Home International Trump Gold Card Visa Program Fails Details Gujarati News

ટ્રમ્પનો 'ગોલ્ડ કાર્ડ' વિઝા પ્રોગ્રામ સુપર ફ્લોપ? : મિલિયનના 'ગોલ્ડ કાર્ડ' વિઝા લેનાર આખી દુનિયામાં માત્ર એક જ વ્યક્તિ!

Trump Gold Card Visa
Published by: Nirali Gohil
Last Updated: Apr 25, 2026, 04:00 AM IST

Trump Gold Card Visa: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ખૂબ જ ગાજવીજ સાથે શરૂ કરવામાં આવેલો ‘ગોલ્ડ કાર્ડ’ વિઝા પ્રોગ્રામ હાલમાં મુશ્કેલીમાં હોય તેવું જણાય છે. "અમેરિકા ફર્સ્ટ" એજન્ડા હેઠળ ધનિકો અને પ્રતિભાશાળી લોકોને આકર્ષવા માટે શરૂ કરાયેલી આ યોજનામાં અત્યાર સુધી માત્ર એક જ વ્યક્તિએ રસ દાખવ્યો હોવાના અહેવાલ છે. વાણિજ્ય સચિવ હાવર્ડ લુટનિકે તાજેતરમાં સંસદીય સમિતિ સમક્ષ આ ચોંકાવનારો ખુલાસો કર્યો છે, જેના કારણે ટ્રમ્પ વહીવટીતંત્રના આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પર સવાલો ઉભા થયા છે.

આ યોજના પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત અને ચીન જેવા દેશોના ઉચ્ચ શિક્ષિત વિદ્યાર્થીઓ અને ધનિક ઉદ્યોગપતિઓને અમેરિકામાં કાયમી વસવાટ માટે આકર્ષવાનો હતો. શરૂઆતમાં આ વિઝાની કિંમત 5 મિલિયન ડોલર રાખવામાં આવી હતી, જે પ્રતિસાદ ન મળતા ઘટાડીને 1 મિલિયન ડોલર (અંદાજે 8.3 કરોડ રૂપિયા) કરવામાં આવી હતી. તેમ છતાં, અગાઉ જે 1300 અરજીઓ વેચાઈ હોવાના દાવા કરવામાં આવ્યા હતા, તેની સામે વાસ્તવિક આંકડો અત્યંત ઓછો હોવાનું બહાર આવ્યું છે.

શું છે આ 'ગોલ્ડ કાર્ડ' વિઝા અને તેના ફાયદા?

ડોનાલ્ડ ટ્રમ્પના આ પ્રોગ્રામ હેઠળ, કોઈપણ વિદેશી નાગરિક 1 મિલિયન ડોલરની ફી ચૂકવીને અમેરિકામાં કાયમી રહેવા અને કામ કરવાનો અધિકાર મેળવી શકે છે. આ કાર્ડ ધારકને મતદાન કરવાના અધિકાર અને અમેરિકન પાસપોર્ટ સિવાયની તમામ સુવિધાઓ એક સામાન્ય અમેરિકન નાગરિકની જેમ જ મળે છે. ટ્રમ્પનું માનવું હતું કે આ રકમનો ઉપયોગ દેશનું દેવું ચૂકવવા અને ટેક્સમાં ઘટાડો કરવા માટે કરવામાં આવશે.

આ પણ વાંચો: ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફેરફાર : અમદાવાદ, સુરત અને રાજકોટના વાહનચાલકો ખાસ વાંચો

EB-1 અને EB-2 વિઝાનું સ્થાન લેશે આ કાર્ડ

કોમર્સ સેક્રેટરીના જણાવ્યા અનુસાર, આ નવો પ્રોગ્રામ હાલના EB-1 (અસાધારણ પ્રતિભા) અને EB-2 (ઉચ્ચ શિક્ષણ ધરાવતા પ્રોફેશનલ્સ) વિઝા શ્રેણીઓનું સ્થાન લઈ શકે છે. સરકારનો પ્લાન જૂની ગ્રીન કાર્ડ શ્રેણીઓ બંધ કરીને આ પેઇડ મોડલને પ્રોત્સાહન આપવાનો છે. આ સિવાય ટ્રમ્પે પ્લેટિનમ કાર્ડ અને કોર્પોરેટ ગોલ્ડ કાર્ડ જેવા અન્ય વિકલ્પો પણ રજૂ કર્યા છે.

વિવિધ કાર્ડ્સ અને તેની કિંમતો પર એક નજર

  • ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ: વ્યક્તિગત રીતે $1 મિલિયન (અંદાજે ₹8.3 કરોડ) આપીને કાયમી વસવાટ.

  • કોર્પોરેટ ગોલ્ડ કાર્ડ: કંપનીઓ પોતાના કર્મચારીઓ માટે મેળવી શકે છે, જેમાં દીઠ $2 મિલિયનનો ખર્ચ થાય છે.

  • ટ્રમ્પ પ્લેટિનમ કાર્ડ (આગામી): વર્ષના 270 દિવસ રહેવાની મંજૂરી અને વિદેશી આવક પર ટેક્સમાં મુક્તિ.

અરજી પ્રક્રિયા અને અન્ય ખર્ચ

રસ ધરાવતા અરજદારોએ સત્તાવાર વેબસાઇટ પર જઈને $15,000ની નોન-રિફંડેબલ પ્રોસેસિંગ ફી ભરવાની રહે છે. જો DHS (ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી) તરફથી મંજૂરી મળે, તો જ બાકીની મોટી રકમ ચૂકવવાની હોય છે. આ યોજનામાં પરિવારના સભ્યોને પણ સામેલ કરી શકાય છે, પરંતુ દરેક સભ્ય દીઠ અલગથી $1 મિલિયન ચૂકવવાના રહે છે.

હાલમાં ભલે માત્ર એક જ વિઝા ઈશ્યુ થયો હોય, પરંતુ સરકારનો દાવો છે કે સેંકડો અરજીઓ હાલમાં 'પ્રોસેસિંગ'માં છે. હવે જોવાનું એ રહેશે કે આગામી સમયમાં વિશ્વના ધનિકો ટ્રમ્પના આ મોંઘા વિઝા પર પસંદગી ઉતારે છે કે નહીં.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now