Jharkhand Accident: ઝારખંડના રામગઢ જિલ્લામાં ગુરુવારે મોડી રાત્રે બનેલા ભયાનક માર્ગ અકસ્માતમાં સાત લોકોના મોત થતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. કોલસાથી ભરેલી એક ટ્રક ખોટી લેનમાં ઘૂસી જતાં સામેથી આવી રહેલા બેન્ડ પાર્ટીના સભ્યોને લઈ જતી પેસેન્જર ગાડી સાથે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ગાડીનો કચ્ચરઘાણ નીકળી ગયો અને તેમાં સવાર તમામ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. તમામ ઘાયલોને તાત્કાલિક રામગઢ સદર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ સાત લોકોને મૃત જાહેર કર્યા હતા. એક વ્યક્તિની હાલત અત્યંત ગંભીર હોવાથી તેને વધુ સારવાર માટે રાંચીની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે. ઘટનાના પગલે સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો અને લોકોએ રામગઢ-બોકારો હાઇવે પર ચક્કાજામ કરીને વિરોધ નોંધાવ્યો હતો.
કેવી રીતે થયો અકસ્માત?
પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, કોલસાથી ભરેલી ટ્રક અન્ય એક વાહનને ઓવરટેક કરવાનો પ્રયાસ કરી રહી હતી. આ દરમિયાન ટ્રક ખોટી લેનમાં પ્રવેશી ગઈ અને સામે આવી રહેલી પેસેન્જર ગાડી સાથે સીધી અથડાઈ હતી. ટક્કરની તીવ્રતા એટલી વધુ હતી કે, પેસેન્જર ગાડી સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી. અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
આ પણ વાંચો: રામ મંદિર દાન કેસમાં SIT તપાસ બાદ મોટું એક્શન! : 8 લોકો સામે નામજોગ FIR, બે મુખ્ય આરોપીઓની ધરપકડ
બેન્ડ પાર્ટીના સભ્યો બન્યા અકસ્માતનો ભોગ
માહિતી અનુસાર, અકસ્માતનો ભોગ બનેલા તમામ લોકો બેન્ડ-તાશા ગ્રુપ સાથે સંકળાયેલા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, બલસાગરા ગામના બે લોકો મારંગ મરચા ગામમાં કાર્યક્રમ માટે ગયા હતા અને ત્યાંથી અન્ય છ સભ્યો સાથે પરત ફરી રહ્યા હતા. હાલ મૃતકોની સત્તાવાર ઓળખ જાહેર કરવામાં આવી નથી, પરંતુ સ્થાનિકોના જણાવ્યા મુજબ મૃતકોમાં છ લોકો મારંગ મરચા ગામના અને બે લોકો બલસાગરા ગામના હતા.
હોસ્પિટલમાં પહોંચતા જ સાત લોકોને મૃત જાહેર કરાયા
રામગઢ સદર હોસ્પિટલના સિવિલ સર્જન ડૉ. અનિલ કુમારે જણાવ્યું કે અકસ્માતમાં ઘાયલ થયેલા કુલ આઠ લોકોને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું કે, સાત લોકો ગંભીર ઈજાઓને કારણે બચી શક્યા નહોતા, જ્યારે એક વ્યક્તિની હાલત નાજુક હોવાથી તેને વધુ સારવાર માટે રાંચી મોકલવામાં આવ્યો છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે.
અકસ્માત બાદ હાઇવે પર વિરોધ પ્રદર્શન
અકસ્માતની જાણ થતાં જ મૃતકોના પરિવારજનો અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ભારે રોષ વ્યક્ત કરતાં લોકોએ રામગઢ-બોકારો હાઇવે પર ચક્કાજામ કરી દીધો, જેના કારણે બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી.
પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું હતું. વરિષ્ઠ અધિકારીઓએ સ્થાનિકો સાથે વાતચીત કરીને સ્થિતિ સામાન્ય બનાવવાનો પ્રયાસ કર્યો હતો.
ચાર દિવસમાં એક જ સ્થળે 10 લોકોના મોત
સ્થાનિક લોકોનો દાવો છે કે છેલ્લા ચાર દિવસમાં આ જ સ્થળે અલગ-અલગ અકસ્માતોમાં કુલ 10 લોકોના મોત થઈ ચૂક્યા છે. તેમના મતે આ વિસ્તાર હવે અકસ્માતપ્રવણ 'બ્લેક સ્પોટ' બની ગયો છે. લોકોએ સરકાર અને માર્ગ સત્તાધીશોને આ સ્થળે સ્પીડ કંટ્રોલ, ટ્રાફિક વ્યવસ્થા અને અન્ય સુરક્ષા પગલાં તાત્કાલિક અમલમાં મૂકવાની માંગ કરી છે, જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ અટકાવી શકાય.
ટ્રક ચાલક ફરાર, પોલીસની શોધખોળ ચાલુ
અકસ્માત બાદ ટ્રકનો ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે અને સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ ચાલી રહી છે. પોલીસનું કહેવું છે કે, અકસ્માતના ચોક્કસ કારણો જાણવા માટે તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.






