યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે મોટો આર્થિક નિર્ણય જાહેર કર્યો છે. તેમણે આયાતી મધ્યમ અને ભારે ટ્રકો તેમજ તેમના સ્પેર પાર્ટ્સ પર 25% નવો ટેરિફ લાદવાનો આદેશ આપ્યો છે, જે 1 નવેમ્બરથી અમલમાં આવશે. આ સાથે આયાતી બસો પર પણ 10% ટેરિફ લાગુ થશે.
વ્હાઇટ હાઉસના અધિકારીઓએ જણાવ્યું કે આ પગલું રાષ્ટ્રીય સુરક્ષાના હેતુસર લેવામાં આવ્યું છે. ટ્રમ્પ પ્રશાસનનું માનવું છે કે આ નીતિથી વધુ ઓટો ઉત્પાદન યુનાઇટેડ સ્ટેટ્સમાં જ ખસેડવામાં આવશે. જોકે આ નિર્ણય મેક્સિકો માટે મોટો આર્થિક ઝટકો સાબિત થઈ શકે છે, કારણ કે તે યુએસમાં મધ્યમ અને ભારે ટ્રકોનો સૌથી મોટો નિકાસકાર છે.
ટ્રમ્પના આદેશમાં શું છે ખાસ?
ટ્રમ્પના નવા આદેશ મુજબ, યુએસ ઓટોમેકર્સને 2030 સુધીમાં યુએસમાં એસેમ્બલ થયેલા વાહનો માટે સૂચિત કિંમતના 3.75% ક્રેડિટ મળશે. આ ક્રેડિટ આયાતી ભાગો પર લાગતા ટેરિફના વધારાના ખર્ચને સંતુલિત કરવામાં મદદ કરશે.
તે સિવાય, યુએસ એન્જિન ઉત્પાદન અને મધ્યમ તથા ભારે ટ્રક ઉત્પાદન માટે પણ આ 3.75% ક્રેડિટ લંબાવવામાં આવી છે. ટ્રમ્પે જણાવ્યું કે આ નીતિથી અમેરિકન ઉદ્યોગોને “અન્યાયી વિદેશી સ્પર્ધા” સામે રક્ષણ મળશે.
કયા વાહનો પર લાગશે નવો ટેરિફ?
નવા ટેરિફ હેઠળ શ્રેણી 3 થી 8 સુધીના તમામ પ્રકારના ટ્રકોનો સમાવેશ થાય છે. આમાં મોટા પિકઅપ ટ્રક, કાર્ગો ટ્રક, મૂવિંગ ટ્રક, ડમ્પ ટ્રક અને 18-વ્હીલ ટ્રેક્ટર જેવી વાહનો આવરી લેવામાં આવ્યા છે.
આ નિર્ણયથી પેકાર (PACCAR)ની માલિકીની પીટરબિલ્ટ (Peterbilt) અને કેનવર્થ (Kenworth) તથા ડેમલર ટ્રક (Daimler Truck)ની માલિકીની ફ્રેઇટલાઇનર (Freightliner) જેવી અમેરિકન કંપનીઓને ફાયદો થશે.
યુએસ ચેમ્બર ઓફ કોમર્સનો વિરોધ
ટ્રમ્પના આ નિર્ણયનો યુએસ ચેમ્બર ઓફ કોમર્સે વિરોધ વ્યક્ત કર્યો હતો. સંસ્થાએ પ્રમુખને અપીલ કરી હતી કે ટ્રક આયાત પર નવા ટેરિફ ન લગાડવામાં આવે. તેમના જણાવ્યા મુજબ, ટોચના પાંચ આયાત સ્ત્રોતો — મેક્સિકો, કેનેડા, જાપાન, જર્મની અને ફિનલેન્ડ, બધા અમેરિકાના સાથી દેશો છે અને રાષ્ટ્રીય સુરક્ષાને કોઈ ખતરો નથી પહોંચાડતા.
ઓટોમેકર્સને રાહત પણ મળશે
આ આદેશ હેઠળ જીએમ (GM), ફોર્ડ (Ford), ટોયોટા (Toyota), સ્ટેલાન્ટિસ (Stellantis), હોન્ડા (Honda) અને ટેસ્લા (Tesla) જેવી ઓટોમેકર્સને આયાતી ઓટો પાર્ટ્સ પર અગાઉ લાગુ ટેરિફમાંથી નાણાકીય રાહત પણ મળશે.
વાણિજ્ય વિભાગના મુજબ, એપ્રિલ 2026 સુધી, લાયકાત ધરાવતા યુએસ એસેમ્બલ વાહનોના મૂલ્યના 3.75% ઓફસેટ આપવામાં આવશે. ત્યારબાદ, આગામી વર્ષથી તે દર 2.5% રહેશે.
સેનેટર બર્ની મોરેનોનો પ્રતિભાવ
રિપબ્લિકન સેનેટર બર્ની મોરેનોએ જણાવ્યું કે સુધારેલા ક્રેડિટનો સમયગાળો હવે પાંચ વર્ષ સુધી લંબાવાયો છે અને આખા સમયગાળામાં તે 3.75% જ રહેશે. તેમની દલીલ મુજબ, આ પગલાથી ઓટોમેકર્સ માટે રોકાણ વધુ ફાયદાકારક બનશે અને કંપનીઓને ઉત્પાદન યુનાઇટેડ સ્ટેટ્સમાં ખસેડવા માટે પ્રોત્સાહન મળશે.



















