Home Gujarat Vadodara Trader Protest Fiercely Over Smart Meter Issue In Sayajiganj Vadodara

વડોદરાના સયાજીગંજમાં સ્માર્ટ મીટર મુદ્દે વેપારીઓનો ઉગ્ર વિરોધ : ‘નોટિસ વિના કામગીરી કેમ?’ ના સવાલો સાથે હોબાળો

વડોદરાના સયાજીગંજમાં સ્માર્ટ મીટર મુદ્દે વેપારીઓનો ઉગ્ર વિરોધ
Published by: Viral Patel
Last Updated: Mar 24, 2026, 01:07 PM IST

Vadodara News: શહેરના સયાજીગંજ વિસ્તારમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી સામે વેપારીઓએ મોરચો માંડ્યો છે. પરશુરામ ભટ્ટા પાસે આવેલા દર્શનમ ટ્રેડ સેન્ટર-2 ખાતે આજે MGVCL (મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ) દ્વારા સ્માર્ટ મીટર બદલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવતા વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. કોઈ પણ પૂર્વ જાણકારી વગર જૂના મીટર કાઢી લેવાની જીદ સામે વાતાવરણ તંગ બન્યું હતું.

નોટિસ વગરની કામગીરી પર ઉઠ્યા સવાલ

વેપારીઓનો મુખ્ય આક્ષેપ છે કે MGVCL ના તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની લેખિત નોટિસ કે અગાઉથી જાણ કર્યા વગર સીધા જ મીટર બદલવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. વેપારીઓએ જણાવ્યું હતું કે, "ગ્રાહક તરીકે અમને જાણવાનો પૂરો હક છે કે કયા આધારે અમારા મીટર બદલાઈ રહ્યા છે. પૂર્વ મંજૂરી વિના આ પ્રકારની કામગીરી ગ્રાહક અધિકારોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે."

વધતા બિલ અને ટેક્નિકલ ખામીઓનો ડર

વિરોધ કરી રહેલા વેપારીઓએ નીચે મુજબના ગંભીર મુદ્દાઓ ઉઠાવ્યા હતા. સ્માર્ટ મીટર લાગ્યા બાદ વીજ બિલોમાં અચાનક અને મોટો વધારો જોવા મળી રહ્યો છે. મીટરમાં રીડિંગ અને નેટવર્કની ખામીઓને કારણે વેપારીઓ પરેશાન છે. વેપારીઓએ આક્રોશ સાથે કહ્યું કે, "સ્માર્ટ મીટર ફરજિયાત હોવાનો કોઈ કાયદો કે કોર્ટનો આદેશ ન હોવા છતાં તંત્ર દબાણપૂર્વક કામગીરી કરી રહ્યું છે."

ઘર્ષણ અને માંગણી

કામગીરી અટકાવવા દરમિયાન MGVCL ના કર્મચારીઓ અને વેપારીઓ વચ્ચે ઉગ્ર શાબ્દિક બોલાચાલી થઈ હતી. વેપારીઓના મક્કમ વિરોધને પગલે સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક વેપારી સંગઠનોએ માંગ કરી છે કે જ્યાં સુધી સ્માર્ટ મીટરની પારદર્શિતા અને ટેક્નિકલ ખામીઓનું નિરાકરણ ન આવે, ત્યાં સુધી આ પ્રક્રિયા તાત્કાલિક અસરથી બંધ રાખવી જોઈએ.

તંત્ર દ્વારા આ મામલે યોગ્ય ખુલાસો કરવામાં આવે તેવી માંગ સાથે વેપારીઓએ અત્યારે કામગીરી અટકાવી દીધી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now