Home Business Tiger Logistics Share Price Multibagger Stock 700 Percent Return Quarter Results

50 રૂપિયાથી સસ્તા આ શેરે કર્યું કમાલ! : 5 વર્ષમાં આપ્યું 700%થી વધુ રિટર્ન, હવે કંપનીએ જાહેર કર્યા પરિણામો

Tiger Logistics
Image Credit: pinterest
Published by: Nirali Gohil
Last Updated: May 28, 2026, 07:55 AM IST

મુંબઈ: શેરબજારમાં ઓછા ભાવે મળતા શેરોમાં રોકાણકારો ખાસ રસ દાખવતા હોય છે, ખાસ કરીને જ્યારે કોઈ સ્મોલ-કેપ કંપની લાંબા ગાળે મોટું વળતર આપતી હોય. આવી જ એક કંપની છે ટાઇગર લોજિસ્ટિક્સ, જેના શેરની કિંમત હાલમાં 50 રૂપિયાથી ઓછી હોવા છતાં છેલ્લા પાંચ વર્ષમાં રોકાણકારોને 700 ટકા કરતાં વધુ રિટર્ન આપ્યું છે. હવે કંપનીએ માર્ચ 2026 ક્વાર્ટરના નાણાકીય પરિણામો જાહેર કર્યા બાદ ફરી એકવાર આ શેર ચર્ચામાં આવ્યો છે. શુક્રવારે બજાર ખુલતાં જ રોકાણકારોની નજર આ શેર પર રહેવાની સંભાવના છે. કારણ કે કંપનીએ બુધવારે પોતાના ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા હતા, જેમાં એક તરફ આવકમાં મજબૂત વૃદ્ધિ જોવા મળી છે, તો બીજી તરફ નેટ પ્રોફિટમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. જેના કારણે રોકાણકારોમાં મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી શકે છે.

ક્વાર્ટર પરિણામમાં નફો ઘટ્યો, પરંતુ આવકમાં થયો મોટો ઉછાળો

ટાઇગર લોજિસ્ટિક્સના માર્ચ 2026ના ક્વાર્ટરના પરિણામો મુજબ કંપનીનો નેટ પ્રોફિટ વાર્ષિક ધોરણે 65.53 ટકા ઘટીને 2.22 કરોડ રૂપિયા રહ્યો છે. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં કંપનીએ 6.44 કરોડ રૂપિયાનો નફો નોંધાવ્યો હતો. કંપનીના જણાવ્યા મુજબ, ખર્ચમાં વધારો થવાને કારણે નફામાં ઘટાડો નોંધાયો છે. જોકે, કામગીરીમાંથી થતી આવકમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. કંપનીની કુલ આવક 41.96 ટકા વધીને 162.54 કરોડ રૂપિયા પહોંચી છે, જ્યારે ગયા વર્ષે આ આંકડો 114.50 કરોડ રૂપિયા હતો.

વાર્ષિક વેચાણમાં વધારો, છતાં નફામાં ઘટાડો

31 માર્ચ 2026ના રોજ પૂર્ણ થયેલા સમગ્ર નાણાકીય વર્ષ માટે કંપનીનું કુલ વેચાણ 6.81 ટકા વધીને 572.82 કરોડ રૂપિયા સુધી પહોંચ્યું છે. અગાઉના નાણાકીય વર્ષમાં કંપનીનું વેચાણ 536.31 કરોડ રૂપિયા હતું.

પરંતુ વાર્ષિક ધોરણે નેટ પ્રોફિટમાં ઘટાડો નોંધાયો છે. કંપનીનો વાર્ષિક નફો 20.33 ટકા ઘટીને 21.52 કરોડ રૂપિયા રહ્યો છે, જ્યારે અગાઉના વર્ષમાં આ આંકડો 27.01 કરોડ રૂપિયા હતો.

આ પણ વાંચો: રોકેટની જેમ ઊડ્યો આ Penny Stock!: અદાણીએ લગાવ્યો મોટો દાવ

BNPMIL તરફથી મળ્યો 2 કરોડનો મોટો કરાર

ટાઇગર લોજિસ્ટિક્સ માટે એક સકારાત્મક સમાચાર પણ સામે આવ્યા છે. કંપનીએ 18 મેના રોજ સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં માહિતી આપી હતી કે જાહેર ક્ષેત્રની કંપની બેંક નોટ પેપર મિલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (BNPMIL)એ ફરી એકવાર કંપની પર વિશ્વાસ વ્યક્ત કરીને આશરે 2 કરોડ રૂપિયાનો આયાત લોજિસ્ટિક્સ કરાર આપ્યો છે. આ કરાર હેઠળ કંપની મૈસુર સ્થિત પ્લાન્ટ માટે એર અને સી ફ્રેઇટ, કસ્ટમ ક્લિયરન્સ તેમજ આંતરિક પરિવહન સેવાઓ સંભાળશે. આ આયાત જર્મની, ફ્રાન્સ, અમેરિકા, કેનેડા, સિંગાપોર અને થાઇલેન્ડ સહિતના દેશોમાંથી થવાની છે.

ટૂંકા ગાળે નબળું પ્રદર્શન, લાંબા ગાળે મલ્ટિબેગર સાબિત

શેરના પ્રદર્શનની વાત કરીએ તો, છેલ્લા કેટલાક સમયથી ટાઇગર લોજિસ્ટિક્સના શેરમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં શેરમાં માત્ર 0.36 ટકા અને છેલ્લા એક મહિનામાં 0.67 ટકાનો વધારો નોંધાયો છે. જોકે છેલ્લા 6 મહિનામાં શેરમાં 8.26 ટકા અને એક વર્ષમાં 38.30 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. બે વર્ષમાં 16 ટકા અને ત્રણ વર્ષમાં 5 ટકાનો ઘટાડો નોંધાયો હોવા છતાં લાંબા ગાળાના રોકાણકારો માટે આ શેર મલ્ટિબેગર સાબિત થયો છે. છેલ્લા પાંચ વર્ષમાં કંપનીએ 700 ટકાથી વધુનું જબરદસ્ત વળતર આપ્યું છે, જેના કારણે રોકાણકારોની નજર હવે ફરી આ શેર પર ટકેલી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now