Home Gujarat The Case Of Finding 40 Tiger Skins And 133 Nails In Rajpipla

રાજપીપળામાં 40 વાઘના ચામડાં અને133 નખ મળવાનો મામલો! : મહારાજ માધવાનંદ સ્વામીનો પાસપોર્ટ મળ્યો, સ્વામી 1977માં ગયા હતા USA, તપાસ તેજ

રાજપીપળામાં 40 વાઘના ચામડાં અને133 નખ મળવાનો મામલો!
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jan 10, 2026, 04:44 AM IST

Rajpipla Tiger Remains : નર્મદા જિલ્લાના રાજપીપળા શહેર નજીક આવેલા ધરમેશ્વર મહાદેવ મંદિરના જૂના મકાનમાંથી વાઘના ચામડા અને નખ મળી આવવા મામલે રાજ્યભરમાં ભારે ચકચાર મચી ગઈ છે. ગુજરાતમાં પ્રથમવાર એક જ સ્થળેથી 40થી વધુ વાઘના ચામડા અને નખ મળ્યાનો આ પ્રથમ કિસ્સો હોવાનું સામે આવ્યું છે, જેને લઈને વનવિભાગ સહિત તપાસ એજન્સીઓ હરકતમાં આવી ગઈ છે.

37 આખા વાઘના ચામડા, 133 નખ મળી આવ્યા હતા

પ્રાપ્ત માહિતી મુજબ ધરમેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટી દ્વારા શંકાસ્પદ સામગ્રી હોવાની જાણ વનવિભાગને કરવામાં આવી હતી. આ માહિતીના આધારે રેન્જ ફોરેસ્ટ ઓફિસર જિગ્નેશ સોની અને તેમની ટીમ મંદિર ખાતે પહોંચી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મંદિરના જૂના મકાનમાંથી કુલ 37 સંપૂર્ણ વાઘના ચામડા, 4 ચામડાના ટુકડા તેમજ આશરે 133 જેટલા વાઘના નખ મળી આવ્યા હતા.

મહારાજ માધવાનંદ સ્વામીનો પાસપોર્ટ મળ્યો!

આટલી મોટી સંખ્યામાં વાઘના ચામડા અને નખ મળતા IB અને વનવિભાગ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. તપાસ દરમિયાન મહારાજ માધવાનંદ સ્વામીનો પાસપોર્ટ પણ મળી આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. પાસપોર્ટ મુજબ મહારાજ માધવાનંદ સ્વામી 12-02-1977ના રોજ અમેરિકા (USA) પણ ગયા હોવાનું નોંધાયું છે. તેઓ મૂળ મધ્યપ્રદેશના વતની હોવાનું પણ સામે આવ્યું છે. વનવિભાગ દ્વારા હવે આ વાઘના ચામડા અહીં કેવી રીતે પહોંચ્યા, તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. સાથે સાથે મહારાજ માધવાનંદ સ્વામી અમેરિકા દરમિયાન કોની સાથે સંપર્કમાં હતા અને આ સમગ્ર મામલે કોઈ આંતરરાજ્ય કે આંતરરાષ્ટ્રીય તસ્કરીનું જાળ સંકળાયેલું છે કે કેમ, તેની પણ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે.

વન વિભાગે શું કહ્યું?

ગુજરાતમાં આ પ્રકારનો પહેલો અને ગંભીર કિસ્સો હોવાના કારણે વન્યજીવ સંરક્ષણ અને કાયદા અમલ માટે આ મામલો અત્યંત સંવેદનશીલ માનવામાં આવી રહ્યો છે. વનવિભાગે જણાવ્યું છે કે સમગ્ર ઘટનાની દરેક કડીને જોડીને કડક તપાસ કરવામાં આવશે અને દોષિતો સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now