Home Gujarat Rajkot Triple Accident Between Car Pickup And Truck On The Rajkot Limbdi National Highway Resulted In Pileup Of Cars

કાર, પીકઅપ અને ટ્રક વચ્ચે ટ્રિપલ અકસ્માત : રાજકોટ-લીંબડી નેશનલ હાઈવે પર કારનો કચ્ચરઘાણ નીકળ્યો, 2 ના મોત અને 2ની હાલત ગંભીર

કાર, પીકઅપ અને ટ્રક વચ્ચે ટ્રિપલ અકસ્માત
Published by: OBS Bureau
Last Updated: Mar 23, 2026, 03:15 PM IST

સુરેન્દ્રનગર: સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન રાજકોટ-લીંબડી નેશનલ હાઈવે પર આજે કાળમુખો અકસ્માત સર્જાયો છે. ચોટીલા નજીક ત્રણ વાહનો વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા છે. કાર, પીકઅપ વાન અને ટ્રક વચ્ચે સર્જાયેલી આ ટક્કર એટલી ભયાનક હતી કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ દુર્ઘટનામાં અન્ય બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, જેમને હાલમાં તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

અકસ્માતની જાણ થતા જ હાઈવે પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. સ્થાનિકોએ તાત્કાલિક પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરતા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ઇજાગ્રસ્તોની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે, જેના કારણે મૃત્યુઆંક વધવાની આશંકા પણ સેવાઈ રહી છે.

ભયાનક ટક્કર: કારના પતરા ચીરીને મૃતદેહો બહાર કઢાયા

પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટ-લીંબડી હાઈવે પર ચોટીલા પાસે કાર અને પીકઅપ વાન વચ્ચે અકસ્માત થયો હતો, જેમાં પાછળથી આવતી ટ્રક પણ ધડાકાભેર અથડાઈ હતી. આ ટ્રિપલ અકસ્માતમાં કારની હાલત એવી થઈ ગઈ હતી કે તે ઓળખી પણ ન શકાય. કારમાં સવાર બે મુસાફરો ગાડીના પતરા વચ્ચે દબાઈ ગયા હતા અને ગંભીર ઈજાઓને કારણે તેમણે સ્થળ પર જ દમ તોડ્યો હતો. અકસ્માતને પગલે હાઈવે પર ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.

પોલીસ કાફલો ઘટનાસ્થળે: તપાસનો ધમધમાટ શરૂ

ઘટનાની જાણ થતા જ ચોટીલા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ક્રેન અને સ્થાનિકોની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનોને રોડની સાઈડમાં ખસેડીને વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા છે. પોલીસે ગુનો નોંધીને અકસ્માત કયા કારણોસર સર્જાયો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ ઓવરટેક અથવા પૂરઝડપે વાહન ચલાવવાને કારણે આ દુર્ઘટના બની હોવાનું અનુમાન છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now