Tamil Nadu News: તમિલનાડુમાં થલપતિ વિજયની નવી સરકાર બન્યાને હજુ એક દિવસ પણ પૂર્ણ નથી થયો અને ગઠબંધનમાં તિરાડ જોવા મળી રહી છે. વિજયની પાર્ટી TVK ને સમર્થન આપનાર VCK ના વડા થોલ થિરુમાવલવને જ મુખ્યમંત્રી વિજયની ટીકા કરી છે. વિવાદનું મુખ્ય કારણ શપથ ગ્રહણ સમારોહ દરમિયાન ગીતો વગાડવાનો ક્રમ છે, જેમાં તમિલનાડુની વર્ષો જૂની પરંપરાને નેવે મૂકવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
સામાન્ય રીતે તમિલનાડુના સરકારી કાર્યક્રમોમાં 'તમિલ થાઈ વલથુ' (તમિલ વંદના) સૌથી પહેલા ગાવામાં આવે છે. જોકે, વિજયના શપથ ગ્રહણમાં સૌથી પહેલા 'વંદે માતરમ' વગાડવામાં આવ્યું, ત્યારબાદ રાષ્ટ્રગીત અને અંતે તમિલ રાજ્ય ગીત ગાવામાં આવ્યું હતું. આ ક્રમ સામે વાંધો ઉઠાવતા થિરુમાવલવને પૂછ્યું છે કે શું આ રાજ્યપાલને ખુશ કરવા માટે કરવામાં આવ્યું હતું?.
'વંદે માતરમ'ને પ્રાધાન્ય આપતા વિચારધારા પર ઉઠ્યા સવાલ
VCK વડાએ વિજયની પાર્ટી TVK ની વિચારધારા પર પણ સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે 'વંદે માતરમ' જેવા ગીતને, જેના પર વારંવાર ધાર્મિક રંગના આરોપો લાગે છે, તેને તમિલ રાજ્ય ગીત કરતા વધુ મહત્વ આપવું ચિંતાજનક છે. આ પગલાથી વિજયને સાથ આપનાર સાથી પક્ષોને પણ જનતાની ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. તેમણે સ્પષ્ટતા માંગી છે કે શું ભવિષ્યમાં પણ તમિલ ગૌરવને બદલે અન્ય બાબતોને પ્રાધાન્ય આપવામાં આવશે?.
આ પણ વાંચો: ‘ફરી Work From Home કરો’ : PM મોદીની અપીલથી દેશભરમાં અલગ-અલગ ચર્ચા, શું કંઈ મોટું થવાનું છે?
દેવાના આંકડા રજૂ કરવા બદલ પણ કરી નિંદા
મુખ્યમંત્રી વિજયે પદ સંભાળતા જ નિવેદન આપ્યું હતું કે અગાઉની સરકાર રાજ્ય પર 10 લાખ કરોડ રૂપિયાનું દેવું છોડી ગઈ છે. આ અંગે પણ થિરુમાવલવને વળતો પ્રહાર કર્યો છે. તેમણે જણાવ્યું કે માત્ર દેવાના કુલ આંકડા બતાવીને લોકોમાં ડર પેદા કરવો તે રાજકીય હેતુ હોઈ શકે છે. રાજ્યના દેવાનું મૂલ્યાંકન હંમેશા GSDP (રાજ્ય ઘરેલું ઉત્પાદન) ના ગુણોત્તરમાં કરવું જોઈએ, જે હાલમાં નાણા પંચની મર્યાદામાં જ છે.
કેટલીક જાહેરાતોનું સ્વાગત, પણ સેક્યુલરિઝમ પર ભાર
ટીકાઓની સાથે થિરુમાવલવને મુખ્યમંત્રી વિજયની કેટલીક શરૂઆતી જાહેરાતોને આવકારી પણ છે. જેમાં:
નશામુક્તિ: રાજ્યમાં નશામુક્તિ માટેના કડક પગલાંની વાત.
મહિલા સુરક્ષા: રાજ્યમાં સ્ત્રીઓની સુરક્ષા વધારવાની ખાતરી.
મફત વીજળી: 200 યુનિટ સુધી મફત વીજળી આપવાના નિર્ણયની પ્રશંસા કરી છે.
જોકે, અંતે તેમણે મુખ્યમંત્રીને અપીલ કરી છે કે, તેઓ જનતાને એવો વિશ્વાસ અપાવે કે તેમની સરકાર સંપૂર્ણપણે બિનસાંપ્રદાયિક (સેક્યુલર) રહેશે અને 'પરિવર્તન'ના નારા સાથે આવેલા વિજયે પોતાની વિચારધારા સ્પષ્ટ કરવી જોઈએ.





