ત્રીજા વિશ્વયુદ્ધના મંડાણ સીરિયાની ધરતી પરથી થાય તો નવાઈ નથી. કેમ કે, સીરિયાને લઈને વિશ્વના બે શક્તિશાળી દેશો આમને સામને આવી ગયા છે. તો બીજી તરફ વિદ્રોહીઓએ સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ-અસદને સત્તા પરથી હટાવી દીધા બાદ સીરિયામાં અત્યારે ભયનો માહોલ છે. રિપોર્ટ્સ એવા પણ છેકે, વિદ્રોહીઓના આક્રમણથી પોતાનો જીવ બચાવીને સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ-અસદ રાજધાની દમાસ્કસ છોડીને રશિયા ભાગી ગયા છે... અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને બશર અલ-અસદ અને તેના પરિવારને રાજકીય શરણ પણ આપ્યું છે. અને આ વાતની પુષ્ટિ સીરિયાની સેનાએ પણ કરી છે. સીરિયાની સેનાએ સત્તાવાર જાહેરાત કરતાં કહ્યું છે કે, રાષ્ટ્રપતિ અસદે દેશ છોડી દીધો છે અને કહ્યું છે કે રાષ્ટ્રપતિની સત્તા સમાપ્ત થઈ ગઈ છે.
ભારત સરકારે સીરિયામાં રહેતાં નાગરિકો માટે શું કહ્યું?
ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા વચ્ચે ભારત સરકારે ચિંતા વ્યક્ત કરી છે. સીરિયામાં ચાલી રહેલી હિંસા અને અશાંતિ વચ્ચે ભારત સરકારે પોતાના નાગરિકો માટે એક એડવાઈઝરી પણ જાહેર કરી છે... વિદેશ મંત્રાલયે કહ્યું કે, જે ભારતીય નાગરિકો સીરિયા છોડી શકે તેમ છે તેઓએ વહેલામાં વહેલી તકે ઉપલબ્ધ ફ્લાઈટમાં સ્વદેશ પરત ફરવું જોઈએ. સાથે જ એવું પણ કહ્યું છે કે સીરિયામાં રહેતા ભારતીયોએ તેમની સલામતી વિશે સાવચેત રહેવું જોઈએ અને બિનજરૂરી અવર જવર કરવાનું ટાળવું જોઈએ.
નાગરિકો માટે ભારત સરકારે જાહેર કરી હેલ્પલાઈન
સીરિયામાં રહેતા નાગરિકો માટે ભારત સરકારે ચિંતા વ્યક્ત કરતાની સાથે જ વિદેશ મંત્રાલયે નાગરિકોની મદદ માટે ઈમરજન્સી હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યો. સીરિયામાં રહેતા ભારતીય નાગરિકો +963 993385973 નંબર પર સંપર્ક કરી શકે છે. આ સાથે જ [email protected] ઈમેલ આઈડી પણ જાહેર કર્યું છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, ઉપરોક્ત હેલ્પલાઈન નંબર અને સત્તાવાર ઈમેલ આઈડી દ્વારા નાગરિકો કોઈપણ માહિતી માટે દમાસ્કસમાં ભારતીય દૂતાવાસનો સંપર્ક કરી શકે છે.

_e792e5ea-717d-4280-a0c3-bca13601c2b7.jpeg)




