France forest fires: યુરોપના બે મોટા દેશો ફ્રાન્સ અને સ્પેન હાલમાં ભયાનક જંગલ આગની ઝપેટમાં છે. આગ એટલી વિકરાળ બની ગઈ છે કે ત્રણ લાખથી વધુ લોકોને પોતાના ઘર છોડવા પડ્યા છે, જ્યારે અંદાજે અઢી લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. સ્થિતિને ધ્યાનમાં રાખીને સ્પેને તેના ઇતિહાસમાં પ્રથમ વખત રાષ્ટ્રીય વાઇલ્ડફાયર ઇમરજન્સી જાહેર કરી છે.
ફ્રાન્સમાં રેકોર્ડબ્રેક વિનાશ
ફ્રાન્સના બોર્ડો (Bordeaux) નજીક રવિવારે જંગલમાં લાગેલી આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. અત્યાર સુધીમાં લગભગ 98 હજાર હેક્ટરથી વધુ વિસ્તાર આગમાં બળી ગયો હોવાનું જણાવાયું છે, જે દેશના ઇતિહાસમાં જંગલ આગનો સૌથી મોટો વિનાશ માનવામાં આવી રહ્યો છે. આગને કાબૂમાં લેવા માટે હજારો ફાયરફાઇટર, સુરક્ષાકર્મી અને સૈનિકોને તૈનાત કરવામાં આવ્યા છે. ફાયરફાઇટિંગ એરક્રાફ્ટ દ્વારા સતત પાણી અને અગ્નિશામક રસાયણોનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.
સ્પેનમાં પ્રથમ વખત નેશનલ વાઇલ્ડફાયર ઇમરજન્સી
સ્પેનમાં મેડ્રિડ અને એવિલા નજીક લાગેલી આગે હજારો હેક્ટર વિસ્તારને પોતાની ઝપેટમાં લઈ લીધો છે. વધતી ગંભીર પરિસ્થિતિને જોતા સરકારે દેશના ઇતિહાસમાં પ્રથમ વખત રાષ્ટ્રીય વાઇલ્ડફાયર ઇમરજન્સી જાહેર કરી છે.
વડાપ્રધાન પેડ્રો સાંચેઝે જણાવ્યું કે અત્યાર સુધીમાં 1.30 લાખ હેક્ટરથી વધુ જમીન આગમાં બળી ગઈ છે. તેજ પવનના કારણે આગ વધુ ઝડપથી ફેલાઈ રહી છે.
હજારો લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા
સ્પેનના પૂર્વીય શહેર વેલેન્સિયા નજીક પણ આગની નવી ઘટના સામે આવી છે, જેના કારણે 15 હજારથી વધુ લોકોને સ્થળાંતર કરાવવું પડ્યું.
મેડ્રિડ અને આસપાસના વિસ્તારો સહિત સમગ્ર દેશમાં અત્યાર સુધીમાં 1.16 લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. ફ્રાન્સ અને સ્પેનને મળીને ત્રણ લાખથી વધુ લોકો આ આપત્તિથી સીધા પ્રભાવિત થયા છે.
યુરોપિયન દેશો મદદે આવ્યા
યુરોપિયન યુનિયનના અનેક દેશોએ ફ્રાન્સ અને સ્પેનને મદદ મોકલી છે. આગ બુઝાવવા માટે વિશેષ વિમાનો, હેલિકોપ્ટર, ફાયરફાઇટિંગ ટીમો અને બચાવ સાધનો મોકલવામાં આવ્યા છે.
યુરોપિયન કમિશનની અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયને જણાવ્યું કે ફ્રાન્સને મદદરૂપ થવા માટે પાંચ ફાયરફાઇટિંગ વિમાનો અને બે હેલિકોપ્ટર મોકલવામાં આવ્યા છે.
હજારો જવાનો અને ફાયરફાઇટર્સ મેદાને
ફ્રાન્સમાં આગ પર કાબૂ મેળવવા માટે અંદાજે:
1,500થી વધુ સૈનિકો
1,700 સુરક્ષાકર્મીઓ
1,400થી વધુ ફાયરફાઇટર્સ
સતત બચાવ અને અગ્નિશામક કામગીરીમાં જોડાયેલા છે. અનેક વિસ્તારોમાં આગ હજુ પણ સંપૂર્ણપણે કાબૂમાં આવી નથી.
આ પણ વાંચો: હોર્મુઝ સ્ટ્રેટમાં ધડાકાના અહેવાલથી ખળભળાટ : ઓઇલ ટેન્કર દરિયાઈ માઇન સાથે અથડાયું હોવાનો દાવો
શા માટે વધી રહી છે જંગલ આગની ઘટનાઓ?
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર યુરોપમાં સતત વધી રહેલા તાપમાન, લાંબા સમયથી ચાલતી ગરમીની લહેર અને સૂકું વાતાવરણ જંગલ આગને વધુ વિકરાળ બનાવે છે. તેજ પવન આગને ઝડપથી ફેલાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે, જેના કારણે બચાવ કામગીરી વધુ મુશ્કેલ બની જાય છે.





