Ahmedabad news: રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા એપ્રિલ-૨૦૨૬માં અમદાવાદ મહાનગરપાલિકા સહિત જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણીઓની જાહેરાત કરવામાં આવી છે. આ ચૂંટણી પ્રક્રિયાને વધુ પારદર્શક, ઝડપી અને સરળ બનાવવા માટે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. રાજકીય પક્ષો અને ઉમેદવારોને સભા કે સરઘસની પરવાનગી માટે હવે વહીવટી કચેરીઓના ધક્કા નહીં ખાવા પડે.
શું છે આ ‘સિંગલ વિન્ડો સિસ્ટમ’?
ચૂંટણી દરમિયાન આદર્શ આચારસંહિતાનું ચુસ્ત પાલન થાય અને ઉમેદવારોને વિવિધ મંજૂરીઓ માટે એક જ સ્થળેથી તમામ સુવિધાઓ મળી રહે તે હેતુથી આ સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી છે.
મળનારી સુવિધાઓ અને ફાયદા
સામાન્ય રીતે ચૂંટણી સમયે ઉમેદવારોએ જાહેર સભા, રેલી કે સરઘસ માટે પોલીસ, મહાનગરપાલિકા અને અન્ય વિભાગો પાસેથી અલગ-અલગ મંજૂરીઓ લેવી પડતી હોય છે. ‘સિંગલ વિન્ડો સિસ્ટમ’ શરૂ થવાથી નીચે મુજબના ફાયદા થશે. ઉમેદવારો કે પક્ષના પ્રતિનિધિઓએ અલગ-અલગ કચેરીઓમાં જવાની જરૂર રહેશે નહીં. તમામ આનુષંગિક મંજૂરીઓ એક જ સ્થળેથી નિયત સમયમર્યાદામાં પ્રાપ્ત થશે. ચૂંટણી આયોગની માર્ગદર્શિકા મુજબ તમામ અરજીઓનું ડિજિટલ કે વન-સ્ટોપ સેન્ટર દ્વારા મોનિટરિંગ થશે.
વહીવટી તંત્રની અપીલ
વહીવટી તંત્ર દ્વારા બહાર પાડવામાં આવેલી અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર, માહે એપ્રિલમાં યોજાનાર મહાનગરપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની સામાન્ય તેમજ પેટા ચૂંટણીના તમામ ઉમેદવારોએ આ સિસ્ટમનો મહત્તમ લાભ લેવો. મુક્ત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી સંપન્ન થાય તે માટે આચારસંહિતાના નિયમોનું પાલન કરી નિર્ધારિત સમયમાં પરવાનગી મેળવી લેવા સૂચના આપવામાં આવી છે. ચૂંટણીલક્ષી કોઈપણ કાર્યક્રમ માટે મંજૂરી મેળવવા હવે કલેક્ટર કચેરી ખાતે સ્થાપિત આ વિશેષ વિન્ડોનો જ સંપર્ક કરવાનો રહેશે.





