ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય, ભૂમિ સંસાધન વિભાગના આર્થિક સહયોગ અને બી.એન. યુગાન્ધર ગ્રામીણ અધ્યયન કેન્દ્ર(BNYCRS), લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય પ્રશાસન અકાદમી(LBSNAA) મસુરી અને ગુજરાતના સેન્ટર ઓફ એક્સેલેન્સ ઈન લેન્ડ એડમિનિસ્ટ્રેશન એન્ડ મેનેજમેન્ટ (CoE)ના સંયુક્ત ઉપક્રમે આજથી ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે, કલેક્ટરઓ અને મ્યુનિસિપલ કમિશનરઓ માટે NAKSHA (National geospatial Knowledge based Land Survey of Urban Habitations) પ્રોગ્રામના બે દિવસીય તાલીમ અને વર્કશોપનો પ્રારંભ થયો છે. ગ્રામીણ વિકાસ મંત્રાલયના ભૂમિ સંસાધન સચિવ શૈલેષકુમાર સિંહના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ તેમજ ગુજરાત સરકારના મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ.જયંતિ રવિના પ્રોત્સાહન અને સહયોગથી NAKSHA પ્રોગ્રામના 29- 30 જાન્યુઆરી 2026ના, બે દિવસીય તાલીમ અને વર્કશોપમાં દેશનાં નવ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાંથી થઈને અંદાજે 170 અધિકારીઓ ભાગ લઇ રહ્યા છે.
દેશના આંધ્રપ્રદેશ, છત્તીસગઢ ,ગોવા, ગુજરાત, કર્ણાટક, કેરાલા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુમાંથી અંદાજે 70 અધિકારી અને ગુજરાતના લેન્ડ રેકોર્ડ વિભાગ સાથે સંકળાયેલાં કુલ 100 ફિલ્ડ ઓફિસરો ભાગ લઇ રહ્યા છે. LBSNAAના ડેપ્યુટી ડાયરેક્ટર સિનિયર અને BNYCRS ના કેન્દ્રિય નિયામક રાજેશ મીના (IAS) એ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, NAKSHA કાર્યક્રમ શહેરોનાં જમીન રેકોર્ડના આધુનિકીકરણ, અવકાશી આયોજન વધારવા અને જમીન વહીવટમાં પારદર્શિતા અને કાર્યક્ષમતા સુનિશ્ચિત કરવા તરફ એક મહત્ત્વપૂર્ણ પગલું રજૂ કરે છે. આ વર્કશોપ જ્ઞાનના આદાનપ્રદાન, વ્યવહારુ આંતરદૃષ્ટિ અને રાજ્યવાર ચર્ચાઓ માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે, જે સહભાગીઓને કાર્યકારી પડકારો પર ચર્ચા કરવા, Best Practices શેર કરવા અને ક્ષેત્રીય વાસ્તવિકતાઓ પર આધારિત કાયમી ઉકેલો શોધવા માટે સક્ષમ બનાવશે.
રાજેશ મીનાએ વધુમાં જણાવ્યું હતું કે, આ તાલીમ શહેરી વિસ્તારોના જમીન વહીવટમાં એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થશે. ગુજરાતના સેટલમેન્ટ કમિશનર અને લેન્ડ રેકોર્ડના ડાયરેક્ટર શ્રી બી.એ.શાહે (IAS) સહભાગીઓને વર્કશોપનો હેતુ અને બે દિવસના તાલીમના ટેકનિકલ સેશન અંગે વિસ્તૃત સમજણ આપી હતી. વર્કશોપના પ્રથમ દિવસે ભારત સરકારના ગ્રામીણ મંત્રાલયના ભૂમિ સંસાધન વિભાગના ડાયરેક્ટર શ્રી શ્યામ કુમાર એ NAKSHA પ્રોગ્રામ અંગે જણાવ્યું હતું કે, NAKSHA રાષ્ટ્રીય પ્રોગ્રામ છે. આ પ્રોગ્રામ હેઠળ ભારતના 157 શહેરોને પાયલોટ પ્રોજેક્ટ માટે પસંદ કરવામાં આવ્યા છે, જેમાં ગુજરાતનાં પાંચ શહેર-નડિયાદ, આણંદ, ગાંધીધામ, મોરબી અને નવસારીનો સમાવેશ થાય છે. આ પ્રોગ્રામની શરૂઆત મધ્યપ્રદેશના રાયસેનથી ફેબ્રુઆરી 2025માં કરાઈ હતી.
સરવે ઓફ ઇન્ડિયાના એડિશનલ સર્વેયર જનરલ (ટેક) એસ.કે.સિંહાએ NAKSHA પ્રોગ્રામ હેઠળ Map-1 : Aerial Data Acquisition અંગે, મધ્યપ્રદેશ ભોપાલના MPSEDC ના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડૉ.શ્રી સંદિપ ગોયલ એ NAKSHA Web-GIS dashboard ની કામગીરીનો લાઇવ ડેમો અને નવી દિલ્હી DoLR NAKSHA NPMU ના ડેટા એનાલીસ્ટ આતુષી પ્રિયાએ NAKSHA MIS ના મોનિટરીંગનો ડેમો રજૂ કર્યો હતો.




















