3,759 MoUથી 1.97 લાખ સંભવિત રોજગાર સર્જાશે; રાજનાથસિંહે ગુજરાતની ઔદ્યોગિક ક્ષમતાની પ્રશંસા કરી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સર્વસમાવેશી વિકાસના વિઝન પર ભાર મૂક્યો
કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથસિંહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વડોદરામાં મધ્ય ગુજરાત પ્રદેશની વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું સમાપન થયું હતું. રિજનલ એસ્પીરેશન-ગ્લોબલ એમ્બિશનની થીમ સાથેની ગુજરાતની આગવી પહેલરૂપ VGRCની ચાર સિરીઝ ગુજરાતમાં સફળતાપૂર્વક સંપન્ન થઈ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચોથી VGRCની સફળતાની ગૌરવપૂર્ણ જાહેરાત કરતા કહ્યું કે, વડોદરામાં મધ્ય ગુજરાતની આ VGRCમાં સમગ્રતયા 3 લાખ ૩૪ હજાર કરોડથી વધુના રોકાણો સાથે 3,759 MoU થયા છે. આના પરિણામે આવનારા દિવસોમાં રાજ્યમાં 1 લાખ 97 હજાર રોજગારીની સંભવિત તકો ઊભી થશે.
ગુજરાતની ક્ષમતાની રાજનાથસિંહે કરી પ્રશંસા

આ કોન્ફરન્સના સમાપન સામરંભમાં મુખ્ય વકતવ્ય આપતા રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, ભારતના સંરક્ષણ ક્ષેત્રમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. 2014માં ભારતનું ડિફેન્સ પ્રોડક્શન 46 હજાર કરોડનું હતું. જે પાછલા દશકમાં વધીને ₹ 1 લાખ 78 હજાર કરોડ થયું છે. આ ઉપરાંત 39 હજાર કરોડનું એક્સપોર્ટ પણ ભારતે કર્યું છે.
ગુજરાતે હંમેશા દેશને દિશા દેખાડી છે. ગુજરાતની ધરતીએ મહાત્મા ગાંધી અને સરદાર પટેલ જેવી મહાન વિભુતિઓ દેશને આપી છે. આ જ ધરતીએ વડાપ્રધાનનાં રૂપમાં નરેન્દ્રભાઇ મોદીજી દેશને આપ્યા છે. તેમના આવવાથી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતનું કદ વધ્યું છે. પહેલા ભારતની વાતોને ગંભીરતાથી નહોતી લેવાતી. હવે ઇન્ટરનેશનલ ફોરમમાં ભારત બોલે છે તો આખી દુનિયા કાન ખોલીને સાંભળે છે. વડાપ્રધાને ભારતના પરચમને દુનિયામાં લહેરાવ્યો છે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.
રક્ષામંત્રીએ કહ્યુ કે, ગુજરાતનાં લોકો પાસે નોખી માનસિકતા છે. આપત્તિઓને અવસરમાં પરિવર્તિત કરવાની અભૂતપૂર્વ આવડત છે. 2003માં શરૂ થયેલી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરાવી હતી, તે હવે હવે બે દાયકા બાદ વિકસિત ભારત 2047નું વ્યાપક આંદોલન બન્યું છે.
રાજનાથ સિંહે સરંક્ષણ અને આર્થિક વિકાસ એકબીજાનાં પુરક છે એમ જણાવી ઉમેર્યું કે, અર્થવ્યવસ્થા અને સુરક્ષા જોડાયેલી હોય છે. મહાન રાષ્ટ્ર ત્રણ પાયા પર ઉભુ હોય છે-આર્થિક, તકનીકી અને રાષ્ટ્રીય સુરક્ષા. આ ક્ષેત્રમાં જે આગળ હશે તે જ લીડ લેશે. ત્યાં જ ઇનોવેશન થશે.
રાજનાથ સિંહે હાલની જીઓ પોલિટિકલ પરિસ્થિતમાં ભારતની આત્મનિર્ભરતાનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, છેલ્લા એક દાયકામાં ડિફેન્સ સેક્ટરમાં અનપ્રેસીડન્ટ ફેરફાર થયા છે. પહેલાં આપણે ડિફેન્સ ક્ષેત્રે આયાત કરતા હતા. પરંતુ ભારત હવે ડિફેન્સ મેન્યુફેક્ચરીંગમાં આગળ વધી રહ્યું છે. અમે પ્રાઇવેટ સેક્ટર આ ક્ષેત્રમાં આવે તે માટે લાઇસન્સ, પોલિસી અને પારદર્શકતા લાવીને તેમનામાં વિશ્વાસ પેદા કર્યો છે.
ગુજરાત આ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે તેનો વિશેષ ઉલ્લેખ રક્ષામંત્રીએ કરતાં કહ્યું કે, ગુજરાતની રોબસ્ટ ઇન્ડસ્ટ્રી, સ્પિરીટ અને કૌશલ્ય દેશની આત્મનિર્ભરતાની યાત્રામાં મોટો ફાળો આપી શકે તેમ છે. ડિફેન્સ ક્ષેત્રે ગુજરાત હબ બની શકે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
વડોદરાનો ઉલ્લેખ કરતા તેમણે ગર્વથી કહ્યું કે, આજે ભારતની પહેલા પ્રાઇવેટ મિલીટરી એરક્રાફ્ટ ફેસિલિટીનું કેન્દ્ર વડોદરા બન્યું છે. ટાટા એરબેસ C-295 પ્રોજેક્ટ એ અભૂતપૂર્વ માઇલસ્ટોન છે, અને આપણા સૌના માટે ગર્વની વાત છે.
તેમણે સાણંદ અને ધોલેરાનાં સેમિકંડક્ટર હબને ટેકનોલોજીનો આધારસ્તંભ ગણાવ્યું હતું. રક્ષા મંત્રીએ કહ્યું કે ગુજરાતનાં કેમિકલ અને પેટ્રોનો બેઝ પણ સરંક્ષણ ક્ષેત્રનાં ઉત્પાદનમાં યોગદાન આપી શકે છે. આ ઉપરાંત ઇલેકટ્રોનિક ઇન્ડસ્ટ્રી, પોર્ટ, મેરીટાઇમ, શીપ બિલ્ડીંગ જેવા ગુજરાતનાં ક્ષેત્ર પણ ડિફેન્સ પ્રોડક્શનમાં ઉપયોગી સાબિત થઇ શકે છે.
રીન્યુએબલ એનર્જી બાબતે ગુજરાત દેશમાં લીડર છે એમ કહી તેમણે ઉમેર્યું કે, ગ્રીન એનર્જી પણ ડિફેન્સ સેક્ટર માટે નવો રસ્તો ખોલી શકશે. ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ માટે અમારી પોલીસી હંમેશા પારદર્શી રહી છે અને દરેક ક્ષેત્રની ઇન્ડસ્ટ્રીને પૂરતો સહયોગ પૂરો પાડવામાં આવે છે.
વૈશ્વિક મંચ પર તેમણે ભારતની મજબૂત સ્થિતિનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, આજે ભારત આત્મનિર્ભારતાના રથ પર સવાર થઇને વૈશ્વિક સ્તરે હુંકાર ભરી રહ્યું છે. ભારતની આ વિકાસયાત્રા રિમાર્કેબલ છે. આપણે ભવિષ્યની કલ્પના નથી કરવાની પરંતુ તેનું નિર્માણ કરવાનું છે. જેમાં ભારતની વિવિધ પ્રોડક્ટો ગ્લોબલ માર્કેટમાં હોય. ભારતની આત્મનિર્ભરતા એ વિશ્વથી અલગાવ નથી પરંતુ વૈશ્વિક મંચ પર બધા સાથે ભાગીદારી છે.
મુખ્યમંત્રી એ મુક્યો સર્વસમાવેશી વિકાસ પર ભાર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઇન્ક્લુઝિવ ડેવલોપમેન્ટ-સર્વસમાવેશી વિકાસનો જે ધ્યેય રાખ્યો છે તેને ગુજરાતે આ VGRCથી સાકાર કર્યો છે.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વોકલ ફોર લોકલ અને લોકલ ટુ ગ્લોબલનું વિઝન, સ્થાનિક શક્તિ, પરંપરા અને પ્રતિભાને વૈશ્વિક સ્તરે લઈ જવાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા આવી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની સફળતાના પાયામાં છે.
મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, વડાપ્રધાને રિફોર્મ-પરફોર્મ અને ટ્રાન્સફોર્મના મંત્ર સાથે ઇન્ડસ્ટ્રી અને ઇકોનોમી માટે સાનુકૂળ નીતિઓ અને વાતાવરણ ઊભું કર્યું છે. એક સમયે ફ્રેઝાઈલ ફઈવમાં ગણાતી ભારતીય અર્થવ્યવસ્થા હવે ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ 5 ઇકોનોમીમાં સ્થાન પામ્યું છે એમ પણ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જીઓ પોલિટિકલ સિચ્યુએશનમાં પણ વડાપ્રધાને ઉદ્યોગોના હિતોની સંપૂર્ણ રક્ષા કરી છે તેનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો.
તેમણે જણાવ્યું કે, આજે વિશ્વને મોદી સાહેબના નેતૃત્વ પર ભરોસો છે. એટલું જ નહીં, વિદેશમાં વસતા ભારતીયોને પણ દેશના નેતૃત્વ પર વિશ્વાસ વધતા ફોરેન રેમીટન્સીસમાં ખૂબ મોટી વૃદ્ધિ જોવા મળી છે. 2025 ના એક જ વર્ષમાં રૂપિયા 13 લાખ કરોડના રેમીટન્સીસ દેશમાં આવ્યા છે તેમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે, પોતાનો વ્યવસાય કરવાની ધગશવાળા કૌશલ્યવાન યુવાઓ અને નાના-મોટા ઉદ્યોગકારોને ઇનોવેશન અને સ્ટાર્ટઅપ દ્વારા ખીલવાની તક વડાપ્રધાનશ્રીએ આપી છે. વાઇબ્રન્ટ સમિટ અને VGRC જેવા આયોજનો એ માટેના ટેક ઓફ પ્લેટફોર્મ બન્યા છે તેનો મુખ્યમંત્રીશ્રીએ હર્ષ વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનએ 2003માં શરૂ કરાવેલી વાઇબ્રન્ટ સમિટની અપાર સફળતાને પગલે ગુજરાત ગ્લોબલ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ બન્યું છે તેમ જણાવતા કહ્યું કે, રાજ્યના પ્રાદેશિક વિકાસથી બેલેન્સ્ડ ગ્રોથનો નવો અધ્યાય રચીને વિકસિત ભારત 2047 માટે સૌના સહયોગથી વિકસિત ગુજરાતને અગ્રેસર રાખવાની રાજ્ય સરકારની નેમ છે.
મત્સ્યઉદ્યોગ માટે નવી તકો

આ સમાપન સમારોહમાં કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી રાજીવ રંજન સિંઘે ગુજરાતને આંતરદેશીય મત્સ્યઉદ્યોગ ક્ષેત્રે દેશનું 'પાવરહાઉસ' બનાવવા માટે એક સચોટ રોડમેપ રજૂ કર્યો હતો.
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત પાસે માત્ર લાંબો દરિયાકિનારો જ નથી, પરંતુ આંતરદેશીય મત્સ્યપાલનની પણ અપાર ક્ષમતા છે. રાજ્યના અનેક જિલ્લાઓના ગામડાઓમાં આવેલા તળાવોનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, આ સંસાધનોનો બહેતર ઉપયોગ કરીને બ્લુ ઈકોનોમીને વેગ આપી શકાય છે. સમગ્ર દેશમાં ઉપલબ્ધ કુલ ખારા પાણીનો એક તૃતીયાંશ હિસ્સો એકલું ગુજરાત ધરાવે છે, જે ઝીંગાના ઉત્પાદન માટે અત્યંત મજબૂત આધાર પૂરો પાડે છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
નિકાસ ક્ષેત્રે રહેલી તકો વિશે વાત કરતા મંત્રીએ જણાવ્યું કે, હાલમાં કુલ મત્સ્ય નિકાસમાં ગુજરાતના આંતરદેશીય મત્સ્યઉદ્યોગનો હિસ્સો માત્ર ૨ ટકા છે, જેને વધારવાની મોટી તક ગુજરાત પાસે છે. આ માટે તેમણે મત્સ્યપાલનમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને ઈન્ટરનેટ ઓફ થિંગ્સ જેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ, હૅચરી સિસ્ટમને મજબૂત બનાવવી અને કોલ્ડ ચેઈન ઈન્વેસ્ટમેન્ટમાં વધારો કરવો તેમજ શ્રેષ્ઠ પરિવહન સુવિધા સહિતના પ્રેરણાદાયી સૂચનો કર્યા હતા.
તેમણે રાજ્ય સરકાર, સ્ટેક હોલ્ડર્સ, વૈજ્ઞાનિકો અને ઉદ્યોગ સાહસિકોને એકસાથે મળીને ગુજરાતને આંતરદેશીય મત્સ્યઉદ્યોગનું ગ્લોબલ હબ બનાવવા માટે સમયબદ્ધ એક્શન પ્લાન ઘડવા આહવાન કર્યું હતું. આ કોન્ફરન્સ વિકસિત ગુજરાત થકી ‘વિકસિત ભારત’ના સપનાને સાકાર કરવામાં એક સાર્થક મંચ સાબિત થશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
હસ્તકલા કારીગરો અને ઉદ્યોગસાહસિકોના સન્માન સાથે કાર્યક્રમનું સમાપન
આ સમાપન સમારોહમાં ઝાયડેક્સ ગૃપના ચેરમેન અજય રંકા અને રૂબામિનના ચેરમેન એન્ડ એમ.ડી. અતુલ દાલમીયાએ પ્રાસંગિક વક્તવ્યો આપ્યા હતા.
પ્રારંભમાં ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ મમતા વર્માએ VGRCના આયોજનથી લઈને સફળતા સુધીની સંપૂર્ણ વિગતોનું પ્રેઝન્ટેશન કર્યુ હતું.
આ સમાપન સમારોહમાં વિવિધ ક્ષેત્રોના હસ્તકલા કારીગરો, ઉદ્યમીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.
રાજ્યમંત્રી ડો. મનીષાબેન વકીલ, ઉદ્યોગ જગતના અગ્રણીઓ, ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પદાધિકારીઓ અને સભ્યો તેમજ ડેલિગેટ્સ અને વરિષ્ઠ સચિવો આ સમાપન સમારોહમાં સહભાગી થયા હતા.
GSFCUના પ્રેસિડેન્ટ શ્રી પી.કે.તનેજાએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
PM મોદીની કેન્દ્રીય સચિવો સાથે 4 કલાકની મેરેથોન બેઠક: જાણો કયા કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા?






