્પે લખ્યું કે, “અમે ચીન સાથે મળીને ખૂબ જ સ્માર્ટ રીતે કામ કરી રહ્યા છીએ અને આ પરસ્પર લડવા કરતાં ક્યાંય વધુ સારો રસ્તો છે.” જોકે, અત્યાર સુધી ચીન કે ઈરાન તરફથી આ હથિયાર ડીલને લઈને કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. જો ટ્રમ્પની આ વાત સાચી સાબિત થાય, તો ઈરાન સંપૂર્ણપણે અલગ-થલગ પડી શકે છે અને તેને અમેરિકાની શરતો સામે ઝૂકવા માટે મજબૂર થવું પડશે, જેનાથી મધ્ય પૂર્વના સમીકરણો સંપૂર્ણપણે બદલાઈ શકે છે.
આ પણ વાંચો: 'યુદ્ધ નથી જોઈતું, પણ શરણાગતિ પણ નહીં સ્વીકારીએ' : ઈરાને ટ્રમ્પને આપ્યો સ્પષ્ટ સંદેશ; વાતચીત માટે રાખી શરત
ચીન પ્રવાસ અને ટ્રમ્પની ચેતવણી
રાષ્ટ્રપતિ ટ્રમ્પ આગામી થોડા અઠવાડિયામાં ચીનના પ્રવાસે જવાના છે, જ્યાં તેમને ભવ્ય સ્વાગતની અપેક્ષા છે. તેમણે પોતાની પોસ્ટના અંતમાં એ પણ લખ્યું કે, “અમે સાથે મળીને કામ કરી રહ્યા છીએ, પરંતુ દુનિયાએ એ યાદ રાખવું જોઈએ કે જો જરૂર પડશે તો અમે લડવામાં પણ કોઈ પણ બીજા દેશ કરતાં વધુ માહિર છીએ.” ટ્રમ્પનું આ નિવેદન દર્શાવે છે કે તેઓ કૂટનીતિ અને તાકાત બંનેનો ઉપયોગ સાથે કરવાની વ્યૂહરચના પર ચાલી રહ્યા છે. હાલમાં આ જાહેરાતે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં એક નવી ચર્ચા છેડી દીધી છે કે શું ખરેખર ચીન અને અમેરિકા વચ્ચે બધું ઠીક થવાનું છે, કે પછી આ માત્ર એક કામચલાઉ શાંતિ છે?





