વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશનાં અલગ-અલગ હેરિટેજ સ્થળો, પૌરાણિક-ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થાનો તથા જુદા જુદા મોન્યુમેન્ટ્સની વિરાસત જાળવી રાખીને વધુને વધુ પ્રવાસીઓ-લોકોને તેના ઇતિહાસ, સંસ્કૃતિ અને અન્ય મહાત્મયથી પરિચિત કરાવવા "વિરાસત ભી, વિકાસ ભી"નો અભિગમ અપનાવવાની પ્રેરણા આપી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્ય સરકારે વડાપ્રધાનનાં આ અભિગમને વડનગરના હાટકેશ્વર મંદિરના નવનિર્મિત લાઈટ એન્ડ સાઉન્ડ શોથી સાકાર કર્યો છે.
હાટકેશ્વર મંદિરના દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓ આ મંદિરના પૌરાણિક ઇતિહાસને સુપેરે જાણી શકે તે હેતુથી ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા રૂપિયા 5.53 કરોડના ખર્ચે અદ્યતન લાઈટ એન્ડ સાઉન્ડ શોનું નિર્માણ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ વડનગરમાં યોજાઈ રહેલા ત્રિ-દિવસીય મહોત્સવમાં લાઈટ એન્ડ સાઉન્ડ શોનું લોકાર્પણ તેમજ સુવર્ણ શિખર અને ધ્વજારોહણ તથા નવી નિર્માણ થયેલી યજ્ઞશાળાના લોકાર્પણ કર્યા હતા. આ અવસરે તેમણે જણાવ્યું કે, શિવ પંચાયત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભક્તિ ભાવપૂર્વક સહભાગી થયા હતા. તેમજ હાટકેશ્વર મહાદેવનું પૂજન અર્ચન કર્યું હતું અને સુવર્ણ શિખરના દાતા પરિવારોને સન્માનિત કર્યા હતા.આ વર્ષે 6 લાખ જેટલા લોકો વડનગર ની મુલાકાત લઈને આ નગરના ઐતિહાસિક અને પૌરાણિક મહત્તા થી પરિચિત થયા છે એમ પણ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
વડનગરનું હાટકેશ્વર મંદિર લાઇટ એન્ડ સાઉન્ડ શોની સુવિધા ધરાવતું રાજ્યનું સાતમું યાત્રા પ્રવાસનધામ બન્યું છે
સ્કંદ પુરાણમાં પણ આ મંદિરનો ઉલ્લેખ જોવા મળે છે
ભગવાન શિવ સ્વયંભૂ રૂપે પાતાળ લોકમાંથી પૃથ્વી પર પ્રગટ થયેલા હાટકેશ્વર મહાદેવના આ મંદિરનું પુરાતન ઇતિહાસ ‘નાગરખંડ’ તથા ‘સ્કંદ પુરાણ’માં પણ ઉલ્લેખિત છે. નાગર જ્ઞાતિના કુળદેવતા તરીકે જાણીતા હાટકેશ્વર મહાદેવનું આ મંદિર વિશ્વભરમાં આસ્થા માટે આગવું સ્થાન ધરાવે છે. આ પુરાતન મંદિરની શિલ્પકલા વૈભવમય છે, જ્યાં વિશાળ મંડપ, શિલ્પો દ્વારા દર્શાવાયેલ વિષ્ણુના દશાવતાર તથા પાંડવોના અરણ્યવાસથી સંકળાયેલા શિલ્પો દર્શનાર્થીઓનું ધ્યાન ખેંચે છે.
મોદીની વતન ભૂમિ દેશ-વિદેશના પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર
વડાપ્રધાનની વતન ભૂમિ વડનગર પુરાતત્વીય અનુભવાત્મક મ્યુઝિયમ, કીર્તિ તોરણ, શર્મિષ્ઠા તળાવ, તાનારીરી પાર્ક, બુદ્ધિસ્ટ મોનેસ્ટ્રી, થીમ પાર્ક જેવી વિરાસતોને પરિણામે દેશ-વિદેશના પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. રાજ્યમાં સોમનાથ, અંબાજી, શામળાજી અને મોઢેરા જેવા યાત્રાધામો તથા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને કચ્છના ધોરડો જેવા વિશ્વ પ્રવાસન સ્થળોની મુલાકાતે આવતા લાખો પ્રવાસીઓને આ સ્થળોના ઇતિહાસ અને ભવ્ય ગાથા લાઈટ એન્ડ સાઉન્ડ શોના માધ્યમથી માણવા મળે છે.
હવે લાઈનમાં ઉભા રહેવાની ઝંઝટ ખતમ!: GSRTC એ ફરી શરૂ કરી ઓનલાઈન પાસ અને આ ખાસ સુવિધા!





