Home International Typhoon Noul China Heavy Rain Flood Landslide News

145 કિમીની ઝડપે ફૂંકાયો પવન, 150થી વધુ ફ્લાઇટ્સ રદ : દક્ષિણ ચીનમાં ત્રાટક્યું વિનાશક 'નોઉલ' વાવાઝોડું! ભારે પૂર અને ભૂસ્ખલનમાં 10નાં મોત

Typhoon Noul China
Image Credit: x
Published by: Nirali Gohil
Last Updated: Jul 27, 2026, 07:28 AM IST

Typhoon Noul China: દક્ષિણ ચીનમાં આ વર્ષની સૌથી શક્તિશાળી કુદરતી આફતોમાંની એક તરીકે ગણાતું ટાઈફૂન 'નોઉલ' (Typhoon Noul) રવિવારે વહેલી સવારે ગુઆન્ગડોન્ગ પ્રાંતના દરિયાકાંઠે ત્રાટકતાં ભારે વિનાશ સર્જાયો છે. વાવાઝોડાની સાથે આવેલા મૂશળધાર વરસાદ, તેજ પવન, અચાનક આવેલા પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા હોવાનું ચીની મીડિયાએ જણાવ્યું છે. વાવાઝોડાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને લાખો લોકોને અગાઉથી સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા, જ્યારે ટ્રેન અને વિમાન સેવાઓ પણ સ્થગિત કરવામાં આવી હતી. ચીનના દક્ષિણ ભાગમાં આવેલા ગુઆન્ગડોન્ગ અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી વાવાઝોડાની આશંકાને પગલે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. ટાઈફૂન દરિયાકાંઠે પહોંચે તે પહેલાં જ તંત્ર દ્વારા મોટા પાયે બચાવ અને સ્થળાંતરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેમ છતાં ભારે વરસાદ અને કુદરતી આફતોના કારણે જાનહાનિ અને મોટા પાયે નુકસાનના અહેવાલો સામે આવ્યા છે.

હુઈઝોઉ શહેરમાં ભૂસ્ખલન, પૂરથી 10નાં મોત

ચીનની સરકારી સમાચાર એજન્સી શિનહુઆ અનુસાર, ટાઈફૂન નોઉલના કારણે ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં અચાનક પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓ બની હતી. ગુઆન્ગડોન્ગ પ્રાંતના હુઈઝોઉ શહેર સહિત અનેક વિસ્તારોમાં પહાડી વિસ્તારોમાંથી ભેખડો ધસી પડ્યા હતા. તે ઉપરાંત ગાન્સુ પ્રાંતમાં પણ ભારે વરસાદને કારણે આવેલા પૂરમાં 10 લોકોના મોત થયાની માહિતી સામે આવી છે. રાહત અને બચાવ ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત કામગીરી કરી રહી છે અને નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે.

લાખો લોકોને પહેલેથી જ સુરક્ષિત સ્થળે ખસેડાયા

વાવાઝોડાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગુઆન્ગડોન્ગ પ્રાંતમાં લાખો લોકોને જોખમી વિસ્તારોમાંથી સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા. સરકારી પ્રસારણ માધ્યમ CCTVના અહેવાલ મુજબ, માત્ર શનિવાર બપોર સુધીમાં જ આશરે 3.40 લાખ લોકોને સલામત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા. સ્થાનિક તંત્ર દ્વારા દરિયાકાંઠાના વિસ્તારો, નીચાણવાળા પ્રદેશો અને ભૂસ્ખલનની સંભાવના ધરાવતા વિસ્તારોમાં રહેતા લોકોને સમયસર ખાલી કરાવવામાં આવ્યા હતા, જેના કારણે મોટી જાનહાનિ ટાળવામાં મદદ મળી હોવાનું માનવામાં આવે છે.

આ પણ વાંચો: ગોરખપુર-સિલીગુડી એક્સપ્રેસવેની સંપૂર્ણ માહિતી : કયા રાજ્યો અને જિલ્લાઓમાંથી પસાર થશે, મુસાફરીનો સમય કેટલો ઘટશે અને પ્રોજેક્ટની ખાસ વાતો જાણો

145થી 162 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયા પવન

ચીનના નેશનલ મેટિયોરોલોજિકલ સેન્ટર મુજબ, ટાઈફૂન નોઉલ રવિવારે સ્થાનિક સમય અનુસાર સવારે લગભગ 3:50 વાગ્યે ગુઆન્ગડોન્ગ પ્રાંતના હુઈડોંગ કાઉન્ટીના દરિયાકાંઠે ત્રાટક્યું હતું. હોંગકોંગ ઓબ્ઝર્વેટરીના જણાવ્યા અનુસાર વાવાઝોડાના કેન્દ્ર નજીક પવનની મહત્તમ ઝડપ 145 કિલોમીટર પ્રતિ કલાક નોંધાઈ હતી, જ્યારે કેટલાક વિસ્તારોમાં પવનની ઝડપ 162 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી હતી. ત્યારબાદ વાવાઝોડું અંદરના વિસ્તારો તરફ આગળ વધતાં તેની તીવ્રતા ધીમે ધીમે ઓછી થવા લાગી હતી.

?s=20

ટ્રેન અને ફ્લાઇટ સેવાઓ પર મોટી અસર

વાવાઝોડાના કારણે સમગ્ર ગુઆન્ગડોન્ગ પ્રાંતમાં હાઈ-સ્પીડ ટ્રેન સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી. ઉપરાંત અનેક વિસ્તારોમાં જાહેર પરિવહન પણ પ્રભાવિત થયો હતો.

હોંગકોંગ એરપોર્ટની વેબસાઇટ અનુસાર શનિવાર અને રવિવાર દરમિયાન 150થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. હવામાન સામાન્ય ન થાય ત્યાં સુધી કેટલીક સેવાઓ પ્રભાવિત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

રેડ એલર્ટ બાદ ઓરેન્જ અને યેલો એલર્ટ

ચીનના નેશનલ વેધર સેન્ટરે વાવાઝોડું ત્રાટકે તે પહેલાં રેડ એલર્ટ જાહેર કર્યું હતું, જે ચાર સ્તરની ચેતવણી પ્રણાલીમાં સૌથી ગંભીર માનવામાં આવે છે. વાવાઝોડું નબળું પડતાં એલર્ટને બાદમાં ઓરેન્જ અને ત્યારબાદ યેલો સ્તરે ઘટાડવામાં આવ્યું હતું. ચીનની ચેતવણી પ્રણાલીમાં રેડ સૌથી ઉચ્ચ જોખમનું પ્રતીક છે, ત્યારબાદ ઓરેન્જ, યેલો અને બ્લુ એલર્ટનો ક્રમ આવે છે.

આ પણ વાંચો: દેશના લાખો વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર! : પેપર લીક વિરુદ્ધ નવું બિલ સંસદમાં રજૂ, વિપક્ષના હોબાળાથી કાર્યવાહી અટકી

કેન્દ્ર સરકારે રાહત માટે કરોડોનું ભંડોળ ફાળવ્યું

વાવાઝોડા બાદ રાહત અને પુનઃસ્થાપન કામગીરીને વેગ આપવા માટે ચીનની નેશનલ ડેવલપમેન્ટ એન્ડ રિફોર્મ કમિશને કેન્દ્રીય બજેટમાંથી 10 કરોડ યુઆન (લગભગ 1.47 કરોડ અમેરિકી ડોલર)નું ભંડોળ મંજૂર કર્યું છે. આ રકમનો ઉપયોગ અસરગ્રસ્ત વિસ્તારોમાં રસ્તા, વીજળી, પાણી અને અન્ય આવશ્યક સુવિધાઓ પુનઃસ્થાપિત કરવા તેમજ રાહત કામગીરી માટે કરવામાં આવશે.

?s=20

આ વર્ષનું સૌથી શક્તિશાળી વાવાઝોડું

ચીની હવામાન વિભાગના જણાવ્યા મુજબ નોઉલ આ વર્ષનું 12મું અને અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી ટાઈફૂન માનવામાં આવી રહ્યું છે. હવામાન નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે, વાવાઝોડું નબળું પડવા છતાં આગામી દિવસોમાં દક્ષિણ ચીનના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ અને પૂર જેવી સ્થિતિ યથાવત રહી શકે છે. સ્થાનિક વહીવટી તંત્ર લોકોને નદીઓ, દરિયાકાંઠા અને ભૂસ્ખલનની સંભાવના ધરાવતા વિસ્તારોમાં ન જવાની અપીલ કરી રહ્યું છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી હજુ પણ સતત ચાલુ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now