Home Agriculture The States First Hi Tech Nursery Will Be Built On A 13 Acre Area At Dawas Deesa

ડીસાના ડાવસ ખાતે બનશે ગુજરાતની પ્રથમ હાઇટેક નર્સરી : વૈજ્ઞાનિક પદ્ધતિથી થશે દુર્લભ બીજનું જતન, સીડ બેંક અને પ્રોસેસિંગ યુનિટથી વનીકરણને મળશે નવો વેગ

ડીસાના ડાવસ ખાતે બનશે ગુજરાતની પ્રથમ હાઇટેક નર્સરી
Published by: OBS Bureau
Last Updated: Mar 06, 2026, 06:49 AM IST

Dawas Hi-Tech Nursery: રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીના માર્ગદર્શન અને પ્રેરણાથી ગ્રીન કવર વધારવા અને દુર્લભ વનસ્પતિઓના સંરક્ષણ માટે અનેક નવીન પહેલો કરવામાં આવી રહી છે. મંત્રી પ્રવીણ માળીના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય વન વિભાગ અને સામાજિક વનીકરણ વિભાગ બનાસકાંઠા પર્યાવરણ સંરક્ષણ અને આધુનિક કૃષિ ટેકનોલોજીનો મહત્વપૂર્ણ પ્રોજેક્ટ સાકાર કરવા જઈ રહ્યું છે. ડીસા તાલુકાના ડાવસ ગામ ખાતે આશરે 13 એકર જેટલા વિશાળ વિસ્તારમાં રૂપિયા 3.5 કરોડના ખર્ચે અદ્યતન ‘હાઇટેક નર્સરી’નું નિર્માણ કરાશે. આ નર્સરી સમગ્ર ગુજરાત રાજ્ય માટે એક પ્રેરણાદાયક મોડેલ સાબિત થશે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ અત્યાધુનિક ટેકનોલોજી, નિયંત્રિત વાતાવરણ અને વૈજ્ઞાનિક પદ્ધતિઓના ઉપયોગ દ્વારા ઉચ્ચ ગુણવત્તાવાળા, રોગમુક્ત અને મજબૂત છોડ તૈયાર કરવાનો છે, જેથી વનીકરણ અને પર્યાવરણ સંરક્ષણના પ્રયાસોને વધુ મજબૂત બનાવવામાં આવી શકે.

10 લાખથી વધુ રોપાઓનું ઉત્પાદન કરવામાં આવશે

આ હાઇટેક નર્સરીની એક ખાસ વિશેષતા એ રહેશે કે અહીં દર વર્ષે આશરે 10 લાખથી વધુ રોપાઓનું ઉત્પાદન કરવામાં આવશે. છોડના ગુણવત્તાયુક્ત વિકાસ માટે નર્સરીમાં મીસ્ટ ચેમ્બર, જર્મિનેશન ચેમ્બર, પોલી હાઉસ અને નેટ હાઉસ જેવી અદ્યતન સુવિધાઓ ઊભી કરવામાં આવશે, જેના કારણે પ્રતિકૂળ આબોહવામાં પણ છોડનું સુરક્ષિત અને ઝડપી વિકાસ શક્ય બનશે. ખાસ કરીને ગુજરાતની એવી વનસ્પતિ પ્રજાતિઓ જે લુપ્ત થવાના આરે છે, તેમના સંરક્ષણ અને સંવર્ધન માટે અહીં ‘સોઇલ-લેસ મીડિયા’ એટલે કે માટી વગરના આધુનિક માધ્યમનો ઉપયોગ કરવામાં આવશે. આ ટેકનિકના ઉપયોગથી છોડનો વિકાસ વધુ ઝડપી, સ્વસ્થ અને ગુણવત્તાસભર બનશે.

‘નર્સરી ઇન્ફોર્મેશન સેન્ટર’

આ પ્રોજેક્ટ અંતર્ગત એક સુસજ્જ સીડ બેંક અને સીડ પ્રોસેસિંગ એરિયા પણ વિકસાવવામાં આવશે, જ્યાં દુર્લભ અને મૂલ્યવાન બીજને લાંબા સમય સુધી વૈજ્ઞાનિક રીતે સંગ્રહિત કરી શકાય. ઉપરાંત, પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે અહીં ‘નર્સરી ઇન્ફોર્મેશન સેન્ટર’ પણ કાર્યરત કરવામાં આવશે, જ્યાં વિદ્યાર્થીઓ, ખેડૂતો અને પર્યાવરણપ્રેમીઓને વનસ્પતિ, વનીકરણ અને કુદરતી સંરક્ષણ વિશે માર્ગદર્શન આપવામાં આવશે. નર્સરીમાં વર્મી કમ્પોસ્ટિંગ યુનિટ દ્વારા ઓર્ગેનિક ખાતર તૈયાર કરવામાં આવશે, જે છોડના સ્વસ્થ વિકાસ માટે ઉપયોગી સાબિત થશે. સાથે સાથે 'ઊંચી હાઇટ વાળા વૃક્ષો' એટલે કે લાંબા અને મજબૂત રોપા તૈયાર કરવાની પદ્ધતિ અપનાવવામાં આવશે, જે મોટા પાયે વૃક્ષારોપણ અને વનીકરણ કાર્યક્રમોને વધુ અસરકારક બનાવશે.

આ હાઇટેક નર્સરી પ્રોજેક્ટ ભવિષ્યમાં ગુજરાત રાજ્યના ગ્રીન કવર વધારવા, પર્યાવરણીય સંતુલન જાળવવા અને દુર્લભ વનસ્પતિઓના સંરક્ષણ માટે મહત્વપૂર્ણ યોગદાન આપશે. સાથે જ, આ નર્સરી પર્યાવરણ સંરક્ષણ, આધુનિક કૃષિ ટેકનોલોજી અને વૈજ્ઞાનિક વનીકરણના ક્ષેત્રમાં એક ઉત્તમ ઉદાહરણ બનીને રાજ્યના અન્ય જિલ્લાઓ માટે પણ માર્ગદર્શક સાબિત થશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now