Home Gujarat Ticketing Staff Absent At Brts Bus Stand In Ahmedabad

અમદાવાદમાં BRTS બસ સ્ટેન્ડ પર ટિકિટિંગ સ્ટાફ ગેરહાજર : એજન્સી પર સમાન્ય દંડ કરી માન્યો સંતોષ, મુસાફરોમાં રોષ

અમદાવાદમાં BRTS બસ સ્ટેન્ડ પર ટિકિટિંગ સ્ટાફ ગેરહાજર
Published by: OBS Bureau
Last Updated: Dec 18, 2025, 11:32 AM IST

BRTS Ticketing Staff Absent : અમદાવાદ શહેરની જાહેર પરિવહન સેવા BRTSના અનેક વ્યસ્ત બસ સ્ટેન્ડ પર ટિકિટિંગ સ્ટાફ ગેરહાજર હોવાનું ગંભીર રીતે સામે આવ્યું. શહેરના આસ્ટોડિયા દરવાજા, આસ્ટોડિયા ચકલા, કાલુપુર અને જુના વાડજ BRTS બસ સ્ટેન્ડ પર મુસાફરોને ટિકિટ આપવા માટે નિયુક્ત કરાયેલો સ્ટાફ હાજર ન હોવાનું બહાર આવ્યું છે. આ મુદ્દો ત્યારે સામે આવ્યો જ્યારે એક જાગૃત મુસાફરે આસ્ટોડિયા દરવાજા બસ સ્ટેન્ડ પર ટિકિટિંગ સ્ટાફ ગેરહાજર હોવાનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો. વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ટિકિટ બારી બંધ છે અને ત્યાં કોઈ સ્ટાફ હાજર નથી. બસ સ્ટેન્ડ પર હાજર સિક્યુરિટી સ્ટાફને પૂછતાં પણ ટિકિટિંગ સ્ટાફ હાજર ન હોવાનું જણાવવામાં આવ્યું હતું. બાદમાં મુસાફરે BRTS તંત્રમાં સત્તાવાર ફરિયાદ પણ નોંધાવી હતી.

વ્યસ્ત બસ સ્ટેન્ડ પર પણ ટિકિટિંગ સ્ટાફ ગેરહાજર

ફરિયાદ બાદ BRTS તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન માત્ર આસ્ટોડિયા દરવાજા નહીં પરંતુ આસ્ટોડિયા ચકલા, કાલુપુર અને જુના વાડજ જેવા મહત્વપૂર્ણ અને અત્યંત વ્યસ્ત બસ સ્ટેન્ડ પર પણ ટિકિટિંગ સ્ટાફ હાજર ન હોવાનું જાણવા મળ્યું હતું. આ તમામ બસ સ્ટેન્ડ પર રોજના હજારો મુસાફરો મુસાફરી કરતા હોવા છતાં સ્ટાફ ન હોવાને કારણે લોકોને વગર ટિકિટ મુસાફરી કરવાની ફરજ પડી હતી.

સામાન્ય દંડ ફટકારી સંતોષ?

ટિકિટિંગ સ્ટાફ મૂકવાની જવાબદારી કોન્ટ્રાક્ટર એજન્સી સમીર એમ શાહની છે. સ્ટાફ ન મુકાતા તંત્ર દ્વારા તાત્કાલિક એજન્સીને જાણ કરવામાં આવી હતી. જો કે આ ગંભીર બેદરકારી સામે તંત્ર દ્વારા માત્ર એક લાખ રૂપિયાનો સામાન્ય દંડ ફટકારી સંતોષ માનવામાં આવ્યો છે, જેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે BRTS બસ સેવામાં રોજના લાખોની સંખ્યામાં મુસાફરો મુસાફરી કરે છે અને આ સેવામાંથી મ્યુનિસિપલ કોર્પોરેશનને મોટી આવક થાય છે. તેમ છતાં ટિકિટિંગ સ્ટાફ ન મુકવાથી ન માત્ર મુસાફરોને મુશ્કેલી પડે છે પરંતુ કોર્પોરેશનને પણ આર્થિક નુકસાન પહોંચે છે.

અગાઉ પણ ટિકિટિંગ કૌભાંડ સામે આવ્યું હતું

આ પહેલી વખત નથી કે BRTSમાં આવી બેદરકારી સામે આવી હોય. અગાઉ પણ ટિકિટિંગ કૌભાંડ સામે આવ્યું હતું, જેમાં જૂની ટિકિટ આપી મુસાફરો સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. હવે ફરીથી કોન્ટ્રાક્ટર એજન્સી દ્વારા સ્ટાફ ન મુકવામાં આવતા તંત્રની દેખરેખ અને કાર્યવાહી પર પ્રશ્નચિહ્ન ઉભું થયું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now