Home Gujarat Suspicious Ghee Worth Rs 1750074 Seized From Gujarat Food And Drug Administration Attacks Businessman Drugs Department 719d488a D52b 453c B40d F2d6b8a885bd

ઘી લેતા પહેલા સો વાર વિચાર કરી લેજો! : ગુજરાતમાંથી ઝડપાયું 17,50,074 રૂપિયાનું શંકાસ્પદ ઘી, ભેળસેળીયા વેપારી પર ત્રાટક્યું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ

ઘી લેતા પહેલા સો વાર વિચાર કરી લેજો!
Published by: OBS Bureau
Last Updated: Feb 26, 2025, 03:41 PM IST

ખોરાક અને ઔષધ નિયમન તંત્રના જણાવ્યા મુજબ ગુજરાત રાજ્યનાં નાગરિકોને સલામત અને સ્વચ્છ આહાર મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર કટીબદ્ધ છે અને રાજ્યમાં ભેળસેળ યુક્ત કે ડુપ્લીકેટ ખોરાક બનાવનાર ઇસમો વિરૂદ્ધ તંત્ર કડક કાયદાકીય કાર્યવાહી કરી રહ્યું છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, બનાસકાંઠા દ્વારા તારીખ ૦૮/૦૫/ ૨૦૨૪ના રોજ મે. શ્રી નવકાર ડેરી પ્રોડક્ટસ, પ્લોટ નંબર-૫૧, જી.આઇ.ડી.સી., ડીસા, બનાસકાંઠા ખાતે તપાસ કરવામાં આવેલ જેમાં સ્થળ પર ફુડ સેફ્ટી એન્‍ડ સ્ટાન્‍ડર્ડસ (લાયસન્‍સીંગ એન્‍ડ રજિસ્ટ્રેશન ઓફ ફુડ બિઝનેશ) રેગ્યુલેશન, ૨૦૧૧ની જોગવાઇઓનું ભંગ થતા જોવા મળેલ જે બદલ તંત્ર દ્વારા પેઢીને કલમ -૩૨ હેઠળ ઇમ્પ્રુવમેન્‍ટ નોટિસ આપવામાં આવેલ હતી પરંતુ પેઢી દ્વારા બે વખત તક આપવા છતાં તેની પુર્તતા ન કરવામાં આવતા પેઢીનું લાઈસન્સ (લાઈસન્સ નંબર-૧૦૭૧૮૦૦૫૦૦૦૮૬૬) તારીખ ૦૪/૧૦/૨૦૨૪ના રોજ રદ્દ કરવામાં આવેલ હતું.

તારીખ: ૨૫/૦૨/૨૦૨૫ના રોજ તંત્ર દ્વારા પેઢીની આકસ્મિક તપાસ કરતા પેઢીનું લાઈસન્સ રદ્દ કરી દીધુ હોવા છતાં ઘી નું ઉત્પાદન કરતી માલૂમ પડેલ. આથી, પેઢીના તપાસ કરતા અને પેઢીના જવાબદાર સંજયકુમાર બાબુલાલ મહેસુરીયાની પૂછપરછ કરતા ઘીમાં સોયાબીન અને ઇન્ટરએસ્ટરી ફાઇડ વેજીટેબલ ફેટની ભેળસેળ ની શંકા જતા તંત્ર કાયદા હેઠળ ની કાર્યવાહી કરતા સંજયકુમાર બાબુલાલ મહેસુરીયાની હાજરીમાં ઘીની અલગ -અલગ બ્રાંડ અને વજનના કુલ ૧૧ (અગિયાર) નમુના લેવામાં આવ્યા હતા.

ઉક્ત ઘીનો જથ્થો રાત્રે બનાવી તેને તહેવારો દરમ્યાન રાજસ્થાન વેચવા માટે જવાનો હતો, જે તંત્રની ટીમ દ્વારા જાહેર આરોગ્ય નાં હિતમાં સ્થળ ઉપર કાયદા મુજબ જપ્ત કરવામાં આવેલ છે, જેની અંદાજીત કિંમત આશરે રૂ. ૧૭.૫૦ લાખ અને વજન આશરે ૪૦૦૦ કિગ્રા થવા જાય છે. લીધેલ તમામ ૧૧ (અગિયાર) નમૂનાઓ ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલી આપેલ છે. આ ખાદ્ય પદાર્થો પ્રાથમિક દ્રષ્ટિએ શંકાસ્પદ હોઈ તેમનો પૃથકકરણ અહેવાલ આવ્યા બાદ નિયમોનુસારની આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આ ઉપરાંત ઉક્ત વેપારી પર ખાદ્યતેલમાં ભેળસેળ માટેના એડજ્યુડીકેશન કેસમાં રુ. ૧.૨૫ લાખનો દંડ અને મરચામાં કલરના ભેળસેળના ક્રિમીનલ કેસમાં રૂ. ૨૫,૦૦૦ નો દંડ અને કોર્ટ ઉઠતા સુધી ની સજા અગાઉ પણ થઇ ચૂકેલ છે. આમ, ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારીઓના દરોડાથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર ગુનાહીત પ્રવૃતિમાં સંડોવાયેલા ભેળસેળિયા ઇસમોમાં ફફડાટ ફેલાઇ ગયેલ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now