Home International Trump Iran Peace Talks 2026 Meeting Islamabad High Profile Team Sent For Talks To Stop War

આખરે ટ્રમ્પ શાંત પડ્યા! : યુદ્ધ રોકવા ઈરાની નેતાઓને મળવા ટ્રમ્પ પોતે તૈયાર, વાટાઘાટો માટે હાઈ-પ્રોફાઈલ ટીમ મોકલી

Trump Iran War Peace Talks
Published by: Nirali Gohil
Last Updated: Apr 21, 2026, 09:27 AM IST

Trump Iran War: મધ્ય-પૂર્વ એશિયામાં સર્જાયેલા યુદ્ધના વાદળો વચ્ચે આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં ગરમાવો આવ્યો છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને રોકવા માટે વોશિંગ્ટન અત્યારે મરણિયા પ્રયાસો કરી રહ્યું છે. વોશિંગ્ટન સમય મુજબ બુધવારે સાંજે યુદ્ધવિરામની સમયમર્યાદા સમાપ્ત થઈ રહી છે, ત્યારે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અત્યંત મહત્વનું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે જાહેરાત કરી છે કે જો વાટાઘાટોમાં કોઈ હકારાત્મક પ્રગતિના સંકેતો દેખાશે, તો તેઓ વ્યક્તિગત રીતે ઈરાની નેતાઓ સાથે ટેબલ ટોક કરવા માટે તૈયાર છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે આખું વિશ્વ ત્રીજા વિશ્વયુદ્ધની આશંકાથી ફફડી રહ્યું છે.

બીજી તરફ, ઈરાને પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં યોજાનારી આગામી રાઉન્ડની વાટાઘાટોનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે. આમ છતાં, ટ્રમ્પે પીછેહઠ કરવાને બદલે પોતાની સૌથી મજબૂત 'હાઈ-પ્રોફાઈલ' ટીમ પાકિસ્તાન મોકલી દીધી છે. આ ટીમમાં વાઈસ પ્રેસિડેન્ટ જેડી વેન્સ, ખાસ દૂત સ્ટીવ વિટકોફ અને ટ્રમ્પના વિશ્વાસુ સલાહકાર જેરેડ કુશનરનો સમાવેશ થાય છે. ટ્રમ્પનું માનવું છે કે જો સંવાદ જારી રહેશે તો જ યુદ્ધ ટાળી શકાશે. જોકે, તેમણે સ્પષ્ટ ચેતવણી પણ આપી છે કે આ છેલ્લી તક છે, જો સમજૂતી નહીં થાય તો ફરીથી બોમ્બમારો શરૂ થઈ શકે છે.

પરમાણુ હથિયાર: ટ્રમ્પની એકમાત્ર 'નો-નેગોશિયેબલ' શરત

ડોનાલ્ડ ટ્રમ્પે વાટાઘાટોના ટેબલ પર પત્તા ખોલી દીધા છે. તેમની મુખ્ય માંગણી એક જ છે કે ઈરાન કોઈપણ ભોગે પરમાણુ હથિયારો બનાવવાની પ્રક્રિયા બંધ કરે અને તેના હથિયારોનો ત્યાગ કરે. ટ્રમ્પે અત્યંત કડક શબ્દોમાં કહ્યું છે કે, "પરમાણુ હથિયારોથી છુટકારો મેળવો, તે ખૂબ જ સરળ છે. ઈરાન પાસે પરમાણુ હથિયાર નહીં હોય તે બાબતે અમે મક્કમ છીએ." તેમણે ઈરાનને લાલચ આપતા એમ પણ કહ્યું કે જો ઈરાન પરમાણુ કાર્યક્રમ છોડશે તો અમે તેને સમૃદ્ધ દેશ બનાવવામાં મદદ કરીશું, પરંતુ જો ઈરાન પોતાની જીદ પર અડગ રહેશે તો પરિણામ 'ભયાનક' આવશે.

આ પણ વાંચો: માત્ર 24 કલાકનો સમય અને ફરી શરૂ થશે મહાયુદ્ધ? : નેતન્યાહુએ કહ્યું- 'ઈરાનમાં અમારું કામ હજુ બાકી છે', ટ્રમ્પે પણ આપી કડક ચેતવણી

યુદ્ધવિરામની ડેડલાઇન: બોમ્બમારો શરૂ થવાની ભીતિ

ટ્રમ્પે મીડિયા સમક્ષ સ્વીકાર્યું છે કે યુદ્ધવિરામ લંબાવવાની શક્યતાઓ અત્યંત ઓછી જણાઈ રહી છે. તેમણે ચેતવણી આપી છે કે જો સમયમર્યાદા પહેલા કોઈ મધ્યસ્થી કે સમજૂતી નહીં થાય તો ફરીથી આક્રમક સૈન્ય કાર્યવાહી શરૂ થશે. અગાઉ પણ ટ્રમ્પ ઈરાનના વ્યૂહાત્મક મહત્વના બ્રિજ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પાવર પ્લાન્ટ્સને નેસ્તનાબૂદ કરવાની ધમકી આપી ચૂક્યા છે. અમેરિકી સેના અત્યારે હાઈ-એલર્ટ પર છે અને યુદ્ધવિરામ પૂરો થતાની સાથે જ મોટા હુમલાની તૈયારીમાં છે.

ઈરાનનું વલણ: "ધમકીના માહોલમાં વાતચીત નહીં"

ઈરાને અમેરિકાની આ રણનીતિ સામે આકરો વાંધો ઉઠાવ્યો છે. ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બાઘેર કાલીબાફે એક નિવેદનમાં જણાવ્યું છે કે અમેરિકા અયોગ્ય માંગણીઓ કરીને ઈરાન પર દબાણ બનાવી રહ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ઈરાન ક્યારેય ધમકીઓના દબાણ હેઠળ આવીને વાતચીત કરશે નહીં. કાલીબાફે હૂંકાર કર્યો છે કે જો યુદ્ધ લંબાશે તો ઈરાન પણ મેદાનમાં 'નવા પત્તા' ખોલવા તૈયાર છે, જેનો અર્થ છે કે ઈરાન પાસે પણ હજુ એવા હથિયારો કે રણનીતિ છે જે તેણે જાહેર કરી નથી.

ગ્લોબલ ઈફેક્ટ: ક્રૂડના ભાવમાં ભડકો અને આર્થિક સંકટ

આ યુદ્ધની સૌથી મોટી અસર વિશ્વના અર્થતંત્ર પર પડી રહી છે. ખાસ કરીને હોર્મુઝની ખાડીમાં સર્જાયેલા અવરોધોને કારણે તેલના ભાવ આસમાને પહોંચ્યા છે.

  • તેલના ભાવ: યુદ્ધ પહેલા ક્રૂડ $70 પ્રતિ બેરલ હતું, જે હવે વધીને $95 ને પાર કરી ગયું છે.

  • જાનહાનિ: રિપોર્ટ અનુસાર, અત્યાર સુધીના સંઘર્ષમાં ઈરાનમાં ૩,૦૦૦ થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.

  • અસર: જો આગામી ૨૪ કલાકમાં ઈસ્લામાબાદમાં કોઈ રસ્તો નહીં નીકળે, તો વિશ્વના શેરબજારો કડાકા સાથે તૂટી શકે છે અને પેટ્રોલ-ડીઝલના ભાવ સામાન્ય જનતાની પહોંચ બહાર જઈ શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now