Chinese spying fears: વૈશ્વિક રાજકારણના બે સૌથી શક્તિશાળી દેશો અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધો ભલે બહારથી ગમે તેટલા સૌહાર્દપૂર્ણ દેખાતા હોય, પરંતુ તેમની વચ્ચેનો આંતરિક અવિશ્વાસ ફરી એકવાર સપાટી પર આવ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના બે દિવસીય હાઈ-પ્રોફાઈલ ચીન પ્રવાસના અંતે બેજિંગ એરપોર્ટ પર એક અત્યંત ચોંકાવનારો અને અસાધારણ નજારો જોવા મળ્યો હતો. રાષ્ટ્રપતિ ટ્રમ્પના સત્તાવાર વિમાન 'એર ફોર્સ વન' (Air Force One) માં સવાર થતાં પહેલાં, વ્હાઇટ હાઉસના સ્ટાફ, સિક્રેટ સર્વિસના એજન્ટો અને તેમની સાથે આવેલા પત્રકારોની ટીમે ચીન સરકાર તરફથી મળેલી તમામ ભેટ-સોગાદો, સ્ટાફ બર્નર ફોન, સત્તાવાર આઈડી બેજ અને લેપલ પિન્સ વિમાનની સીડીઓ પાસે રાખેલી કચરાપેટીમાં (ડસ્ટબિન) પધરાવી દીધી હતી.
આ આખી ઘટના વ્હાઇટ હાઉસના પ્રેસ પૂલના પત્રકારોની નજરે પડી હતી. ન્યૂયોર્ક પોસ્ટના વ્હાઇટ હાઉસ સંવાદદાતા એમિલી ગુડિને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આ અંગે પોસ્ટ કરતા લખ્યું કે, "ચીનની કોઈ પણ વસ્તુને પ્લેનમાં લઈ જવાની મંજૂરી નથી." અમેરિકી પ્રતિનિધિમંડળે ચીન છોડતા પહેલાં તેમના યજમાનો દ્વારા આપવામાં આવેલી એક-એક નાની-મોટી સ્મરણાત્મક ભેટો પણ એરપોર્ટ પર જ ફેંકી દીધી હતી. આ કડક આદેશ પાછળ ચીનની અત્યંત આધુનિક સાયબર જાસૂસી અને ડેટા ચોરી કરવાની ક્ષમતાઓ સામે અમેરિકી સુરક્ષા એજન્સીઓનો ડર જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે.
સ્માર્ટફોન જ નહીં, સાધારણ બેજ અને પિનમાં પણ જાસૂસી ડિવાઇસ હોવાની આશંકા!
અમેરિકી ઇન્ટેલિજન્સ એજન્સીઓ અને સિક્રેટ સર્વિસને શંકા હતી કે ચીન દ્વારા સત્તાવાર એક્સેસ માટે આપવામાં આવેલા આઈડી બેજ, વીઆઈપી પિન્સ અથવા સોવેનિયર્સ (ભેટની વસ્તુઓ) ની અંદર અત્યંત માઇક્રો ટ્રેકિંગ ચિપ, માલવેર અથવા ઓડિયો રેકોર્ડિંગ ડિવાઇસ છુપાવેલા હોઈ શકે છે. ભૂતકાળમાં પણ ચીન દ્વારા આવી પદ્ધતિઓથી જાસૂસી કરવાના કિસ્સા સામે આવી ચૂક્યા છે. સુરક્ષા પ્રોટોકોલ એટલો કડક હતો કે એપલના સીઈઓ ટિમ કૂક અને ન્વિદિયાના સીઈઓ જેન્સન હુઆંગ જેવા દિગ્ગજો તેમજ વ્હાઇટ હાઉસના કોમ્યુનિકેશન ડિરેક્ટર સ્ટીવન ચ્યુંગ, જેઓ આખા પ્રવાસ દરમિયાન ચીન દ્વારા આપવામાં આવેલો ડેલિગેશન બેજ પહેરીને ફરતા હતા, તેમણે પણ વિમાનમાં ચડતા પહેલા પોતાનો બેજ કચરાપેટીમાં ફેંકવો પડ્યો હતો.
ISISના વૈશ્વિક નેટવર્કને ભારે ફટકો!: ટ્રમ્પના આદેશે આફ્રિકામાં ટોચનો આતંકી ઢેર!
અંગત ફોન અમેરિકા જ મુકીને આવ્યા હતા અધિકારીઓ: માત્ર 'ક્લીન બર્નર ફોન'નો જ ઉપયોગ
સાયબર સુરક્ષાની અગમચેતીના ભાગરૂપે, ટ્રમ્પની આખી ટીમ અને વ્હાઇટ હાઉસના સ્ટાફે ચીન પ્રવાસે રવાના થતા પહેલાં જ પોતાના અંગત કમ્પ્યુટર્સ, ટેબ્લેટ્સ અને સ્માર્ટફોન અમેરિકામાં જ રાખ્યા હતા. ચીનમાં બે દિવસના રોકાણ દરમિયાન ઓફિશિયલ કામકાજ કરવા માટે તેમને ખાસ હંગામી 'ક્લીન બર્નર ફોન્સ' (ટેમ્પરરી ડિવાઈસ) આપવામાં આવ્યા હતા. પ્રવાસ પૂરો થતાં જ આ તમામ ફોનનો નિકાલ એરપોર્ટ પર જ કરી દેવાયો હતો, જેથી અમેરિકા પાછા ફરતી વખતે એર ફોર્સ વનના નેટવર્ક કે વ્હાઇટ હાઉસની કોઈ સિસ્ટમમાં ચીની હેકર્સ ઘૂસણખોરી ન કરી શકે.





