Rashid Khan Bullet Proof Car:અફઘાનિસ્તાનના સ્ટાર ક્રિકેટર રાશિદ ખાને તાજેતરમાં ઇંગ્લેન્ડના પૂર્વ કપ્તાન કેવિન પીટરસન સાથેની વાતચીતમાં પોતાના દેશમાં જીવનની કડવી હકીકત જાહેર કરી છે. તેમણે કહ્યું કે અફઘાનિસ્તાનમાં તેઓ મુક્તપણે રસ્તા પર ફરી શકતા નથી અને સુરક્ષા માટે બુલેટપ્રૂફ કારનો ઉપયોગ કરે છે. આ ખુલાસો સાંભળીને પીટરસન પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. કેવિન પીટરસને રાશિદ ખાનને પૂછ્યું કે, "અફઘાનિસ્તાનમાં તારી જિંદગી કેવી છે? શું તું કાબુલના રસ્તાઓ પર મુક્તપણે ફરી શકે છે?" આ સવાલનો જવાબ આપતાં રાશિદે કહ્યું, "ના, એવું શક્ય જ નથી. હું ત્યાં રસ્તા પર ચાલી પણ શકતો નથી. મારી પાસે પોતાની બુલેટપ્રૂફ કાર છે અને હું તેમાં જ મુસાફરી કરું છું."
રાશિદ ખાને શા માટે ખરીદી બુલેટપ્રૂફ કાર?
પીટરસને આ સાંભળીને આશ્ચર્ય વ્યક્ત કર્યું અને પૂછ્યું, "શું? કાબુલમાં તારી પાસે બુલેટપ્રૂફ કાર છે? પણ કેમ?" રાશિદે શાંતિથી જવાબ આપ્યો, "આ સુરક્ષા માટે છે. તું ક્યારેય ખોટી જગ્યાએ ખોટા સમયે ન હોવા માગે. અફઘાનિસ્તાનમાં આ સામાન્ય વાત છે. ઘણા લોકો પાસે આવી કાર હોય છે અને તેઓ તેનો ઉપયોગ કરે છે."
રાશિદે વધુમાં કહ્યું કે, "ભલે કોઈ મને ગોળી ન મારે, પણ હાલાત એવા છે કે તું ક્યારેય અનુમાન ન કરી શકે કે ક્યાં શું થઈ જાય. ક્યારેક લોકો કારના દરવાજા ખોલવા પ્રયાસ કરે છે, ત્યારે બુલેટપ્રૂફ કારમાં સુરક્ષિત રહેવાય છે." આ વાત સાંભળીને પીટરસન હેરાન થઈ ગયા અને કહ્યું કે આ તો આશ્ચર્યજનક છે. રાશિદના આ ખુલાસાથી અફઘાનિસ્તાનની વર્તમાન સ્થિતિની ઝલક મળે છે, જ્યાં અસ્થિરતા અને સુરક્ષાના જોખમો હજુ પણ મોટા છે. વિશ્વના ટોચના ટી-20 સ્પિનર હોવા છતાં, રાશિદને પોતાના દેશમાં આવી સાવચેતી રાખવી પડે છે.
અફઘાનિસ્તાન ક્રિકેટના આધારસ્તંભ રાશિદ ખાન
રાશિદ ખાન અફઘાનિસ્તાનના સૌથી મોટા ક્રિકેટર છે. તેમની સફળતાએ દેશમાં ક્રિકેટના બીજ વાવ્યા છે. 2015માં આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કરનાર રાશિદે અફઘાનિસ્તાન માટે 6 ટેસ્ટ, 117 વનડે અને 108 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. વિશ્વની તમામ મોટી ટી-20 લીગમાં તેમણે રમ્યું છે, જેમાં આઈપીએલમાં તેઓ ગુજરાત ટાઇટન્સ તરફથી રમે છે. પીટરસને આ વાતચીતનો વીડિયો ક્લિપ પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. રાશિદની આ વાતથી ક્રિકેટ ચાહકોમાં ચિંતા વ્યક્ત થઈ રહી છે, પરંતુ તેમની હિંમત અને દેશ પ્રત્યેની પ્રતિબદ્ધતા પ્રશંસનીય છે.






