Why Donald Trump Paused Strikes On Iran: 23 જુલાઈના રોજ ઈરાન સામે સતત 13મી રાત્રે સૈન્ય હુમલા કરવાના થોડા કલાકો પહેલાં જ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યો હતો કે આનાથી પણ વધુ સખત જવાબ આપી શકાય છે. મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે ઈરાનને હજુ 'પૂરતું નુકસાન નથી પહોંચ્યું' અને જાહેરાત કરી હતી, "હું એક મોટા હુમલા પર વિચાર કરી રહ્યો છું. પહેલા કરતાં પણ વધુ મોટો. હું નિર્ણય લેવાની નજીક છું અને અમે આ માટે સંપૂર્ણપણે તૈયાર છીએ."
ટ્રમ્પે હુમલાનો પ્લાન રોક્યો
જોકે, વાશિંગ્ટને જેને ઈરાની સૈન્ય મથકો ગણાવ્યા હતા તે જગ્યાઓને નિશાન બનાવીને અમેરિકી સેનાએ હુમલાનો વધુ એક રાઉન્ડ ચલાવ્યો હતો, પરંતુ તે પછીના જ દિવસે ટ્રમ્પ વહીવટીતંત્રે અચાનક પોતાનું વલણ બદલી નાખ્યું. પેન્ટાગોન તરફથી નવા મિલિટરી ઓપ્શન્સ (સૈન્ય વિકલ્પો) તૈયાર કરવામાં આવ્યા હોવા છતાં, ટ્રમ્પે 14મી રાતના હુમલાનો પ્લાન અટકાવી દીધો.
આ વ્યક્તિની સલાહ પર બદલ્યો નિર્ણય
‘એક્સિઓસ’ (Axios) ના એક અહેવાલ મુજબ, આ ફેરફાર પાછળનું એક મોટું કારણ યુએસ સેન્ટ્રલ કમાન્ડના કમાન્ડર એડમિરલ બ્રેડ કૂપરનું આંકલન હતું. અહેવાલો અનુસાર, કૂપરે સલાહ આપી હતી કે 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' (હાર્મુઝની સમુદ્રધૂની) આસપાસ બોમ્બમારો કરીને મોટાભાગના લક્ષ્યો પ્રાપ્ત કરી લેવાયા છે અને હવે આગળ હવાઈ હુમલા કરવાથી મર્યાદિત સૈન્ય ફાયદો જ થશે.
ઈરાદો બદલવા પાછળનો તર્ક
અહેવાલમાં જણાવાયું છે કે કૂપરે વરિષ્ઠ અધિકારીઓને જણાવ્યું હતું કે 2 અઠવાડિયાના આ અભિયાને આ વિસ્તારમાં જહાજો માટે ખતરો ઊભો કરવાની ઈરાનની ક્ષમતાને નોંધપાત્ર રીતે નબળી પાડી દીધી છે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે નિર્ધારિત સૈન્ય લક્ષ્યોમાંથી મોટાભાગના લક્ષ્યો પર પહેલાથી જ હુમલો કરી દેવામાં આવ્યો છે. જોકે, ઓળખવામાં આવેલા લક્ષ્યોમાંથી લગભગ 20 ટકા હજુ પણ બાકી હતા, પરંતુ તેમણે સૂચન કર્યું કે તેના પર હુમલો કરવા માટે વર્તમાન અભિયાન ચાલુ રાખવાને બદલે મોટા પાયાના યુદ્ધ અભિયાનો તરફ પાછા ફરવું પડશે.
આ કારણ પણ હતું મહત્વનું...!
ટ્રમ્પના સૈન્ય કાર્યવાહી રોકનારા નિર્ણયોને પ્રભાવિત કરનારા અનેક પરિબળોમાંથી આ ભલામણ એક હતી. અહેવાલોમાંથી એ પણ સામે આવ્યું છે કે જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફના અધ્યક્ષ જનરલ ડેન કેને વહીવટીતંત્રને ચેતવણી આપી હતી કે એર ડિફેન્સ ઇન્ટરસેપ્ટર મિસાઇલોનો પુરવઠો ઘટી રહ્યો છે, જેનાથી અમેરિકી સેના અને પ્રાદેશિક ભાગીદારો (રીજનલ પાર્ટનર્સ) ની સુરક્ષા પર અસર પડી શકે છે.
કેવી રીતે ખુલશે 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' ?
બીજી તરફ, સૈન્ય કાર્યવાહી રોકવાની સાથે સાથે રાજદ્વારી પ્રયાસો પણ ચાલુ છે. ઈરાન અને ઓમાન 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' ને સુરક્ષિત રીતે ફરીથી ખોલવા સાથે જોડાયેલી વ્યવસ્થા પર ચર્ચા કરી રહ્યા છે, જ્યારે અમેરિકી અધિકારીઓનું કહેવું છે કે તેહરાન સાથે વાટાઘાટો ચાલુ છે. અમેરિકા અને બ્રિટન સમુદ્રી માર્ગોને સુરક્ષિત કરવા અને નેવલ માઇન્સ (સમુદ્રી બારૂદી સુરંગો) હટાવવાના હેતુથી એક આંતરરાષ્ટ્રીય પરિષદ (કોન્ફરન્સ) યોજવા પર પણ વિચાર કરી રહ્યા છે.
હાલમાં, બંને પક્ષો એક તણાવપૂર્ણ શાંતિની સ્થિતિમાં દેખાઈ રહ્યા છે, જોકે આવનારા અઠવાડિયામાં કૂટનીતિ સફળ થશે કે પછી સૈન્ય અભિયાન ફરી શરૂ થશે તેને લઈને અનિશ્ચિતતા બનેલી છે.





