ફરી એકવાર દિલ્હી-એનસીઆરની ધરતીને ભૂકંપના આંચકાએ હચમચાવી નાખી. ભૂકંપના આ આંચકા દિલ્હી, ગુડગાંવ, નોઈડા તેમજ હરિયાણામાં અનુભવાયા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.7 માપવામાં આવી હતી. અગાઉ ગુરુવારે પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
ભૂકંપનું કેન્દ્ર ક્યાં હતું?
રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર અનુસાર ભૂકંપનું કેન્દ્ર હરિયાણાના ઝજ્જરમાં જમીનથી 10 કિમીની ઊંડાઈએ હતું. જોકે ભૂકંપની તીવ્રતા ઓછી હોવાને કારણે લોકોએ તેના આંચકા બહુ ઓછા અનુભવ્યા. હાલમાં જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી. ગુરુવારે પણ દિલ્હી-એનસીઆર અને હરિયાણામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.4 હતી. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર અનુસાર ભૂકંપનું કેન્દ્ર ઝજ્જરના ઉત્તર-પૂર્વમાં ત્રણ કિલોમીટર અને દિલ્હીથી 51 કિલોમીટર પશ્ચિમમાં જમીનથી 10 કિમીની ઊંડાઈએ હતું.
ઝજ્જર ઉપરાંત પડોશી રોહતક અને ગુરુગ્રામ જિલ્લાઓ પાણીપત હિસાર અને મેરઠમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. દિલ્હીમાં ભૂકંપના આંચકા અનુભવાતા જ ગભરાટ ફેલાઈ ગયો અને લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળીને ખુલ્લી જગ્યાઓમાં ભેગા થઈ ગયા. લોકોએ ભૂકંપના આંચકા ખૂબ જ જોરદાર અનુભવ્યા. કેટલાક લોકો ખુલ્લા પગે પણ પોતાના ઘરની બહાર નીકળી ગયા.






