T20 World Cup : ભારત અને શ્રીલંકાની યજમાનીમાં રમાઈ રહેલા T20 વર્લ્ડ કપ 2026 નો પ્રારંભ થઈ ચૂક્યો છે. આજે ટુર્નામેન્ટના બીજા દિવસે એટલે કે, 8 ફેબ્રુઆરી 2026 ના રોજ રવિવારના રજાના દિવસે ફેન્સને ત્રણ હાઇ-વોલ્ટેજ મેચોની મજા માણવા મળશે.
ન્યુઝીલેન્ડ vs અફઘાનિસ્તાન : ચેન્નાઈમાં સ્પિનર્સનો દબદબો
દિવસની પ્રથમ મેચ ચેન્નાઈના ઐતિહાસિક MA ચિદમ્બરમ સ્ટેડિયમમાં સવારે 11:00 વાગે રમાશે. ન્યુઝીલેન્ડની ટીમ હાલમાં જ ભારત સામેની T20 સિરીઝમાં 4-1 થી હાર મેળવીને વર્લ્ડ કપમાં પ્રવેશી રહી છે, તેથી કેપ્ટન મિચેલ સેન્ટનર માટે ટીમનું મનોબળ વધારવું એક મોટો પડકાર હશે. બીજી તરફ, રાશીદ ખાનની આગેવાની હેઠળની અફઘાનિસ્તાન ટીમ ચેન્નાઈની સ્પિન-ફ્રેન્ડલી વિકેટ પર ન્યુઝીલેન્ડના બેટ્સમેનોને દબાણમાં રાખવાનો પ્રયત્ન કરશે.
ઈંગ્લેન્ડ vs નેપાળ : મુંબઈના વાનખેડેમાં રનનો વરસાદ?
બપોરે 3:00 વાગે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં 2022 ની ચેમ્પિયન ઈંગ્લેન્ડની મજબૂત ટીમ અને ઉભરતી નેપાળની ટીમ વચ્ચે ટક્કર થશે. હૈરી બ્રૂકની આક્રમક કેપ્ટનશીપ હેઠળ ઈંગ્લેન્ડ પોતાનો દબદબો જાળવી રાખવા મેદાને ઉતરશે. નેપાળના કેપ્ટન રોહિત પૌડેલ અને તેમની ટીમ માટે આ વિશ્વમંચ પર પોતાની તાકાત બતાવવાની સુવર્ણ તક છે. મુંબઈની આ નાની બાઉન્ડ્રી પર રનનો મોટો સ્કોર જોવા મળી શકે છે.
શ્રીલંકા vs આયર્લેન્ડ : કોલંબોમાં યજમાનની એન્ટ્રી
આજના દિવસની છેલ્લી અને ત્રીજી મેચ સાંજે 7:00 વાગે શ્રીલંકાના કોલંબોમાં આવેલા R. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે. દાસુન શનાકાની આગેવાનીમાં શ્રીલંકાની ટીમ પોતાના ઘરઆંગણે આયર્લેન્ડ સામે ટકરાશે. આયર્લેન્ડના કેપ્ટન પોલ સ્ટર્લિંગ હંમેશા મોટી ટીમોને ચોંકાવવા માટે જાણીતા છે, તેથી આ મેચ ખૂબ જ રસાકસી ભરી રહેવાની આશા છે. હોમ ક્રાઉડનો સપોર્ટ શ્રીલંકા માટે પ્લસ પોઈન્ટ સાબિત થશે.




















