Iran Israel War: મધ્યપૂર્વમાં છેલ્લા કેટલાક મહિનાથી ચાલી રહેલા ઈરાન-ઈઝરાયેલ અને અમેરિકા સાથે જોડાયેલા તણાવ વચ્ચે હવે એક મહત્વપૂર્ણ રાજકીય અને કૂટનીતિક વળાંક સામે આવ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાન સાથેનું યુદ્ધ અસરકારક રીતે સમાપ્ત થઈ ગયું છે અને શાંતિ કરારના અંતિમ મુદ્દાઓ પર તમામ સંબંધિત પક્ષોએ મંજૂરી આપી દીધી છે. જોકે બીજી તરફ ઈરાને હજુ સુધી કોઈપણ સત્તાવાર કરાર અથવા સમજૂતીપત્રને મંજૂરી આપી હોવાની પુષ્ટિ કરી નથી. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે સમગ્ર મધ્યપૂર્વ ક્ષેત્રમાં સૈન્ય કાર્યવાહી, મિસાઇલ હુમલાઓ અને વ્યૂહાત્મક જળમાર્ગોને લઈને તણાવ ચરમસીમાએ છે. વિશ્વભરના બજારો, ઊર્જા ક્ષેત્ર અને આંતરરાષ્ટ્રીય રાજનીતિ પર પણ આ સંઘર્ષની સીધી અસર જોવા મળી રહી છે.
ટ્રમ્પનો દાવો: શાંતિ કરારના અંતિમ મુદ્દાઓ મંજૂર
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે ઈરાન સામે યોજાનારા કેટલાક સૈન્ય હુમલાઓ રદ કરવામાં આવ્યા છે અને શાંતિ પ્રક્રિયાના અંતિમ મુદ્દાઓ પર સહમતી બની ગઈ છે. ટ્રમ્પના જણાવ્યા અનુસાર અમેરિકા, ઈઝરાયેલ, સાઉદી અરેબિયા, યુએઈ, કતાર, તુર્કી, પાકિસ્તાન, બેહરીન, કુવૈત, જોર્ડન અને ઈજિપ્ત સહિતના દેશોએ આ પ્રક્રિયામાં સહભાગિતા દર્શાવી છે. જોકે ઈરાનની અર્ધ-સરકારી સમાચાર એજન્સી ફાર્સે અહેવાલ આપ્યો છે કે, તેહરાને હજુ સુધી અમેરિકા સાથેના કોઈ પ્રારંભિક સમજૂતીપત્રને મંજૂરી આપી નથી. જેના કારણે યુદ્ધ સમાપ્ત થવાના દાવા અંગે હજુ અનિશ્ચિતતા યથાવત છે.
અમેરિકી ઠેકાણાઓ પર ઈરાનનો જવાબી હુમલો
સંઘર્ષ દરમિયાન ઈરાને બેહરીન, કુવૈત અને જોર્ડનમાં આવેલા અમેરિકી સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવી મિસાઇલ હુમલાઓ કર્યા હોવાનું સામે આવ્યું છે. કુવૈતે સુરક્ષા કારણોસર પોતાનો હવાઈ વિસ્તાર બંધ કરી દીધો હતો. જોર્ડને અલ-અઝરાક વિસ્તારમાં લગભગ 20 મિસાઇલોને અવરોધી હતી. જ્યારે બેહરીનમાં પડેલા મિસાઇલ કાટમાળને કારણે એક 11 વર્ષીય બાળકી ઈજાગ્રસ્ત થઈ હતી અને અનેક મકાનોને નુકસાન પહોંચ્યું હતું.
આ દરમિયાન ઈઝરાયેલે પણ લેબનાન તરફથી સંભવિત હુમલાની ચેતવણી જાહેર કરી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં સુરક્ષા ચિંતાઓ વધી ગઈ છે.
આ પણ વાંચો: 'ભારત પર હુમલામાં વપરાતા હથિયારો તમે વેચો છો': યુરોપમાં જયશંકરે બતાવ્યો અરીસો
ઓમાન નજીક હુમલામાં ત્રણ ભારતીયોના મોત
આ સંઘર્ષની અસર ભારત સુધી પણ પહોંચી છે. ઓમાનના કિનારા નજીક પલાઉ ધ્વજ ધરાવતા એક તેલ ટેન્કર પર થયેલી સૈન્ય કાર્યવાહીમાં ત્રણ ભારતીય નાગરિકોના મોત થયા હોવાનું ભારતીય સત્તાવાળાઓએ પુષ્ટિ કરી છે. આ ઘટના બાદ ભારતીય નાગરિકોની સુરક્ષા અને મધ્યપૂર્વમાં રહેલા લાખો ભારતીયોની સ્થિતિ અંગે ચિંતા વધી છે.
હોર્મુઝ જળમાર્ગ બન્યો વૈશ્વિક ચિંતાનો વિષય
ઈરાને હોર્મુઝ જળમાર્ગ તમામ પ્રકારના જહાજી પરિવહન માટે બંધ હોવાનો દાવો કર્યો છે. જોકે અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM)એ આ દાવાને પડકાર્યો છે. લહોર્મુઝ જળમાર્ગ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ તેલ પરિવહન માર્ગોમાંનો એક છે. ભારત સહિત અનેક દેશો પોતાની ઊર્જા જરૂરિયાતો માટે આ માર્ગ પર નિર્ભર છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે, અમેરિકાએ એક ગુપ્ત અભિયાન ચલાવીને લગભગ 10 કરોડ બેરલ તેલને ઈરાનના નિયંત્રણમાંથી સુરક્ષિત રીતે પસાર કરવામાં સફળતા મેળવી છે.
તેલના ભાવમાં તેજી, વૈશ્વિક અર્થતંત્ર પર અસર
મધ્યપૂર્વના વધતા તણાવની સીધી અસર આંતરરાષ્ટ્રીય કાચા તેલના બજાર પર પડી રહી છે. બ્રેન્ટ ક્રૂડનો ભાવ પ્રતિ બેરલ 93 ડોલરથી ઉપર પહોંચી ગયો છે, જે યુદ્ધ શરૂ થયા બાદ અંદાજે 25 ટકા વધારો દર્શાવે છે.
ઊર્જા નિષ્ણાતો માને છે કે, જો હોર્મુઝ જળમાર્ગમાં અવરોધો યથાવત રહેશે તો વૈશ્વિક બજારોમાં વધુ અસ્થિરતા જોવા મળી શકે છે.
ભારત માટે કેમ મહત્વનો છે આ સંઘર્ષ?
ભારત પોતાની કુલ ક્રૂડ ઓઈલ જરૂરિયાતનો અંદાજે 65થી 70 ટકા હિસ્સો હોર્મુઝ જળમાર્ગ મારફતે આયાત કરે છે. ઉપરાંત બેહરીન અને કુવૈતમાં આશરે 13.5 લાખ ભારતીયો વસવાટ કરે છે. ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો સીફેરર સપ્લાયર દેશ પણ છે, જ્યાંથી 3 લાખથી વધુ નાવિકો વૈશ્વિક જહાજી ઉદ્યોગમાં કાર્યરત છે. તેથી મધ્યપૂર્વમાં વધતો તણાવ ભારત માટે ઊર્જા સુરક્ષા, વિદેશમાં રહેલા ભારતીયોની સલામતી અને કૂટનીતિક સંબંધોના દૃષ્ટિકોણથી અત્યંત મહત્વપૂર્ણ બની ગયો છે.
સ્થિતિ પર વિશ્વની નજર
જોકે ટ્રમ્પે યુદ્ધ સમાપ્ત થવાનો દાવો કર્યો છે, પરંતુ ઈરાન તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર સમર્થન મળ્યું નથી. પરિણામે આંતરરાષ્ટ્રીય સમુદાય હાલ આગામી કૂટનીતિક પગલાં અને બંને પક્ષોની સત્તાવાર જાહેરાતોની રાહ જોઈ રહ્યો છે. મધ્યપૂર્વમાં શાંતિ સ્થાપિત થશે કે ફરી એકવાર તણાવ વધશે, તેના પર હવે સમગ્ર વિશ્વની નજર ટકેલી છે.





