થાઇલેન્ડની બંધારણીય અદાલતે મંગળવારે લીક થયેલા ફોન કોલ કેસમાં વડાપ્રધાન પૈતોંગટાર્ન શિનવાત્રાને સસ્પેન્ડ કર્યા છે. તેમણે સરહદ વિવાદ અંગે એક વરિષ્ઠ કંબોડિયન નેતાને ફોન કરવો ભારે પડ્યો છે. જેનો વિરોધ થઈ રહ્યો છે. આ મામલો કોર્ટમાં પહોંચ્યો હતો, જેમાં તેમને પદ પરથી દૂર કરવાની માંગ કરવામાં આવી હતી.
વડાપ્રધાન પદ પરથી સસ્પેન્ડ
કોર્ટે તેમને તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી પદ પરથી દૂર કર્યા છે. નાયબ વડા પ્રધાન સુર્યા જુંગરુંગરુઆંગકિટને કાર્યકારી વડાપ્રધાન બનાવવામાં આવે તેવી અટકળો છે. ન્યાયાધીશોએ તેમની સામે નૈતિકતાના ઉલ્લંઘનનો આરોપ મૂકતી અરજી પર સર્વાનુમતે મતદાન કર્યું અને સાત-બે મતથી તેમને વડાપ્રધાન પદ પરથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો.
કોર્ટે PMને 15 દિવસનો સમય આપ્યો
કોર્ટે શિનવાત્રાને પુરાવા રજૂ કરવા માટે 15 દિવસનો સમય આપ્યો છે. પડોશી દેશ કંબોડિયા સાથેના સરહદી વિવાદને સંભાળવા અંગે 38 વર્ષીય શિનવાત્રાને તેમના દેશમાં ભારે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. 28 મેના રોજ બંને દેશો વચ્ચે સશસ્ત્ર અથડામણ થઈ હતી, જેમાં એક કંબોડિયન સૈનિકનું મોત થયું હતું.
''કાનૂની પ્રક્રિયા સ્વીકારશે''
15 જૂનના રોજ, તેમણે તણાવ ઓછો કરવાના પ્રયાસમાં કંબોડિયન સેનેટના પ્રમુખ હુન સેન સાથે ફોન પર વાત કરી હતી. આ કોલ રેકોર્ડિંગ લીક થઈ ગયો હતો અને દેશભરમાં વિરોધ પ્રદર્શનો શરૂ થયા હતા. કોર્ટના નિર્ણય પર શિનાવાત્રાએ કહ્યું હતું કે, ''તે કાનૂની પ્રક્રિયા સ્વીકારશે અને પોતાનો બચાવ કરવા માટે પ્રયાસ કરશે, કારણ કે તેમનો દેશનું રક્ષણ કરવા અને શાંતિ જાળવવા સિવાય બીજો કોઈ ઈરાદો નહોતો''

_f7f8ef89-292d-4823-85dd-04e25afa22b3.jpg)




